વ્યવહારવિશ્લેષણ (transactional analysis) : સંસ્થા, તેનાં વિવિધ જૂથો અને પ્રત્યેક જૂથમાં સમાવિષ્ટ કર્મચારીઓના એકબીજા સાથે તથા અંદરોઅંદર કરવામાં આવતા વ્યવહારોનું વિશ્લેષણ. સંસ્થાની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સંશોધન કરવાની એક પ્રણાલિકા વિકસાવવામાં આવી છે. આ સંશોધનનાં પાંચ ઘટકો છે : (1) સંસ્થાની સમસ્યાનું પ્રારંભિક નિદાન, (2) નિદાનના અનુમોદન માટે આધાર-સામગ્રી એકઠી કરવી, (3) એકત્રિત કરેલી સામગ્રીથી સંસ્થાના સભ્યોને માહિતગાર કરવા, (4) સમસ્યાના નિરાકરણ માટે સમુચિત પગલાં ભરવાની યોજના ઘડવી અને (5) યોજના અનુસાર કાર્યવહી કરવી.

આ પૈકી સમુચિત પગલાં ભરવા અંગેની યોજના ઘડવા માટે (1) વૈયક્તિક (personal), (2) જૂથલક્ષી (group) અને (3) સંસ્થાકીય (organisational) એમ ત્રણ પ્રકારના સ્તરની પ્રવિધિઓનો ઉપયોગ કરવામાં આવે છે; જેથી વ્યક્તિઓ વચ્ચેના સંબંધમાં, જૂથોની કાર્યશૈલી અને અન્યોન્ય સંબંધોમાં સુધારો થાય તથા સંસ્થાની કાર્યક્ષમતામાં વધારો થાય. વૈયક્તિક સ્તરે પ્રત્યેક વ્યક્તિ પોતાની ઉન્નતિ માટે પ્રબળ કુદરતી ઇચ્છા ધરાવે છે અને મોટાભાગના કર્મચારીઓ સંસ્થામાં વધારે ફાળો આપવા માટે ઇચ્છુક અને કુશળ છે એવી ધારણા પર આ વિશ્લેષણ ચાલે છે; પરંતુ તેની સાથે એમ માનવામાં આવે છે કે તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પૂરી કરવી તે સંસ્થાનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. જૂથસ્તરે પ્રત્યેક સભ્યે અન્ય સભ્યોનાં મંતવ્યોને ખેલદિલીપૂર્વક સ્વીકારવાં જોઈએ; પરંતુ સામાન્ય રીતે જૂથનો વરિષ્ઠ સભ્ય તેના હાથ નીચેના સભ્યોને પોતાનો અભિપ્રાય ખુલ્લા મનથી દર્શાવવા માટે પ્રોત્સાહન આપતો નથી; પરિણામે સમસ્યાના ઉકેલ માટે ઇચ્છુક અને સમર્થ સભ્યની લાગણીઓ અને કામગીરી ઉપર પ્રતિકૂળ અસર પડે છે અને તેને કાર્યસંતોષ મળતો નથી. સંસ્થાકીય સ્તરે મોટા જૂથનો સંચાલક જો નાનાં જૂથોની કાર્યપદ્ધતિ પર અંકુશ ધરાવતો હોય અને વિવિધ જૂથો વચ્ચે ચડસાચડસી થતી હોય તો સમય જતાં તેની માઠી અસર સંસ્થાની કામગીરી પર પડે છે.

વૈયક્તિક, સામુદાયિક અને સંસ્થાકીય સ્તરે ઉદ્ભવતા ઉપર્યુક્ત અવરોધો દૂર કરવા માટે (1) પ્રશિક્ષણ, (2) વ્યવહાર-વિશ્લેષણ, (3) ઉત્પાદનની પ્રક્રિયા-સમયે જ સલાહ-સૂચનો, (4) સંઘભાવનાનું નિર્માણ (team building)  એમ વિવિધ પ્રકારના ઉપાયો અજમાવવામાં આવે છે. તેમાંથી વ્યવહાર-વિશ્લેષણ પણ એક ઉપાય છે. વ્યવહાર-વિશ્લેષણના સ્વરૂપે કરવામાં આવતા ઉપાયમાં (1) વ્યક્તિઓ વચ્ચેના વ્યવહાર અને સંદેશા તેમજ તેમની કામ કરવાની શૈલી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. (2) અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ અને જવાબદારીપૂર્વકના સંદેશા મોકલવાનું શીખવવામાં આવે છે. (3) સંદેશાના આપવામાં આવેલા પ્રતિભાવો સાહજિક અને વિચારપૂર્વકના હોય તેવી સલાહ આપવામાં આવે છે. અને (4) અર્થ તથા હેતુમાં અસ્પષ્ટ છળકપટવાળા અને વિધ્વંસક સંદેશાવ્યવહાર ઘટાડવાના પ્રયત્ન કરવામાં આવે છે.

સૂર્યકાન્ત શાહ