વ્યાવસાયિક બેદરકારી : વ્યાવસાયિક કાર્ય કરતી વખતે સામાન્ય બુદ્ધિશાળી માણસ જેવું કૃત્ય કરે તેવું ન કરવું અથવા સામાન્ય બુદ્ધિશાળી માણસ ન કરે તેવું કૃત્ય કરવું તે. તેને વ્યાવસાયિક ઉપેક્ષા (professional negligence) પણ કહે છે. ઉપેક્ષા યાને બેદરકારી તે કાંઈક કરવામાં કસૂરનું કૃત્ય છે. બેદરકારીનો અર્થ અવિચારીપણું અગર ગફલત થતો નથી પરંતુ કૃત્યની ભયંકરતા પ્રત્યે સજાગ રહ્યા વગર અથવા ભય નથી એવી ખોટી માન્યતાથી કરવામાં આવ્યું હોય તો તે કૃત્ય બેદરકારીથી થયું કહેવાય, જેમાં પરિણામ પ્રત્યેના દુર્લક્ષનું તત્ત્વ વધારે હોય છે. વ્યક્તિ પોતાની શ્રેષ્ઠ નિર્ણયશક્તિ અને માન્યતા પ્રમાણેની સદ્ભાવના(good faith)થી કૃત્ય કરે તેટલું જ પૂરતું નથી અને પોતાની માન્યતા પ્રમાણે જરૂરી સાવધાની અને દરકારથી સંયોગોને અનુરૂપ વર્તન કરે તે પણ પૂરતું નથી. વ્યક્તિએ બતાવેલી સાવધાની અને દરકાર કાયદાએ સ્થાપિત કરેલી પ્રથા, ધોરણ અગર પરિમાણ પ્રમાણેની હોવી જોઈએ. કાનૂનનો સાવચેતી અગર દરકારનો માપદંડ શું એ પ્રશ્ન સ્વાભાવિક થાય. કાયદો દરેક વિશિષ્ટ પ્રસંગમાં બુદ્ધિગમ્ય દરકાર અને સાવચેતીની અપેક્ષા રાખે છે.
કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે અન્ય વ્યક્તિને નુકસાન થાય તો કાયદો મદદરૂપ થાય છે. બેદરકારીના પરિણામે થતા નુકસાન માટે દાવો ત્યારે જ માંડી શકાય કે જ્યારે જે તે વ્યક્તિની પોતાના કાર્યમાં પૂરતી કાળજી કે સાવચેતી રાખવાની ફરજ હોવા છતાં પણ તે ફરજ બજાવી ન હોય. ઉપેક્ષાનું અસ્તિત્વ કાયદેસરનું કોઈ કૃત્ય અયોગ્ય રીતે કરવામાં આવે તેમાં તેમજ ફરજિયાત કૃત્ય કરવામાં નિષ્ફળ જાય તેમાં રહેલું છે. કાયદાથી કાળજી લેવાની કે સાવચેતી રાખવાની ફરજની અવગણના એટલે બેદરકારી. બેદરકારીના પરિણામ માટે નુકસાન કરનાર સામે કાનૂની રાહે પગલાં લેવા માટે કોઈ ચોક્કસ કાયદો ઘડવામાં આવેલો નથી, પરંતુ દેશના સામાન્ય કાયદા હેઠળ એટલે કે દીવાની રાહે દાવો કરવાનો ઉપાય પ્રાપ્ત થાય છે. કરારથી સ્વતંત્ર એવા દોષિત કૃત્યને કાયદાની ભાષામાં અપકૃત્ય (tort) કહેવામાં આવે છે. ઉપેક્ષાનું અપકૃત્ય તેનાથી જેને નુકસાન થાય તે તમામ વ્યક્તિઓ તરફ જવાબદારી ઉત્પન્ન કરે છે. હાનિ પહોંચાડવાનું કૃત્ય દીવાની પ્રકારના અપકૃત્યમાં ત્યારે જ મૂકી શકાય કે જ્યારે તે માટે યોગ્ય ઉપાય પ્રાપ્ત થતો હોય. નુકસાનના વળતર માટે દાવો થઈ શકે તેમ ન હોય તો તેને અપકૃત્ય કહી શકાય નહિ. અન્યની સંભાળ રાખવાની કાનૂની ફરજ ન હોય તો કાનૂની રાહે પગલાં લઈ શકાય નહિ.
