વ્યાપક ચેતાકાઠિન્ય (multiple sclerosis) : કેન્દ્રીય ચેતાતંત્રમાં વારંવાર વધઘટ પામતો પણ ધીમે-ધીમે સતત વધતો રહેતો શોથ (inflammation), અશ્વેતિનીકરણ (demyelination) અને મૃદુતંતુપેશિતા(gliosis)વાળો વિકાર. તે સમય અને સ્થાનના સંદર્ભે દર્દીના ચેતાતંત્રમાં વ્યાપક રીતે વિસ્તરતો વિકાર છે. પેશીમાં રોગ-પ્રતિકારક કોષોના ભરાવાથી થતા અને વિશિષ્ટ રીતે આવતા સોજાને શોથ કહે છે. ચેતાતંતુઓ પર શ્વેતિન (myelin) નામના સફેદ દ્રવ્યનું આવરણ હોય છે. તે ઘટે તેવા વિકારને અશ્વેતિનીકરણ કહે છે. મગજમાંની સંયોજીપેશી (connective tissue) રૂપે મૃદુતંતુપેશી (glial tissue) હોય છે. જ્યારે ચેતાતંત્રના કોઈ વિકારમાં રૂઝ આવે ત્યારે ત્યાં મૃદુતંતુપેશી વિકસે છે. તેને મૃદુતંતુપેશિતા કહે છે. આ ત્રણેય પ્રકારનો વિષમતાઓ ચેતાતંત્રમાં જુદા જુદા સ્થળે અને જુદા જુદા સમયે થતી રહે તેવા રોગને વ્યાપક ચેતાકાઠિન્ય કહે છે.

અમેરિકામાં આશરે 35,000 અને વિશ્વભરમાં આશરે 110 લાખ વ્યક્તિઓને આ વિકાર થયેલો છે એવો અંદાજ છે. સામાન્ય રીતે તે યુવાન અને મધ્યમ વયની વ્યક્તિઓમાં થાય છે. તે સ્ત્રીઓમાં લગભગ 2:1ના દરે વધુ થાય છે અને તેનું પ્રમાણ 55 વર્ષ પછી વધતી વય સાથે વધે છે. જેમ જેમ વિષુવવૃત્તથી અંતર વધુ તેમ તેમ આ રોગનું વસ્તીપ્રમાણ વધે છે. આ રોગ થવામાં સ્થળનું મહત્વ છે; કેમ કે, તે જાપાનમાંના જાપાનીઓ કરતાં અમેરિકામાંના જાપાની-ઓમાં વધુ જોવા મળે છે. એક કુટુંબની વ્યક્તિઓને કે જોડકાં ભાઈ-બહેનમાં તેનું વધુ પ્રમાણ જોવા મળે છે. આ વિકારમાં T-લસિકાકોષો (T-lymphocytes) સક્રિય હોય છે. હાલ મળતી માહિતી પ્રમાણે તે જનીનીય કારણોસર રોગવશ્યતા પામેલી (genetically susceptible) વ્યક્તિઓમાં સ્વકોષઘ્ની રોગ(autoimmune disease)ના સ્વરૂપે થાય છે. વ્યક્તિના રોગપ્રતિકારક કોષો પોતાના જ કોષોને મારીને રોગ કે વિકાર સર્જે તેવી સ્થિતિને સ્વકોષઘ્ની રોગ કહે છે. જોકે વાતાવરણીય, જનીની કે પ્રતિરક્ષાલક્ષી (રોગો સામે રક્ષણ આપતાં) પરિબળોની આંતરક્રિયા હજુ સ્પષ્ટ થયેલી નથી. તેનાં લક્ષણો અતિસામાન્ય વિકારથી માંડીને ઝડપથી વધતા અને અપંગતા લાવી દેતા રોગ રૂપે જોવા મળે છે. તેને કારણે ઉદ્ભવતી આનુષંગિક તકલીફો (complications) વિવિધ અવયવો અને તંત્રોને અસર કરે છે અને તેથી તેની સારવારમાં વિવિધ પ્રકારના તજ્જ્ઞ તબીબોની ટુકડીએ ભાગ લેવો પડે છે.

