વ્યાસ, મદનલાલ (. 12 ડિસેમ્બર 1922, જોધપુર, રાજસ્થાન) : હિંદી લેખક. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વ સાથે લેખનકાર્ય કર્યું. 1953-55 સુધી દૈનિક ‘વિશ્ર્વામિત્ર’ના સહસંપાદક; 1955-83 સુધી ‘નવભારત’ના સહસંપાદક રહ્યા. 1962થી સંગીતવિવેચક થયા.

તેમણે અત્યાર સુધીમાં 20થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં’ (1972) તેમનો જાણીતો ચરિત્રગ્રંથ છે. ‘ભીમસેન જોશી’ (1991) અંગ્રેજીમાંથી અનૂદિત જીવનચરિત્ર છે. ‘ભારતીય સંગીતકોશ’ (1975); ‘વૈદિક પરંપરા મેં સામગાન’ (1982); ‘મુઘલ ભારત કા સંગીતચિંતન’ (1994) અને ‘રાગ ઔર રૂપ’ (1998)  એ તમામ પ્રજ્ઞાનાનંદનાં બંગાળી પુસ્તકોમાંની શાસ્ત્રીય સંગીત પરની અનૂદિત કૃતિઓ છે. ‘ભૈરવ કે પ્રકાર’ (1991) તેમની સંપાદિત કૃતિ છે.

તેમના આ પ્રદાન બદલ તેમને મેવાડ ફાઉન્ડેશન તરફથી ડગર ઘરાના ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા