વ્યંજના : શબ્દની ત્રીજી શક્તિ. શબ્દની ત્રણ શક્તિઓ માનવામાં આવી છે. શબ્દનો મુખ્ય અર્થ એટલે કે શબ્દકોશમાં આપેલો અર્થ બતાવનારી મુખ્ય શક્તિ અભિધા તે પહેલી; શબ્દનો મુખ્ય અર્થ બંધબેસતો ન હોય ત્યારે તેની સાથે સંબંધ ધરાવતો બીજો બંધબેસતો અર્થ બતાવનારી બીજી શબ્દશક્તિ તે લક્ષણા. જ્યારે અભિધા અને લક્ષણા શબ્દશક્તિઓ ન બતાવી શકે તે ત્રીજો અર્થ બતાવનારી શબ્દશક્તિ તે વ્યંજના. તેનાથી મળતા અર્થને ‘વ્યંગ્ય’, ‘સૂચ્ય’, ‘આક્ષિપ્ત’, ‘પ્રતીયમાન’ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ વ્યંગ્ય અર્થ જ્યારે વાચ્યાર્થ કરતાં ચઢિયાતો હોય ત્યારે તેને ધ્વનિ કહેવામાં આવે છે. પરિણામે બધા ધ્વનિઓ વ્યંગ્યાર્થ હોય છે, પરંતુ બધા વ્યંગ્યાર્થો ધ્વનિ નથી હોતા.

આમ અભિધા શબ્દનો સાક્ષાત્ સંકેતિત અર્થ બતાવે છે અને વિરમે છે. બીજી શબ્દશક્તિ લક્ષણા જો અભિધાથી મળતા સંકેતિત કે મુખ્ય અર્થનો બાધ થાય તો રૂઢિ અર્થાત્ પરંપરાથી અથવા ચોક્કસ પ્રયોજનથી મુખ્યાર્થ સાથે સંબંધ ધરાવતો બીજો બંધબેસતો અર્થ બતાવે છે અને વિરમે છે. એ પછી જે કોઈ ત્રીજો નવો અર્થ મળે છે તે શબ્દશાસ્ત્રના નિયમ મુજબ એક અર્થ બતાવી વિરામ પામેલી અભિધા કે લક્ષણાથી ન મળતો હોવાથી તે ત્રીજી નવી શક્તિ વ્યંજનાથી મળે છે એમ ફક્ત ધ્વનિવાદી આલંકારિકો જ માને છે. એ સિવાયના અન્ય આલંકારિકો અને વ્યાકરણશાસ્ત્ર, મીમાંસાશાસ્ત્ર વગેરે શાસ્ત્રપરંપરાઓ ત્રીજી શબ્દશક્તિ વ્યંજનાને સ્વીકારતી નથી. વળી ધ્વનિવાદી આલંકારિકો એમ પણ માને છે કે વ્યંજના શક્તિ મુખ્યાર્થનો વ્યંગ્યાર્થ, લક્ષ્યાર્થનો વ્યંગ્યાર્થ, વ્યંગ્યાર્થનો પણ વ્યંગ્યાર્થ અને બીજા વ્યંગ્યાર્થનો પણ ત્રીજો વ્યંગ્યાર્થ આપી શકે છે.

શબ્દની જેમ અર્થ પર પણ વ્યંજના શબ્દશક્તિની પ્રક્રિયા થતી હોવાથી શબ્દ પર આધારિત શાબ્દી વ્યંજના અને અર્થ પર આધારિત આર્થી વ્યંજના – એવા તેના બે પ્રમુખ પ્રકારો ગણાવવામાં આવ્યા છે. શાબ્દી વ્યંજનાના બે પ્રકારો છે : (1) અભિધામૂલા વ્યંજના અને (2) લક્ષણામૂલા વ્યંજના. જ્યારે આર્થી વ્યંજનાના વક્તૃ, બોદ્ધવ્ય, કાકુ, વાક્ય, વાચ્ય, અન્યસંનિધિ, પ્રસ્તાવ, દેશ, કાલ, ચેષ્ટા વગેરેના આધારે વિવિધ પ્રકારો પડે છે. પરિણામે વ્યંજનાના અનેક પ્રકારો પાડી શકાય છે. ફલત: પ્રધાન વ્યંગ્યાર્થ અર્થાત્ ધ્વનિને પણ ધ્વનિવાદી આલંકારિકો અનંત પ્રકારોવાળો માને છે.

(1) અભિધામૂલા વ્યંજના : શાબ્દી વ્યંજનાનો આ મુખ્ય પ્રકાર છે. જ્યારે સંયોગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ, પ્રકરણ, લિંગ, અન્યશબ્દસંનિધિ, સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાલ, વ્યક્તિ, સ્વર, અભિનય વગેરે વડે એકથી વધુ વાચ્યાર્થો કે અભિધેયાર્થો ધરાવતા શબ્દનો એક ચોક્કસ વાચ્યાર્થ અભિધાનું નિયમન કે નિયંત્રણ થઈને નક્કી કરવામાં આવે તે પછી પાછળથી વાચ્યાર્થ ન હોય તેવો નવો કોઈક અર્થ મળે ત્યારે તે નવો અર્થ અભિધાનું નિયમન થઈ ગયું હોવાથી અભિધાથી મળી શકે નહીં. મુખ્યાર્થ તદ્દન બંધબેસતો હોવાથી લક્ષણા શબ્દશક્તિ ત્યાં પ્રવર્તી શકે તેમ હોતી નથી. પરિણામે અભિધા અને લક્ષણા સિવાય ત્રીજી કોઈક વ્યંજના શક્તિ જ આ અર્થ આપે છે એમ માન્યા સિવાય ચાલતું નથી. આ વ્યંજના અભિધા પછી તુરત આવતી હોવાથી અભિધામૂલા વ્યંજના કહેવાય છે.

(2) લક્ષણામૂલા વ્યંજના : આ શાબ્દી વ્યંજનાનો બીજો પ્રમુખ પ્રકાર છે. તેમાં શબ્દ પર અભિધા શબ્દશક્તિની પ્રક્રિયા થઈને શબ્દનો વાચ્યાર્થ કે મુખ્યાર્થ તો મળે છે, પરંતુ તેનો બાધ થાય છે એટલે કે મુખ્યાર્થ બંધબેસતો હોતો નથી. ફલત: મુખ્યાર્થ સાથે સાદૃશ્ય, સામીપ્ય, સમવાય, વૈપરીત્ય કે ક્રિયાયોગ – એ પાંચમાંથી કોઈ એક સંબંધ ધરાવતો લક્ષ્યાર્થ લેવામાં આવે છે કે જે બંધબેસતો હોય છે. હવે આવો લક્ષણાથી મળતો લક્ષ્યાર્થ લેવાની ભૂતકાળથી ચાલી આવતી પરંપરા અથવા રૂઢિ હોય છે. આવી રૂઢિવાળી લક્ષણા પહેલી વાર પ્રયોજાયેલી ત્યારે તે પ્રયોજનવતી લક્ષણા હતી; પરંતુ પાછળથી અભિધા જેવી જ બની જાય છે. હવે જો આવો લક્ષ્યાર્થ લેવાની રૂઢિ ન હોય તો લક્ષણાથી લીધેલા લક્ષ્યાર્થનું પ્રયોજન બતાવવું પડે છે અને તેને પ્રયોજનવતી લક્ષણા કહે છે. પ્રયોજનવતી લક્ષણામાં અભિધા મુખ્યાર્થ આપીને વિરામ પામે છે. એ જ રીતે લક્ષ્યાર્થ આપીને લક્ષણા વિરમી જાય છે, ત્યારે લક્ષ્યાર્થના પ્રયોજનનો અર્થ વિરમી ગયેલી અભિધા અને લક્ષણા બંને શબ્દશક્તિઓ બતાવી શકતી નથી. ફલત: લક્ષ્યાર્થના પ્રયોજનનો અર્થ ત્રીજી શબ્દશક્તિ વ્યંજના જ બતાવી શકે છે અને તે લક્ષણા પછી તુરત આવતી હોવાથી તેને લક્ષણામૂલા વ્યંજના કહે છે.

