વ્યાસ, ભીખુભાઈ (જ. 22 ઑગસ્ટ 1930; અ. 5 જૂન 2022) : કોયતા’ની સેવા કરનાર અને નાના ડેમો બાંધનાર લોકસેવક.

ગાંધીમાર્ગના યાત્રીઓ તરીકે ઓળખાયેલાં ભીખુભાઈ વ્યાસ અને કોકિલાબહેન શાહ(જ. 4 જૂન 1939) દંપતી દક્ષિણ ગુજરાતના વાલોડ વિદ્યાર્થી મંડળની પેદાશ છે. આખા પ્રદેશ માટે પ્રેરક એવા જુગતરામકાકામાંથી પ્રેરણા મળી. પણ એમનું કાર્ય ગોઠવાયું ઝીણાભાઈ દરજી થકી. દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપવા ખાનદેશના જે મજૂરો આવે તે બધા ‘કોયતા’ નામે ઓળખાય છે. કાળી મજૂરી કરે અને ખેતરમાં પડી રહે. એ બધા વહેમ અને વ્યસનમાં ગળાડૂબ. 1988ની આસપાસ ગુજરાતના સૌથી ગરીબ અને પછાત તાલુકા તરીકે ધરમપુર વિશેનો આઈઆઈએમ નો સર્વે રિપૉર્ટ વાંચ્યો અને તે પ્રદેશના વિકાસ તરફ વળ્યા. ખેતરમાં પડી રહેતા કોયતાઓનાં બાળકો માટે આંગણવાડીઓ શરૂ કરીને શિક્ષણ અને નાસ્તાનું કામ શરૂ કર્યું. પછી તો આખા વિસ્તારના આદિવાસીઓ માટે કામ કરવા લાગ્યા.

સૌથી વધુ વરસાદ છતાં ડુંગરાઓ પરથી પાણી વહી જાય ત્યાં પાણીને રોકવા આડબંધો અને નાના ડૅમો બાંધ્યા. પાકના બિયારણ વહેંચ્યાં, કૂવાઓ ઊંડા કર્યા. કેરીની કલમોનું વિજ્ઞાન શીખવ્યું. બળદો મરી જતા હતા તેથી ખેતી માટે કચ્છ અને પાલિતાણાથી પાડા લાવી આપ્યા. ભીખુભાઈ અત્યંત વિનોદી હતા, કહેતા : ‘મારે બે આંખ છે. એક આંખે પાળા અને બીજી આંખે પાડા જોઉં છું.

‘ફ્રૅન્ડ્ઝ ઑફ ધરમપુર’ શરૂ કરી આર્થિક સહયોગ મેળવ્યો. આગળ વધીને સ્વીડનની Tuff સંસ્થાની સતત સહાય મળતી રહી. આખા પ્રદેશના આદિવાસીઓ માટે સર્વાંગીણ વિકાસકામો થઈ શક્યાં.

સર્વોદય વિચારનું ‘ભૂમિપુત્ર’ અને દલિત વિકાસ અને વિચારનું ‘નયામાર્ગ’ – આ બંને સામયિકોની શરૂઆતની સંપાદક ટીમમાં ભીખુભાઈનું યોગદાન છે. તેમનાં કાર્યોને ગોંધિયા ઍવૉર્ડ અને દર્શક ફાઉન્ડેશન ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. વેડછી-વ્યારા, માંડવી, ઝઘડિયાની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયા પણ પોતે કોઈ સંસ્થાનું વળગણ ન રાખ્યું. ધરમપુરનું કામ એમની કાયમી પ્રાર્થનારૂપ બની રહ્યું.

ડંકેશ ઓઝા