વ્યાસ, ભગવતીલાલ (જ. 10 જુલાઈ 1941, ગિલુન્દ, જિ. રાજસમદ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી કવિ. તેમણે એમ. એલ. સુખડિયા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ. એડ. અને પીએચ.ડી.ની પદવી મેળવી છે.
તેમની કૃતિ ‘અનહદ નાદ’ને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે રાજસ્થાન વિદ્યાપીઠમાં તથા લોકમાન્ય ટિળક ટીચર્સ કૉલેજમાં હિંદી અને શિક્ષણશાસ્ત્રના સિનિયર પ્રાધ્યાપક તરીકે 22 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. તેઓ રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગના ત્રિમાસિક ‘નયા શિક્ષક’ના સલાહકાર બૉર્ડના સભ્ય; આકાશવાણી, ઉદયપુરની કાર્યક્રમ સમિતિના સલાહકાર બૉર્ડના સભ્ય; રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદયપુરના સભ્ય; રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી દિલ્હી માટેની જનરલ કાઉન્સિલ અને સલાહકાર બૉર્ડના સભ્ય (1993-97) રહ્યા હતા.
તેમણે અત્યાર સુધીમાં રાજસ્થાની તથા હિંદીમાં કુલ 28 ગ્રંથો આપ્યા છે. હિંદીમાં : ‘શતાબ્દી નિરુત્તર હૈ’ (1977), ‘ફૂટપાથ પર ચિરિયા નાચતી હૈ’ (1984); ‘શિખર કી પીડા’ (1989); ‘મૌસમ કે ગીત’ (1992); ‘અનુવર્તન’ (1994) આ તમામ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘સુરજ લીલ્તી ઘાટિયૉ’ (1976) અને ‘સુંદરવન કી તારા’ (1994) તેમના વાર્તાસંગ્રહો છે. ‘આલ્પિનોન કા આસન’ (1993) કટાક્ષકથા છે. રાજસ્થાનીમાં : ‘અનહદ નાદ’ (1987) અને ‘અગની મંતર’ (1993) કાવ્યસંગ્રહો છે. ‘બત્યોદી રસ્સી’ ભવાનીપ્રસાદ મિશ્રના કાવ્યનો અનુવાદ છે. તેમણે કનૈયાલાલ શેઠીયાનાં કેટલાંક રાજસ્થાની કાવ્યોનો હિંદી અનુવાદ કર્યો છે. તેમની કૃતિઓ ગુજરાતી તથા પંજાબી ભાષામાં અનૂદિત થઈ છે. રાજસ્થાનીમાં લખાયેલી અન્ય કૃતિઓમાં ‘રાણી રી પહચાન’; ‘રૂખ બત્રીસી’ અને ‘ઓળખ નવો સ્વરૂપ’નો સમાવેશ થાય છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1983 તથા 1992ના વર્ષનો રાજસ્થાન સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1996માં રાજસ્થાનીમાં સાહિત્ય અકાદમી ટ્રાન્સલેશન-પ્રાઇઝ પ્રાપ્ત થયાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘અનહદ નાદ’માં 25 કાવ્યો છે. તેમાં કવિની આધુનિક સંવેદનશીલતાની પ્રતીતિ થાય છે. આ કાવ્યોમાં જીવનની કઠોર વાસ્તવિકતા, માનવજીવનનો સંઘર્ષ, તેની જિજીવિષા, તેની વિકલતા-વિવશતા, તેની મર્યાદાઓ તેમજ તેનો આંતરસંઘર્ષ જેવી વિષયસામગ્રીનું હૃદયસ્પર્શી ચિત્રણ છે. ભાવનાત્મક ઊંડાણ, ષ્ટિબિંદુની સ્પષ્ટતા તેમજ ભાવનાઓ અભિવ્યક્ત કરવાની ક્ષમતા જેવી વિશેષતાઓને કારણે આ કૃતિ પુરસ્કારપાત્ર નીવડી છે.
મહેશ ચોકસી