વૉસ્ટૉક અંતરીક્ષયાન : સોવિયેત રશિયાના પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન શ્રેણીનું કોઈ પણ અંતરીક્ષયાન. આ શ્રેણીમાં કુલ છ અંતરીક્ષયાનો હતાં, જેમાંના વૉસ્ટૉક-1 યાનમાં સોવિયેત અંતરીક્ષયાત્રી યુરી ગેગેરીને 12 એપ્રિલ, 1961ના રોજ સૌપ્રથમ અંતરીક્ષયાત્રા કરી હતી.
વૉસ્ટૉક અંતરીક્ષયાનમાં ગોળાકાર અંતરીક્ષયાત્રી-કક્ષ (cosmonaut’s cabin) હતો, જેની સાથે પ્રમોચન-રૉકેટનો છેલ્લો તબક્કો જોડાયેલો હતો. અંતરીક્ષયાત્રી-કક્ષનો વ્યાસ 2.3 મીટર હતો અને તેનું વજન 2.4 ટન હતું. રૉકેટના છેલ્લા તબક્કા સાથે સમગ્ર અંતરીક્ષયાનની લંબાઈ 7.35 મીટર હતી અને વજન 6.17 ટન હતું. યાત્રાની સમાપ્તિ વખતે ગોળાકાર અંતરીક્ષયાત્રી-કક્ષનો ઉપયોગ પુન:પ્રવેશ કોશિકા (Re-entry capsule) તરીકે થતો હતો. યાત્રી-કક્ષમાં દસ દિવસ સુધી કાર્ય કરી શકે તેવું જીવન-રક્ષક તંત્ર (life support system), અન્ય ઉપકરણો અને ઊર્ધ્વ-રૉકેટ રાખવામાં આવ્યાં હતાં. યાત્રા દરમિયાન અંતરીક્ષયાત્રી અંતરીક્ષ-પોશાક પહેરીને તેના કક્ષની બેઠક ઉપર બેસતો હતો. યાનનું સંચાલન સ્વયંસંચાલિત રીતે થતું હતું અથવા યાત્રી જાતે તેનું સંચાલન કરી શકતો હતો. સંપૂર્ણ યાત્રા દરમિયાન ભૂમિ-સ્થિત તંત્ર દ્વારા યાત્રી સાથે સતત રેડિયો-સંપર્ક જાળવવામાં આવતો હતો.
અંતરીક્ષયાનને પૃથ્વી પર ઉતારવા માટે ઊર્ધ્વ-રૉકેટ ચાલુ કરીને તેની ગતિ ધીમી પાડવામાં આવતી હતી અને યાનને અવરોહણ પથ ઉપર મૂકવામાં આવતું હતું. ત્યારબાદ પુન:પ્રવેશ કોશિકાને રૉકેટના છેલ્લા તબક્કાથી અલગ કરી દેવામાં આવતી હતી. અંતરીક્ષયાન જ્યારે 7 કિમી.ની ઊંચાઈએ પહોંચે ત્યારે અંતરીક્ષયાત્રી તેની બેઠક સાથે બહાર ફેંકાતો હતો. ત્યારબાદ તેની બેઠક પણ અલગ થઈ જતી હતી અને તે હવાઈ-છત્રીની મદદથી સલામત રીતે ભૂમિ પર ઊતરતો હતો (જુઓ ચિત્ર : ગુ. વિ. ગ્રંથ-1, પૃષ્ઠ 691 ઉપરનું ચિત્ર), જ્યારે કોશિકા હવાઈ છત્રી વડે નીચે ઊતરતી હતી. વૉસ્ટૉક શ્રેણીની અંતરીક્ષયાત્રાની વિગતો નીચે કોઠામાં આપી છે :
ક્રમાંક | તારીખ | અંતરીક્ષયાત્રી | યાત્રાની અવધિ |
વૉસ્ટૉક-1 | 12 એપ્રિલ, 1961 | યુરી ગેગેરીન |
પૃથ્વીની એક પ્રદક્ષિણા |
વૉસ્ટૉક-2 | 6 ઑગસ્ટ, 1961 | હરમાન ટીટોવ |
24 કલાક |
વૉસ્ટૉક-3 | 11 ઑગસ્ટ, 1962 | એન્ડ્રિયાન નિકોલેવ |
4 દિવસ |
વૉસ્ટૉક-4 | 12 ઑગસ્ટ, 1962 | પાવેલ પૉપોવિચ |
3 દિવસ |
વૉસ્ટૉક-5 | 1419 જૂન, 1963 | વેલેરી બાઇકૉવસ્કી |
5 દિવસ |
વૉસ્ટૉક-6 | 1619 જૂન, 1963 | વેલેન્ટિના* તેરેસ્કૉવા |
3 દિવસ |
* પ્રથમ મહિલા અંતરીક્ષયાત્રી
પરંતપ પાઠક