અમુક વ્યવસાયમાં ખાસ આવડત, તાલીમ, લાયકાત વગેરે જરૂરી હોય છે. કોઈ વ્યક્તિ તે વ્યવસાયને અનુરૂપ આવડત કે લાયકાત પ્રાપ્ત કર્યા વિના વ્યવસાય કરે તો તે બેદરકારી માટે જવાબદાર બને છે. આ વ્યવસાયોમાં કંપનીના ડિરેક્ટરો, ડૉક્ટરો, વૈદ્યો, સર્જ્યનો, વકીલો, સૉલિસિટરો, વીશીવાળા, વાહનહંકારનારા, કેરિયરો, બૅન્કરો, ઉત્પાદકો વગેરેનો સમાવેશ થાય છે. આવા વ્યવસાયોમાં જોડાયેલ વ્યક્તિઓ કૌશલ્ય પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ ગણાય છે. આથી તેમાં તેમના કાર્યમાં જરૂરી નિપુણતા દાખવવા બંધાયેલા છે. તેમાં તેઓએ શુદ્ધ બુદ્ધિથી તે કાર્ય કર્યું છે અને તેમની શ્રેષ્ઠ કુશળતા અને પરિણામ લાવવાના ખાસ અંદાજથી તે કર્યું છે તેમ કહેવાનું પૂરતું ન ગણાય. વ્યવસાયના પ્રકાર ઉપરથી જ ખાસ કુશળતાની ક્ષમતા અને અનુભવ હોવાનું જરૂરી ગણાય. તે જ વ્યવસાયમાં અન્ય વ્યક્તિઓ જેટલી અને જેવી કાળજી રાખે તેવી ખાસ કાળજી લેવાની વ્યક્તિની ફરજ બને છે. તેમની સેવાઓ લેવામાં આવે ત્યારે તેમના તરફથી ગર્ભિત ખાતરી અને બાંયધરી છે કે જે કામ કરવાનું તેમણે હાથ પર લીધું છે તે સફળતાપૂર્વક પાર પાડવા માટે પોતે વાજબી રીતે સક્ષમ છે.
વ્યવસાયમાં બેદરકારી રાખવામાં આવે તો કાનૂની ફરજનો ભંગ ગણાય. આથી કોર્ટ અથવા ગ્રાહક સુરક્ષા તકરારનિવારણ કેન્દ્ર કે અન્ય સત્તામંડળને તે અંગે કાર્યવાહી કરવાનો કાનૂની અધિકાર આપવામાં આવે તેની સમક્ષ નુકસાની તરીકે નાણાંના સ્વરૂપમાં વળતર મેળવવાની દાદ માંગવાની કાર્યવહી થઈ શકે છે.
વ્યવસાય કરનાર સામે બેદરકારીના મુદ્દા હેઠળ નુકસાનની માંગણી કરવામાં આવે ત્યારે ફરિયાદ કરનારે એ સાબિત કરવાની જરૂર રહે છે કે જેના પરિણામે નુકસાન થયાની રજૂઆત છે તે આકસ્મિક, ઉગ્ર અને અટકાવી ન શકાય તેવું કે અગમચેતી વાપરી જોઈ ન શકાય તેવું કુદરતી કૃત્ય ન હતું. સંભાળ અને કુશળતાથી તે નુકસાન થતું રોકવાનું શક્ય હતું. તે કિસ્સો અકસ્માતનો નથી. જેને હાનિ થઈ છે તેના પક્ષે કોઈ સંભાળ અગર સાવચેતીનો અભાવ ન હતો અને હાનિનું કારણ ફરજભંગ હતો.
વ્યવસાયમાં બેદરકારીના કારણે થયેલ નુકસાનના કૃત્યને ગુનાઇત ગણવું કે કેમ તે કાનૂન ઉપરથી નક્કી થાય છે પરંતુ કાયદાથી બેદરકારીના અપકૃત્ય માટે નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી હોય છે ત્યારે એવી દલીલ કરવામાં આવે છે કે તેમાં અન્યાય થવા સંભવ છે કારણ કે વ્યવસાયમાં સામાન્ય રીતે પૂરતી કાળજી રાખવામાં આવતી હોય છે; જેમ કે, ડૉક્ટરનો વ્યવસાય. વ્યવસાય કરનારે પરંતુ એ રીતની કાળજી લેવાનું કાયદાની દૃષ્ટિએ ફરજના ભાગ રૂપે જરૂરી બને છે કે, તે બાબત હાથ ધરતાં અગાઉ સૌપ્રથમ એ નક્કી કરવું જોઈએ કે તે કામ સ્વીકારવું કે કેમ ? જે કામગીરી કરવાની હોય તે અંગેનું કાર્ય નક્કી કરવામાં અને તેની કાર્યવહી કરવામાં કાળજી લેવી અને કામ હાથ પર લીધા પછી તેની પૂરતી કાળજી લેવી. જરૂરી કાળજી લેવામાં આવે તો વ્યવસાયમાં બેદરકારીનો આક્ષેપ વજૂદ વગરનો ગણાય.
