વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ)

January, 2006

વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ) (. 7 ફેબ્રુઆરી 1906, જોડ્રન્સ, જિ. ભિલવાડા, રાજસ્થાન) : હિંદી અને સંસ્કૃત પંડિત. 1932માં તેમણે સરકારી સંસ્કૃત કૉલેજ, વારાણસીમાંથી સાહિત્યશાસ્ત્રીની પદવી મેળવી. તેમણે શિવશક્તિ પીઠ, રાજમહલ, ઉદેપુરના નિયામક તરીકે કામગીરી કરી. 1928થી 1968 સુધી તેઓ ભૂપાલ નોબલ્સ ઇન્ટર કૉલેજ, ઉદેપુરમાં મુખ્ય પંડિત રહ્યા. તેઓ મેવાડ સ્ટેટના મહારાણા પરિવારના શિક્ષક રહ્યા. 1940માં તેઓ આદર્શ વિદ્યા મંદિર, ઉદેપુરના સ્થાપક બન્યા.

તેમણે હિંદીમાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગંગા લહરી પંડિતરાજ જગન્નાથ’ (1970); ‘ભક્તામર ઑવ્ માતુંગાચાર્ય’ (1978); ‘ગોવિંદદામોદરસ્તોત્રમ્ બિલ્વમંગલાચાર્ય’ (1979) અને ‘સિદ્ધાંતકૌમુદી’ (4 ભાગ – 1980-84) તેમના જાણીતા વિવેચનગ્રંથો છે. ‘સ્તોત્રપંચકમ્’ (1975) ભક્તિકાવ્યસંગ્રહ છે. ભાસકૃત ‘મધ્યમવ્યાયોગમ્’ (1933) અને ભર્તૃહરિકૃત ‘નીતિશતકમ્’ (1940) એ બંને હિંદીમાં અનૂદિત કૃતિઓ છે.

તેમને 1985માં સંસ્કૃતમાં રાજ્ય ઍવૉર્ડ, 1989-90માં મેવાડ ફાઉન્ડેશન તરફથી હરિત ઋષિ તરફથી ઋષિ પુરસ્કાર અને 1991માં રામધારી શાસ્ત્રી શાસ્ત્ર પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. તે ઉપરાંત તેમને 1934માં વિદ્વત્ પરિષદ, અયોધ્યા તરફથી ‘સાહિત્યધુરીય:’ અને 1994માં ‘સાહિત્યરત્નાકર’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા