વૌઠા : અમદાવાદ જિલ્લાનું જાણીતું ધાર્મિક સ્થાન. ધોળકાથી આશરે 16 કિમી. દૂર ધોળકા તાલુકાની તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 22° 37´ ઉ. અ. અને 72° 31´ પૂ. રે.. સાબરમતી, હાથમતી, વાત્રક અને તેની શાખાઓ – ખારી, મેશ્ર્વો, શેઢી અને માજમ – એ સાત નદીઓના સંગમસ્થાને આવેલું વૌઠા તેના મેળા માટે પ્રસિદ્ધ છે. આ મેળાનો સમય કારતક સુદ અગિયારશથી પૂનમ સુધીનો હોય છે; પરંતુ લોકો તો આગળના પંદર દિવસથી આવવાનું શરૂ કરે છે અને પૂનમ પછીના પંદર દિવસ સુધી આવ-જા કરે છે. અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળાઓમાં વૌઠાનો મેળો મોટામાં મોટો છે. વૌઠાની આસપાસના ભાલ-નળકાંઠા અને ચરોતર તથા ગુજરાતના અન્ય વિસ્તારમાંથી લાખો લોકો આ મેળો માણવા માટે આવે છે. આ મેળાનું આકર્ષણ એ છે કે ત્યાં ગધેડાં અને ઊંટનું મોટું બજાર ભરાય છે. ગધેડાં અને ઊંટોને સુંદર રીતે શણગારીને લાવવામાં આવે છે. વિવિધ રંગોથી રંગેલાં ગધેડાં ખરીદનારને આકર્ષે છે. ગધેડાં ઊંચી કિંમતે વેચાય છે. રૂપિયા પાંચ હજારથી પંદર હજાર સુધીમાં તે વેચાતાં હોય છે. મેળામાં અન્ય પશુઓનું વેચાણ પણ થાય છે.
કાર્તિકી પૂનમે સપ્તસંગમમાં સ્નાન કરવાનું ધાર્મિક માહાત્મ્ય છે. તેથી તે દિવસે મેળામાં આવનારા લોકોની સંખ્યા વધારે હોય છે. મેળામાં હાટડીઓ, મોટી દુકાનો; મદારી, જાદુગરો, નટ, ભવૈયા અને સરકસના ખેલો, ચગડોળ, ખાણી-પીણી વગેરે મનોરંજનનાં સાધનો હોય છે. રાત્રે ભજનમંડળી ઉપરાંત તાલુકા પંચાયત ધોળકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
વૌઠા કાર્તિક સ્વામી(કાર્તિકેય)નું સ્થાનક હોવાની માન્યતા છે. તેથી મેળાના દિવસો દરમિયાન કાર્તિકસ્વામીનાં પગલાંનું પૂજન થાય છે. ગામમાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરમાંનું શિવલિંગ સ્વયંભૂ હોવાની લોકોની માન્યતા છે અને તે વિ. સં. 1215(ઈ. સ. 1159)માં અસ્તિત્વમાં આવ્યું હોવાનું મનાય છે. નદીકાંઠે કાંપ પથરાયેલો હોવાથી તે ભાગ ઘણો ફળદ્રૂપ છે તેથી ત્યાં શેરડી, ઘઉં અને કપાસની મોટા પાયે ખેતી કરવામાં આવે છે.
પ્રિયબાળા શાહ