વ્યંકટમખી (. ?; . અનુમાને 17મી સદીનો અંત, તંજાવર) : દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર. પિતાનું નામ ગોવિંદ દીક્ષિત તથા માતાનું નામ નાગમ્બા. પિતા નાયક વંશના અંતિમ શાસક વિજયરાઘવના દીવાન હતા. પંડિત વ્યંકટેશમખીની વિદ્વત્તાથી પ્રભાવિત થયેથી વિજયરાઘવે તેમને દરબારી ગાયકનું પદ બહાલ કર્યું હતું.

પંડિત વ્યંકટમખીએ ‘ચતુર્દણ્ડિપ્રકાશિકા’ નામક સંગીતવિષયક ગ્રંથની રચના કરી હતી, જે દક્ષિણ ભારતીય સંગીતશૈલીમાં કર્ણાટકી સંગીતમાં પ્રમાણભૂત લેખાય છે.

તેમની ગુરુપરંપરા શાસ્ત્રકાર શાર્ઙ્ગદેવ સાથે સંબંધિત હતી. તેમના ગુરુનું નામ ‘તાનપ્પાચાર્ય’ હતું. વ્યંકટમખીએ પોતાના ગુરુની પ્રશંસામાં ‘ગંધર્વ જનતા ખર્વ’ શીર્ષકથી એક ગીતની રચના કરી હતી, જે રાગ ‘આરભી’માં ગાવામાં આવે છે.

તેમના જીવન અંગે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી.

ચન્દ્રકાન્ત મહેતા