વ્યાધિજનન (pathogenesis) : દર્દીના શરીરમાં શ્વેતિનલક્ષી સ્વપ્રતિદ્રવ્યો (myelin-specific autoantibodies) બને છે, જે નસોની આસપાસના ચેતાતંતુઓમાં અશ્વેતિનીકરણ લાવે છે. આ જ દ્રવ્ય મહાભક્ષીકોષો (macrophages) તથા સૂક્ષ્મ મૃદુતંતુકોષો(microglial cells)ને ઉત્તેજે છે અને તે નાશ પામેલા શ્વેતિનના કચરાને દૂર કરવા જે તે સ્થળે એકઠા થાય છે. જેમ દોષવિસ્તાર મોટો થતો જાય તેમ તેમાં તારકકોષો (astrocytes) નામના મૃદુતંતુપેશીના કોષોની સંખ્યાવૃદ્ધિ થાય છે. તેથી ત્યાં મૃદુતંતુપેશિતા થાય છે. આ પ્રકારે થતા દોષવિસ્તારો (lesions) ચકતી(plaque)ના સ્વરૂપે જોવા મળે છે. દોષવિસ્તારોનાં કદ અને સંખ્યાને દર્દીનાં લક્ષણો અને ચિહ્નોની તીવ્રતા સાથે ખાસ સંબંધ નથી.

ચેતાતંત્રમાંના તથા તેમાંથી બહાર જતા-આવતા સંદેશાઓ ચેતાતંતુઓ દ્વારા ચેતાઆવેગ(impulse)ના સ્વરૂપે વહન પામતા હોય છે. આ ચેતાઆવેગો વીજભાર સ્વરૂપે હોય છે. શ્વેતિન ચેતાતંતુઓ પરનું અવાહક પડ બનાવે છે, જે તેમાંથી પસાર થતા ચેતાઆવેગોના વીજભારને અક્ષતંતુ(axon)માં જાળવી રાખે છે. શ્વેતિનની ગેરહાજરીમાં અક્ષતંતુઓમાં થતું ચેતા-આવેગનું વહન ક્ષતિગ્રસ્ત બને છે અને તેથી તેમાં વહનરોધ (conduction block) ઉદ્ભવે છે. આ પ્રકારનો વહનરોધ વધઘટ પામતો રહે છે અને તેથી તે દર્દીનાં ચેતાતંત્ર સંબંધિત કાર્યો અને લક્ષણો કલાકે કલાકે કે દિવસે દિવસે બદલાતાં રહે છે.

