વૉ, સ્ટીવ (. 2 જૂન 1965, કૅન્ટરબરી, સિડની, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-ખેલાડી, જમણેરી બલ્લેબાજ, જમણેરી મધ્યમગતિ ગોલંદાજ તથા ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ-ટીમના પૂર્વ સુકાની. આખું નામ સ્ટિફન રોજર વૉ. તેમના ભાઈ ડી.પી.વૉ તથા જોડિયા ભાઈ માર્ક વૉ પણ સારા ક્રિકેટ-ખેલાડી હતા. તેમણે તેમની પાંચ-દિવસીય ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત ડિસેમ્બર, 1985માં મેલબૉર્ન ખાતે રમાયેલી ભારત સામેની મૅચ દ્વારા કરી હતી. એ રીતે તેમણે તેમની એક-દિવસીય મૅચોની કારકિર્દીની શરૂઆત જાન્યુઆરી, 1986માં મેલબૉર્ન ખાતે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ દ્વારા કરી હતી. પ્રથમ શ્રેણીની મૅચોની તેમની કારકિર્દી 1984/85-2003/04ના ગાળાને આવરી લે છે. તેમની પાંચ-દિવસીય ટેસ્ટ-કારકિર્દીનો અંત જાન્યુઆરી, 2004માં સિડની ખાતે ભારત સામે રમાયેલી મૅચ દ્વારા આવેલો, તેમજ એક-દિવસીય મૅચોની કારકિર્દી ફેબ્રુઆરી, 2002માં દક્ષિણ આફ્રિકા સામે પર્થ ખાતે રમાયેલી મૅચ પછી સમેટાઈ ગઈ હતી. વર્ષ 1989માં ઇંગ્લડમાં આયોજિત વિશ્વ-કપ સ્પર્ધામાં તેમણે 303 રન ફટકારી ઑસ્ટ્રેલિયાને વિજય મેળવી આપેલો. પીઠમાં સતત ઊપડતા દુખાવાને કારણે તેમને કારકિર્દીની અધવચ્ચે જ ગોલંદાજી છોડી દેવી પડી હતી. વેસ્ટ ઇન્ડિઝના જમૈકા ખાતે 1994-95 શૃંખલામાં રમાયેલ મૅચમાં 200 રન ફટકારી ઑસ્ટ્રેલિયા માટે શૃંખલા જીતી હતી. 1997માં ઑલ્ડ ટ્રૅફોર્ડ ખાતેની મૅચમાં તેમણે બેવડી સદી ફટકારી ઑસ્ટ્રેલિયાને ‘ઍશિઝ’ જીતવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. 1999માં તેમને ઑસ્ટ્રેલિયાની ટીમનું સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ ઑસ્ટ્રેલિયાએ સળંગ 15 ટેસ્ટ-મૅચોમાં વિજય મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 1999માં વિશ્વ કપમાં ઑસ્ટ્રેલિયાને મળેલા વિજયમાં શેન વૉર્ન સાથે વૉનો ફાળો પણ મહત્વનો રહ્યો હતો અને એ રીતે ટૉમ મૂડીની જેમ બે વાર ઑસ્ટ્રેલિયા વતી વિશ્વકપ જીતવાનો વિક્રમ એમણે સ્થાપ્યો હતો. કમનસીબે ત્યારપછીની એક-દિવસીય શૃંખલામાંથી વૉને બાકાત રાખવામાં આવ્યા, જોકે ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-ટીમના કપ્તાન તરીકે તેમને ચાલુ રાખવામાં આવ્યા હતા. વર્ષ 2002-03માં તેઓ ફરી ઑસ્ટ્રેલિયા વતી ‘ઍશિઝ’ લઈ આવેલા. તેમની ઉંમર 36 હતી ત્યારે તેમને વર્ષ 2001ના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ‘ઍલન બૉર્ડર ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો.

સ્ટીવ વૉ

વૉએ ક્રિકેટ-ખેલાડી થવા ઉપરાંત સમાજસેવાનાં કાર્યોમાં પણ સક્રિય સહાય કરી છે અને તેના ભાગ રૂપે કોલકાતા ખાતે રક્તપિત્તિયાની દીકરીઓ માટે નોંધપાત્ર સખાવત કરી હતી. તેમણે લખેલી ક્રિકેટ-પ્રવાસની રોજનીશી ખૂબ રસપ્રદ અને રોમાંચકારી છે.

વૉની ક્રિકેટ-કારકિર્દીનો આલેખ નીચે મુજબનો છે :

I બલ્લેબાજી(batting)ની સરેરાશ

વર્ગ/શ્રેણી મૅચોની સંખ્યા દાવની સંખ્યા અણનમ રન વધુમાં વધુ જુમલો સરેરાશ
પાંચ-દિવસીય ટેસ્ટ 168 260 46 10,927 200 51.06
એક-દિવસીય મૅચો 325 288 58  7,569 120 32.90
(અણનમ)
પ્રથમ શ્રેણીની મૅચો 356 551 88 24,052 216 51.94
(અણનમ)

II ગોલંદાજી(bowling)ની સરેરાશ

વર્ગ/શ્રેણી મૅચોની સંખ્યા દડાઓની સંખ્યા રન આપ્યા વિકેટોની સંખ્યા સરેરાશ
પાંચ-દિવસીય ટેસ્ટ 168 7,805 3,445  92 37.44
એક-દિવસીય મૅચો 325 8,883 6,761 195 34.67
પ્રથમ શ્રેણીની મૅચો 356 17,428 8,155 249 32.75

બાળકૃષ્ણ માધવરાવ મૂળે