એ બાબતની નોંધ લેવી ઘટે કે વ્યવસાયમાં હરીફાઈને કારણે કોઈને પોતાના વ્યવસાયમાં નુકસાન થાય તો તેમાં ગમે તેટલું નુકસાન જાય પરંતુ તે દાવાનું કારણ બની શકે નહિ. એવી દલીલ કરવામાં આવે છે કે વ્યક્તિને નુકસાન માટે જવાબદાર ઠરાવનાર ન્યાયાધીશને પોતાના ચુકાદાનો બચાવ કરવા માટે દીવાની કોર્ટમાં બોલાવવામાં આવતા નથી. જ્યારે ડૉક્ટર જેવો વ્યવસાય કરનારને પોતાના નિર્ણય અને પરિણામ માટે જવાબ દેવા કોર્ટમાં હાજર રહેવું પડે છે તે યોગ્ય નથી. ન્યાયાધીશ અંગેની જોગવાઈ નિર્ભયતા બક્ષવા માટે છે કે પોતાનાં કાર્યો સ્વતંત્રતાથી અને પરિણામોનો ડર રાખ્યા વગર કરવાની છૂટ હોવી જોઈએ. ન્યાયાધીશની ભૂલો માટે ઉચ્ચ દરજ્જાની અદાલતમાં અપીલ કરવાનો ઉપાય છે તે સાથે ન્યાયાધીશની ભ્રષ્ટતા માટે ફોજદારી રાહે ફરિયાદ કરવાનો અને સ્થાન ઉપરથી દૂર કરવાનો ઉપાય મળે છે.
કોઈ વ્યક્તિ બેદરકારી માટે જવાબદાર છે કે કેમ તેનો નિર્ણય કરવા દરકારનું ધોરણ અને કેટલી માત્રામાં કેટલે અંશે દરકાર રાખવાની જરૂર હતી તે ઉપરથી નક્કી કરવાનું હોય છે. આ બાબત માટે કોઈ ચોક્કસ માપદંડ નક્કી કરી શકાય નહિ કારણ કે તે જે તે કેસની હકીકત ઉપરથી જ નક્કી થાય. દરકાર રાખવા માટે કયું ધોરણ અપનાવવું જરૂરી ગણાય તે કાયદાને લગતી બાબત છે અને વ્યક્તિ-આધારિત નથી. જોકે વ્યક્તિ જે વ્યવસાય કરે તેમાં તેની ફરજ બજાવવાના સંજોગો ઉપરથી તેમાં કોઈ દોષિત ઠરાવવા જેવી કસૂર હતી કે કેમ તેનો નિર્ણય કરવાનો રહે.
બેદરકારીના કારણે વળતરના દાવામાં વાદીએ સૌપ્રથમ એ સાબિત કરવાનું રહે છે કે પ્રતિવાદીની કાળજી લેવાની ફરજ હતી. બીજું કે તે ફરજનો ભંગ કરવામાં આવ્યો છે અને ત્રીજું કે વાદીને જે ખોટ ગઈ અને નુકસાન થયું તે કાયદેસરની ફરજનો ભંગ કર્યાનું પરિણામ છે. અપકૃત્યના કિસ્સા માટે કસૂર નક્કી કરવા માટેનું વર્તન તે એક જ માપદંડ છે તે એ કે સામાન્ય માનવી જેટલા ખંતથી કાર્ય કરે તે રીતે કરેલું હોવું જોઈએ, પરંતુ જ્યારે વ્યક્તિ અમુક સંજોગોમાં મુકાય ત્યારે કેટલા અંશે દરકાર લેવી જોઈએ તેની માત્રામાં તફાવત રહે છે; જેમ કે, જ્યારે અમુક વ્યક્તિઓ જમીનના માલિક અને કબજેદાર હોય તો તેમણે એવી રીતે વર્તન કરવું ન જોઈએ કે જેથી અન્યની જાતને અને મિલકતને હાનિ પહોંચે, પરંતુ જેમાં ખાસ કૌશલ્ય ધરાવવાનું જરૂરી હોય તેવા વ્યવસાયમાં હોય. સ્વેચ્છાએ ઉચ્ચ પ્રકારની ફરજ બજાવવાની જવાબદારી સ્વીકારી હોય તો સામાન્ય સમજદાર વ્યક્તિની સરખામણીમાં તો તે વિશેષ કાળજી રાખવા બંધાયેલ છે.
અપકૃત્યના કિસ્સામાં બેદરકારી માટે જવાબદાર ઠરાવવા વ્યાવસાયિક બેદરકારી અને સામાન્ય બેદરકારી અંગે નિર્ણય કરવા માટે અલગ અલગ માપદંડ રાખવો પડે. તેમાં કાળજી (દરકાર) રાખવાનું ધોરણ અને કેટલી હદ સુધી કાળજી રાખવાની તેની માત્રામાં ફેર રહેલો છે તે ધ્યાનમાં રાખી દાવાનું કારણ અને બચાવના મુદ્દા ધ્યાનમાં લેવાના રહે છે.
મધુકર દિ. ધ્રુવ