લક્ષણોચિહ્નો અને નિદાન : તેનાં ચેતાતંત્રીય લક્ષણો વધઘટ પામતાં રહે છે. તેને આધારે પ્રાથમિક સતતવર્ધનશીલ (primary progressive), શમન-પુનષ્ક્રિયાશીલ (relapsing and remitting, RRMS) તથા દ્વૈતીયિક સતતવર્ધનશીલ (secondary progressive) – એમ ત્રણ પ્રકારે વ્યાપક તંતુકાઠિન્યને વહેંચવામાં આવે છે. સામાન્ય રીતે દૃષ્ટિચેતા (opticspms nerve), મસ્તિષ્ક પ્રકાંડ (brain stem), નાનું મગજ તથા કરોડરજ્જુ સંબંધિત લક્ષણવિકારો જોવા મળે છે. તેની શરૂઆત ગમે તે ઉંમરે થઈ શકે છે, પરંતુ તે 60 વર્ષથી વધુ વયે તથા યૌવનારંભ (puberty) પહેલાં ભાગ્યે જ જોવા મળે છે. કોઈ નમૂનારૂપ રીતે તેનાં લક્ષણો ઉદ્ભવતાં નથી. 50 % દર્દીઓમાં હાથપગમાંથી કોઈ એક કે વધુ અંગોની નબળાઈ કે તેના નિયંત્રણમાં ઘટાડો, 30 % કિસ્સામાં દૃષ્ટિચેતાશોથ(optic neuritis)ને કારણે જોવામાં તકલીફ, 10 % કિસ્સામાં સંવેદનાલક્ષી તકલીફો તો 10 % કિસ્સામાં અન્ય પ્રકીર્ણ વિકારલક્ષણો જોવા મળે છે. દૃષ્ટિચેતાનો વિકાર, ડોક વાળતાં પીઠ કે હાથપગમાં ઝણઝણાટી, કસરત કરવાથી શરીરનું તાપમાન વધે અને તેનાથી લક્ષણોની તીવ્રતામાં વધારો થાય, 50 વર્ષથી નાની વયે ત્રિશાખી ચેતાપીડ (trigeminal neuralgia) નામનો ચહેરા પર દુખાવાના લઘુહુમલાઓ આવે તેવો વિકાર તથા વારંવાર ચહેરાના સ્નાયુઓનો લકવો વગેરે વિવિધ લક્ષણો વ્યાપક તંતુકાઠિન્ય-(multiple sclerosis)નો વિકાર સૂચવે છે. પ્રથમ હુમલાનાં લક્ષણો અને ચિહ્નો 1થી 3 મહિનામાં શમે છે, ત્યારપછી નાના-મોટા અંતરાલ પછી તે ફરી દેખા દે છે. સામાન્ય રીતે આવું 2 વર્ષમાં થાય છે. લક્ષણોનો હુમલો પૂરેપૂરો શમે નહિ અને વારંવાર બીજા હુમલા થતા રહે તો તે સારું પરિણામ સૂચવતા નથી. સૌથી ખરાબ કિસ્સામાં સતત વધતી જતી તકલીફ અને બગડતી તબિયત જોવા મળે અને લક્ષણશમન(remission)નો સમયગાળો જ જોવા ન મળે તેવું બને છે. જોકે મોટાભાગના કિસ્સામાં બીજો હુમલો ઘણા લાંબા સમયગાળા પછી થાય છે અને દૃષ્ટિચેતાશોથના દર્દીમાં ક્યારેક બીજો હુમલો થતો પણ નથી. આધેડવયની (middle aged) વ્યક્તિમાં ક્યારેક બંને પગનો હળવો લકવો થાય છે. તેને લઘુદ્વિપાદઘાત (paraparesis) કહે છે. તે સમયે લકવાગ્રસ્ત સ્નાયુઓ સતત સંકોચનની સ્થિતિમાં રહે છે. તેને અધિસંકોચનીયતા (spaticity) કહે છે. આવા વિકારને અધિસંકોચનીય લઘુદ્વિપાદઘાત (spastic paraparesis) કહે છે. તે ક્યારેક ધીમે ધીમે સતત વધતો વિકાર હોય છે.

વ્યાપક તંતુકાઠિન્યના રોગમાં કેટલાંક પ્રકારનાં ચિહ્નો જોવા મળે છે; જેમ કે, મગજથી કરોડરજ્જુ સુધી જતા પ્રેરક ચેતાઓ(ઊર્ધ્વ પ્રેરક ચેતાઓ, upper motor neurons)ના વિકારો, દૃષ્ટિચકતીની અપક્ષીણતા (optic atrophy), કીકીને લગતી ચેતાપરાવર્તી ક્રિયાના અભિસારિક પથ(afferent pathway)માં ક્ષતિ, રંગ પારખવાની દૃષ્ટિમાં ક્ષતિ, આંખના ડોળાને હલાવતા સ્નાયુઓનું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રોને જોડતા ચેતાતંતુના વિકારો, જેને આંતરચેતાકેન્દ્રીય નેત્રગોલઘાત (internuclear ophthalmoplegia) કહે છે. નેત્રડોલન (nystagmus), બોલવામાં થોથરાવું, સંતુલન જાળવવામાં મુશ્કેલી તથા ધ્રુજારી અને સ્થાન અંગેની સંવેદનામાં ક્ષતિ વગેરે. ચેતાતંત્રના જે ભાગમાં વિકાર ઉદ્ભવતો હોય તે ભાગના કાર્યમાં ક્ષતિ ઉદ્ભવતી હોવાથી તે પ્રકારનાં લક્ષણો કે ચિહ્નો ઉદભવે છે. તેથી કોઈ એક ચોક્કસ ચિહ્નને આ રોગના નિદાન માટે સૂચક ચિહ્ન કહી શકાય નહિ. જોકે એકથી વધુ વિસ્તારો સંબંધિત ચિહ્નો કે સંવેદનાલક્ષી લક્ષણો (તકલીફો) કરતાં ચિહ્નોની વધુ તીવ્રતા હોય તો તેવું આ રોગમાં થતું જોવા મળે છે. આ ઉપરાંત દર્દીમાં ક્યારેક સ્વર્ગસુખાભાસ (euphoria), બૌદ્ધિક ક્ષતિ કે વિસ્મૃતિ જોવા મળે છે.

