વ્યાધ (Sirius) : આકાશના બધા જ તારાઓમાં દેખીતી તેજસ્વિતામાં પ્રથમ ક્રમે આવતો તારો. પશ્ચિમના લોકો એને ‘Sirius’ નામે ઓળખે છે, અને પોષ માસમાં આ તારાને રાત્રિની શરૂઆતના ભાગમાં પૂર્વ આકાશમાં જોઈ શકાય છે. મોટા શ્વાન (Canis Major) તરીકે ઓળખાતા તારામંડળનો આ પ્રમુખ તારો હોવાથી તેનું શાસ્ત્રીય નામ alpha Canis Majoris છે. Sirius નામ પ્રાચીન ઇજિપ્તના પ્રમુખ દેવ Osiris પરથી આવેલ મનાય છે અને નાઇલ નદીના પૂરનો પ્રારંભ (જે ઇજિપ્તની કૃષિ માટે ઘણો જ મહત્વનો હતો) આ તારાના (તે સમયે) પરોઢિયે પૂર્વાકાશમાં થયેલા પ્રથમ દર્શન સાથે સંકળાયેલ હતો. એક અન્ય મત અનુસાર Sirius નામ સંસ્કૃત ‘સૂર્ય’ અર્થાત્ ‘તેજસ્વી’ પરથી આવેલ છે. ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ ‘નિશીથ’ તરીકે પણ છે, જેની ફરજ વાયુમંડળના દેવતાઓને જાગ્રત કરીને વર્ષા માટે પ્રેરવાની હતી. ભારતીય દંતકથામાં વ્યાધ એટલે શિકારી, જેણે મૃગ(મૃગશીર્ષ તારામંડળ)ના વધ માટે તીર ચલાવ્યું. દંતકથા અનુસાર પ્રજાપતિ પોતાની જ પુત્રી પ્રત્યે આકૃષ્ટ થતાં, પુત્રીએ મૃગલીનું રૂપ ધારણ કરીને આકાશમાં ગમન કર્યું, જે કૃતિકાના ઝૂમખા રૂપે જણાય છે. પ્રજાપતિએ મૃગનું રૂપ ધારણ કર્યું; તે જ મૃગશીર્ષ તારામંડળ. આ અનર્થને રોકવા દેવોએ ‘રુદ્ર’નું સર્જન કર્યું, જેણે વ્યાધ બનીને મૃગની હત્યા કરી ! પાશ્ચાત્ય દંતકથામાં મૃગશીર્ષ તારામંડળ એ શિકારી (Orion) અને વ્યાધ એનો કૂતરો (Canis Major) છે.

વ્યાધનો તારો પૃથ્વીથી માત્ર 8.6 પ્રકાશવર્ષ જેટલા અંતરે હોવાથી તે આટલો તેજસ્વી જણાય છે; બાકી મૂળભૂત રીતે તો તેના કરતાં ઘણા વધુ તેજસ્વી અનેક તારાઓ છે; જોકે પૃથ્વી પરથી દેખાતા સૂર્ય કરતાં વ્યાધ 23 ગણો વધુ તેજસ્વી અને લગભગ બે ગણું દળ ધરાવે છે. વર્ણાનુસારી પ્રકારમાં તે A1 (V) વર્ગમાં આવે, એટલે કે ~ 11,000° K જેવું સપાટીનું તાપમાન ધરાવતો મુખ્ય શ્રેણી પરનો તારો. તારા જેમ વધુ દળદાર તેમ તેની ઉત્ક્રાંતિ વધુ ઝડપી. અને વ્યાધ જેવો તારો આશરે પચાસ કરોડ વર્ષથી માંડીને અબજ જેટલા વર્ષમાં જ તેનું મુખ્ય શ્રેણી (main sequence) પરનું સ્થાન ગુમાવીને રાક્ષસી (giant) વર્ગમાં પ્રવેશે (સૂર્ય જેવો તારો લગભગ દસ અબજ વર્ષ સુધી મુખ્ય શ્રેણી પર રહે). તારાઓને પોતાની આગવી ગતિ હોવાથી તેમની વચ્ચેનાં અંતર લાંબે ગાળે બદલાતાં રહે છે. આમ વ્યાધ સૂર્યની નજીક આવવાથી આશરે 20 લાખ વર્ષ પહેલાં જ તે આકાશમાં સૌથી વધુ તેજસ્વી જણાતો તારો બન્યો, તે પહેલાં આ ક્રમે અગસ્ત્ય (Canopus) હતો. હજી વ્યાધ સૂર્યથી નજીક આવતો જાય છે અને ~ 60,000 વર્ષ બાદ સૂર્યની નજીકમાં નજીકની સ્થિતિએ હશે. ત્યારબાદ તેનું અંતર ક્રમશ: વધતાં આશરે 2 લાખ વર્ષ બાદ તે તેનું તેજસ્વિતામાં પ્રથમ ક્રમનું સ્થાન ગુમાવશે !

