વ્યાસ, નિર્મોહી (જ. 3 ફેબ્રુઆરી 1934 બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી નાટ્યકાર. તેમણે હિંદીમાં એમ.એ. તથા વિશારદની પદવીઓ મેળવી. પછી એલએલ.બી. કર્યું. તેઓ અનુરાગ કલાકેન્દ્ર, બીકાનેરના સ્થાપક સેક્રેટરી રહ્યા. તેઓ રાજસ્થાન ભાષા સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી, બીકાનેરના સભ્ય રહ્યા.
તેમણે અત્યારસુધીમાં રાજસ્થાની તેમજ હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઓલ્મો’ (1988); ‘ભીખો ઢોલી’ (1989); ‘સાવન્તો’ (1992); ‘બાબોસા’ (1996); ‘પ્રૌવીર પબૂજી’ (1998) તેમના લોકપ્રિય નાટ્યસંગ્રહો છે.
તદુપરાંત હિંદીમાં ‘આજ કે ચાર નાટક’ (1991); ‘અનામિકા’ (1993); ‘આધી રાત કા સૂરજ’ (1998) તેમના જાણીતા નાટ્ય-સંગ્રહો છે. તેમણે હિંદીમાં અને રાજસ્થાનીમાં અનેક નાટકોનું દિગ્દર્શન કર્યું.
નાટ્યક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને ‘નટ શિરોમણિ’ ઍવૉર્ડ; શિવચંદ ભારતીય પુરસ્કાર; દેવીલાલ સમર પુરસ્કાર 199596 પ્રાપ્ત થયા. વરિષ્ઠ નાગરિક સમિતિ, બીકાનેર તરફથી તેમને અભિનંદન તથા 1992માં ‘નાટ્યશેખર’નો ખિતાબ આપવામાં આવ્યા.
બળદેવભાઈ કનીજિયા