નિદાન માટે દૃષ્ટિ, શ્રવણ કે ત્વકીય (ચામડીને લગતી) સંવેદના માટેના ઉત્ક્રિય વીજવિભવો(evoked potentials)ની તપાસ, મગજ-કરોડરજ્જુની આસપાસના પ્રવાહીની કોષસંખ્યા, પ્રતિરક્ષા-ગ્લોબ્યુલિન(immunoglobulin)નું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ અને પ્રકાર સંબંધિત તપાસ તેમજ મેરુરજ્જુચિત્રણ (myelogram) કે ચુંબકીય અનુનાદીય ચિત્રણ (MRI) જેવાં ચિત્રણોની તપાસ કરાય છે. જોકે તેના નિદાન માટે કોઈ ચોક્કસ કસોટી ઉપલબ્ધ નથી. આશરે 70 % દર્દીઓમાં દૃષ્ટિ સંબંધે ઉત્ક્રીય વીજવિભવો થયેલા જોવા મળે છે. મગજ અને કરોડરજ્જુને ફરતા પ્રવાહી (મેરુમસ્તિષ્કી જલ, cerebrospinal fluid)માં લસિકાકોષો (lymphocytes)નું પ્રમાણ વધે છે અને 70 %થી 90 % દર્દીઓમાં lgG પ્રકારના પ્રતિરક્ષાગ્લોબ્યુલિનનું પ્રમાણ પણ વધેલું જોવા મળે છે. ચેતાતંત્રમાં દોષવિસ્તારરૂપે જોવા મળતી ચકતીઓ સી. ટી. સ્કૅન અને વધુ સ્પષ્ટ રીતે એમઆરઆઈ વડે મળતાં ચિત્રણોમાં જોઈ શકાય છે. જોકે તેમને ચેતાતંત્રના અન્ય રોગોથી અલગ પાડવા માટે દર્દીની શારીરિક તપાસ તથા વિકારવૃત્તાંતની માહિતી જરૂરી બને છે.