વ્યાધનો તારો એકાકી તારો નથી, પરંતુ યુગ્મ તારો છે અને તેનો જોડીદાર શ્વેત વામન (white dwarf) પ્રકારનો તારો છે; જે ઘણો ઝાંખો હોવાથી નરી આંખે જોઈ ન શકાય. 1833થી 1844ના સમયગાળામાં બેસલ (Bessel) નામના ખગોળવિજ્ઞાનીએ વ્યાધનું સ્થાન ચોકસાઈથી માપ્યું અને આ સ્થાનમાં જણાતા સૂક્ષ્મ ફેરફારો પરથી તારવ્યું કે વ્યાધનો તારો કોઈ બીજા અદૃશ્ય તારા સાથે ગુરુત્વાકર્ષણના બંધનમાં છે અને આ યુગલ, લંબગોળાકાર કક્ષામાં 50 વર્ષને ગાળે પરસ્પર કક્ષામાં ઘૂમે છે. (આ જ વૈજ્ઞાનિકે સૌપ્રથમ દૃષ્ટિસ્થાનભેદની રીતથી નજીકના તારા 61 cygમાંનું અંતર માપવામાં સફળતા મેળવી હતી.) યુગલમાંનો અદૃશ્ય જણાતો તારો શ્વેત વામન પ્રકારનો, વ્યાધ કરતાં દસહજારમા ભાગની તેજસ્વિતાનો છે એટલે એનું દર્શન મુશ્કેલ છે. છેક 1862માં તે શોધી શકાયો. ઘણા દળદાર નહિ એવા સૂર્ય જેવા સામાન્ય તારાઓ તેમની ઉત્ક્રાંતિના અંતિમ તબક્કામાં જ્યારે તેમના નાભિકીય બળતણનો પુરવઠો સમાપ્ત કરે ત્યારે, ઊર્જા-ઉત્સર્જન એકદમ મંદ પડી જાય અને આ તબક્કામાં તારો અત્યંત સંકુચિત થઈને શ્વેત વામન પ્રકારના તારાનું સ્વરૂપ ધારણ કરે છે. આ પ્રકારના તારાનું દળ તો લગભગ સૂર્યના દળ જેટલું હોય; પરંતુ કદ તો ફક્ત પૃથ્વી જેવા ગ્રહ જેટલું જ ! સંકોચનને કારણે એના દ્રવ્યની ઘનતા એટલી વધી ગઈ હોય કે તેનું એક નાની ચમચી જેટલું દ્રવ્ય પણ ~ 100 કિલોગ્રામ દળ ધરાવી શકે ! દ્રવ્યની આ પ્રકારની અવસ્થામાં તે વિહ્રસિત દ્રવ્ય (degenerate matter) કહેવાય છે.

વ્યાધના સંદર્ભમાં એક રહસ્યમય વાત એ છે કે, આજથી 2,000 વર્ષ પહેલાંના ગ્રીક તથા તેની પહેલાંના બૅબિલોનિયન સાહિત્યમાં આ તારાનો રંગ ત્રાંબા જેવો વર્ણવેલ છે. હાલમાં તો આ તારો શ્વેતરંગી જ જણાય છે. તારાઓની ઉત્ક્રાંતિ પરત્વેની હાલની વૈજ્ઞાનિક સમજૂતી અનુસાર તો તેના રંગનો આ પ્રકારનો ફેરફાર (એટલે કે તેના તાપમાનનો ફેરફાર) શક્ય નથી.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