હવે વ્યંજનાના વિરોધકો એમ કહે કે પહેલી લક્ષણા વડે મળેલા લક્ષ્યાર્થના પ્રયોજનનો અર્થ બીજી લક્ષણા વડે બતાવી શકાય, તો તેમનો એ મત બરાબર નથી, કારણ કે પ્રથમ લક્ષણાના લક્ષ્યાર્થને દ્વિતીય લક્ષણાનો મુખ્યાર્થ માનવો પડે અને તેનો બાધ થાય તો જ દ્વિતીય લક્ષણા લઈ શકાય. એમ કરવામાં મુશ્કેલી એ છે કે પ્રથમ લક્ષણાનો લક્ષ્યાર્થ અભિધાથી મળતો નથી તેથી તે મુખ્યાર્થ નથી, તેમ છતાં તે લક્ષ્યાર્થને મુખ્યાર્થ માનો તો તેનો બાધ થતો નથી. હવે મુખ્યાર્થબાધ ન થાય તોપણ દ્વિતીય લક્ષણા લેવામાં આવે તો દ્વિતીય લક્ષણાના મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સામીપ્ય વગેરે સંબંધ નથી. એટલે મુખ્યાર્થબાધની જેમ તદ્યોગની શરત પણ પૂરી થતી નથી. વળી પ્રથમ લક્ષણાના પ્રયોજનને દ્વિતીય લક્ષણાનો લક્ષ્યાર્થ માન્યા પછી પ્રથમ લક્ષણાના પ્રયોજનના અર્થનું દ્વિતીય લક્ષણામાં બીજું કોઈ પ્રયોજન બતાવી શકાતું નથી. આમ મુખ્યાર્થબાધ, સાશ્યાદિ તદ્યોગ અને પ્રયોજન કે રૂઢિ એ લક્ષણાની ત્રણેય શરતો લાગુ પડતી ન હોવાથી દ્વિતીય લક્ષણા લઈ શકાય તેમ નથી. તેમ છતાં જો લક્ષણા લેવામાં આવે તો લક્ષણાની મૂળ વ્યાખ્યા જ ખતમ થઈ જશે. વળી પ્રથમ લક્ષણાના પ્રયોજનને સિદ્ધ કરવા દ્વિતીય લક્ષણા, દ્વિતીય લક્ષણાના પ્રયોજનને સિદ્ધ કરવા તૃતીય લક્ષણા એમ અનંત લક્ષણાઓ કરવી પડશે અને અનવસ્થા-દોષ આવશે. માટે પ્રયોજનનો અર્થ બતાવનારી ત્રીજી શબ્દશક્તિ વ્યંજના સ્વીકારવી એ જ તેનો સરળ ઉપાય છે.

હજી પણ વ્યંજના-વિરોધકો એમ કહે કે અભિધાથી મળતા મુખ્યાર્થનો બાધ થયા પછી તદ્યોગથી પ્રયોજનના અર્થ સાથેનો લક્ષ્યાર્થ પ્રથમ લક્ષણાથી મળે એવી વિશિષ્ટ પ્રકારની લક્ષણા કરીએ જેથી દ્વિતીય લક્ષણા કરવાની જરૂર જ ન રહે અને વ્યંજના તો માનવી પડે જ નહિ. વિશિષ્ટ લક્ષણાનો આ મત પણ બરાબર નથી, કારણ કે લક્ષણાથી મળતો લક્ષ્યાર્થ લક્ષણાનો વિષય છે અને લક્ષણા કરવાનું પ્રયોજન લક્ષણાનું ફળ છે. હવે શાસ્ત્રનો નિયમ એવો છે કે જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ફળ બંને જુદાં જ હોય છે, લક્ષણાનો વિષય અને લક્ષણાનું ફળ બંનેને એકત્ર કરી તેને લક્ષ્યાર્થ માની શકાય નહિ. માટે વિશિષ્ટ પ્રકારની લક્ષણા કરી શકાય નહીં. આથી લક્ષણાના પ્રયોજનનો અર્થ ફક્ત લક્ષણામૂલા વ્યંજના શક્તિ વડે જ પ્રાપ્ત થાય છે એમ સ્વીકાર્યા સિવાય લક્ષણાવાદીઓનો આરો નથી. આમ છતાં ન્યાય, મીમાંસા, વ્યાકરણ વગેરે શાસ્ત્રપરંપરાઓ વ્યંજના શબ્દશક્તિને સ્વીકારવા તૈયાર નથી. ફક્ત ધ્વનિવાદી આલંકારિકો જ વ્યંજનાનો સ્વીકાર કરે છે; એટલું જ નહિ, તેઓ ધ્વનિ કે પ્રધાન વ્યંગ્યને કાવ્યનો આત્મા માને છે. વ્યંજના જ કાવ્ય અને કાવ્યશાસ્ત્ર માટે અગત્યની શબ્દશક્તિ છે એમ તેઓ માને છે.

પ્ર. ઉ. શાસ્ત્રી