સારવાર : રોગ મટાડવાની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. પરંતુ દર્દીને રાહતદાયી સારવાર અપાય છે. ઉગ્ર હુમલાને શમાવવા કોર્ટિકોસ્ટિરોઇડ ઉપયોગી છે. તે માટે ડેક્સામિથેસોન, પ્રેડ્નિસોલોન કે મિથાઇલપ્રેડ્નિસોલોન વપરાય છે. લાંબા ગાળા માટે સ્ટીરૉઇડ આપવાથી રોગના વિકાસ પર ખાસ અસર થતી નથી. તેવી જ રીતે એઝાથાયોપ્રિન જેવી પ્રતિરક્ષા-અવદાબક (immunosuppressive) દવા પણ ઉપયોગી નથી. બીટા-ઇન્ટરફેરોન કે સાઇક્લોસ્પોરિનના ઉપયોગના પ્રયોગો થયેલા છે. બીટા-1-બી અને બી-1-એ ઇન્ટરફેરોન તથા ગ્લેટિરેમર એસિટેટ નામનાં ઔષધોને હાલ આ રોગ માટે સ્વીકાર્ય ગણાવેલાં છે. આ ઔષધો શમન-પુનષ્ક્રિયાશીલ તથા દ્વૈતીયિક સતતવર્ધનશીલ વ્યાપક તંતુકાઠિન્ય(RRMS અને SPMS)માં વપરાય છે. ત્રીજા તબક્કાના નિદાનચિકિત્સીય પ્રયોગો(clinical trials)માં તેઓ આશરે 30 % દર્દીઓ માટે લાભકારક નીવડ્યાં છે. આ ઔષધોને RRMS માટે રોગાલ્પન કરતું (disease modifying) ચિકિત્સા ગણવામાં આવે છે. તેવી રીતે ઇન્ટરફેરોન-બીટા-1-બીને તથા માયટોઝેન્ટ્રોનને દ્વૈતીયિક સતતવર્ધનશીલ વ્યાપક તંતુકાઠિન્ય (SPMS) માટે સ્વીકાર્ય એવું રોગાલ્પન કરતું ઔષધ ગણાય છે. આ વિકારોમાં અન્ય ઔષધોરૂપે એઝાથાયોપ્રિન, મિથોટ્રેક્ઝેટ, સાયક્લોફૉસ્ફેમાઇડ, શિરામાર્ગી પ્રતિરક્ષાગ્લોબ્યુલિન (intravenous immunoglobulin), મિથાઇલ પ્રેડ્નિસોલોન અને 2-ક્લોરોડિ-ઑક્સિએડિનોસાઇન (કૅડ્રિપિન) વપરાય છે. પ્રાથમિક સતતવર્ધનશીલ વ્યાપક તંતુકાઠિન્ય (PPMS) માટે કોઈ નિશ્ચિત રોગાલ્પન કરતું ઔષધ સ્વીકૃતિ પામેલું નથી.

દર્દીને થતી સ્નાયુઓની અધિસંકોચનીયતા (spasticity) ઘટાડવા માટે બેક્લોફેન, ડાયાઝેપાન, ડૅન્ટ્રોલિન વગેરે ઔષધો વપરાય છે તથા રાસાયણિક ચેતાછેદન (neuronectomy) તથા વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) પણ કરાય છે. તેના અસંતુલનની સારવારમાં આઇસોનિઆઝીડ તથા ક્લોનાઝેપામ વપરાય છે. સંવેદનાના વિકારમાં કાર્બૉમેઝેપિન, ફેનિટોઇન અને ત્રિચક્રીય ખિન્નતારોધકો (tricyclic antidepressants) વપરાય છે. પેશાબ કરવા અંગે થતા વિકારમાં પ્રોપેન્થેલિન ઉપયોગી છે. જો પેશાબ રોકી ન શકાતો હોય તો ઑક્સિબ્યુટાયનિન કે ઇમિપ્રેમિન વપરાય છે અને પેશાબ અટકી જતો હોય તો બિથાનેકોલ કે બેક્લોફેન વપરાય છે. તેમાં જરૂર પડ્યે વારેઘડીએ નળી નાંખીને પેશાબ કરાવાય છે.

સારવારમાં દર્દી અને તેનાં સગાસંબંધીઓને ટેકો આપવો અતિઆવશ્યક છે. જરૂરિયાત પ્રમાણે વ્યાયામ અને અન્ય શારીરિક સારવાર પ્રક્રિયાઓ, વ્યવસાયલક્ષી સારવાર, સામાજિક કાર્યકરો વડે થતી સહાય, પેશાબની હાજતની સમસ્યાનો ઉકેલ તથા જાતીય સંબંધના વિકાર માટેનું યોગ્ય માર્ગદર્શન ઘણાં ઉપયોગી છે.

અંતાનુમાન : વ્યક્તિગત કિસ્સામાં ખાતરીપૂર્વક રીતે પરિણામની ધારણા કરી શકાતી નથી. પરંતુ આશરે 5 % દર્દીઓ 5 વર્ષમાં મૃત્યુ પામે છે, જ્યારે મોટાભાગના દર્દીઓ 20 વર્ષથી વધુ સમય માટે પણ સ્વસ્થતાપૂર્વક હરતાફરતા હોય છે.

શિલીન નં. શુક્લ