વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams)

January, 2006

વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams) (. 12 ઑક્ટોબર 1872, ડાઉન એમ્પની, ગ્લુસેસ્ટશૉયર, બ્રિટન; . 26 ઑગસ્ટ 1958, લંડન, બ્રિટન) : વિખ્યાત આધુનિક બ્રિટિશ સંગીતકાર અને બ્રિટિશ રાષ્ટ્રીય સંગીત ચળવળના સ્થાપક/પ્રણેતા.

કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં સર ચાર્લ્સ સ્ટેન્ફોર્ડ હેઠળ તેમજ રૉયલ કૉલેજ ઑવ્ મ્યુઝિકમાં સર હબર્ટ પૅરી હેઠળ વૉહાને સંગીતનો અભ્યાસ કર્યો. 1897થી 1998 સુધી બર્લિનમાં પ્રસિદ્ધ જર્મન સ્વરનિયોજક મૅક્સ બ્રુખ (Bruch) હેઠળ સ્વરનિયોજનનો અભ્યાસ કર્યો. 1903થી વૉહાને બ્રિટિશ લોકગીતો ભેગાં કરી તેમનું દસ્તાવેજી નૉટેશન કરવાનું શરૂ કર્યું. 1904થી 1906 સુધી એ સંગીત માટેના બ્રિટિશ સામયિક-પત્ર ‘ધ ઇંગ્લિશ હિમલ (hymnal)’ના તંત્રી રહ્યા.  આ સામયિકમાં તેમણે લખેલો એક લેખ ‘સિને નોમિને’ (ફૉર ઑલ ધ સેઇન્ટ્સ) ખૂબ વખણાયો. 1909માં પૅરિસમાં પ્રસિદ્ધ ફ્રેન્ચ સ્વર-નિયોજક મોરિસ રાવેલ હેઠળ સ્વરનિયોજનનો વધુ અભ્યાસ કર્યો.

વિલિયમ્સ વોહાન

1914થી 1918 સુધી પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ લશ્કરમાં વૉહાન એક સૈનિક તરીકે લડ્યા. તે યુદ્ધ પૂરું થતાં તેમની નિમણૂક રૉયલ કૉલેજ ઑવ્ મ્યુઝિકમાં પ્રોફેસર તરીકે થઈ.

અભ્યાસ અને સંશોધનને કારણે બ્રિટિશ લોકગીતો અને તેમાં પણ ખાસ કરીને ટ્યૂડર સમયનાં લોકગીતોના સંગીતની ઊંડી અસર વૉહાનના મૌલિક સંગીત પર પડી. આથી વૉહાનના મૌલિક સંગીતમાં પણ બ્રિટિશ ભોમકાની માટીની સુગંધ ભળી.

અઢારમી અને ઓગણીસમી  એમ બે સદીઓથી બ્રિટન સી. પી. ઈ. બાખ, હેન્ડેલ, હાઇડન અને મેન્ડેલ્સોન જેવા પ્રખર જર્મન સંગીતકારોના પ્રભાવ નીચે હતું. બ્રિટન સંગીતક્ષેત્રે જર્મનીનું ખંડિયું રાજ્ય બની ચૂકેલું. આ જર્મન વર્ચસ્ અને પ્રભાવમાંથી બ્રિટનને મુક્ત કરી અભિજાત/શિષ્ટ સંગીતક્ષેત્રે બ્રિટિશ સંગીતમાં બ્રિટનની જ ભોમકાની મહેક મૂકવાનું શ્રેય વૉહાનને મળે છે. વૉહાનના પુરોગામી બ્રિટિશ સંગીતકારો સર એડવર્ડ ઍલ્ગાર, સર હબર્ટ પૅરી અને સર ચાર્લ્સ સ્ટેન્ફૉર્ડે જર્મન પ્રણાલિકાની મર્યાદામાં રહીને જ સંગીતસર્જન કરેલું.

વૉહાનના મૌલિક સંગીતમાં થોડાં વાદ્યો માટેની ‘ચેમ્બર’ રચનાઓ, વિશાળ વાદ્યવૃંદ માટેની ‘ઑર્કેસ્ટ્રલ’ રચનાઓ તેમજ કંઠ્ય રચનાઓ મળે છે. એમની આરંભની કૃતિ ‘થ્રી નૉર્ફોર્ક રહાપ્સોડિઝ’માંથી બ્રિટિશ લોકગીતોના ભણકારા સંભળાય છે, જે પછીની બધી કૃતિઓમાં સંભળાવા ચાલુ રહ્યા. એમણે લખેલી નવ સિમ્ફનીઓમાં માનવમનના વિવિધ ભાવોની અભિવ્યક્તિ જોવા મળે છે. એમાંથી ‘લંડન સિમ્ફની’ નામે ઓળખાતી બીજા નંબરની સિમ્ફની તથા ‘સિન્ફોનિયા ઍન્ટાર્કટિકા’ નામે ઓળખાતી સાતમી સિમ્ફની ખૂબ લોકપ્રિય થઈ. 1949માં તેમણે ફિલ્મ ‘સ્કૉટ ઑવ્ ધી ઍન્ટાર્કટિકા’ માટે સંગીત લખ્યું. આ ઉપરાંત તેમણે ઑર્કેસ્ટ્રા માટે એક કૃતિ ‘ફૅન્ટાસિયા ઑન એ થીમ બાય થૉમસ ટેલિસ’ (1910) લખી છે. તેમણે ઓબો (શરણાઈ) જેવું ફૂંકો મારી વગાડવાનું એક વાદ્ય, ટ્યૂબા અને પિયાનો માટે ઑર્કેસ્ટ્રાની સંગત સાથેના થોડા કન્ચર્ટો પણ લખ્યાં છે.

બ્રિટિશ કવિઓનાં ગીતોને વૉહાને સંગીતમાં બેસાડ્યાં છે. તેમાં એ.ઈ. હાઉસમૅન અને જ્યૉર્જ હર્બર્ટનાં ગીતો સવિશેષ ખ્યાતિ પામ્યાં છે. મોટાં ગાયકવૃંદો માટે લખેલી રચનાઓમાં ‘માસ ઇન G માઇનોર’ ઉપરાંત ‘બે કૅન્ટાટા ટુવર્ડ ધ અનનૉન રિજિયન’ અને ‘ડોના નૉબિસ પાસેમ’ (‘ગ્રાન્ટ અસ પિસ’) તથા ઑરેટોરિયો ‘સેન્કટા સિવિટાસ’ (‘ધ હોલી સિટી’) સમાવેશ પામે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી વૉહાનની કૃતિઓ ગાયન અને વાદન દ્વારા વિશ્વમાં પ્રસાર પામી અને વૉહાનને વિશ્વખ્યાતિ મળી.

અમિતાભ મડિયા