વૉલ્જમુથ, મિકાયેલ (Wohlgemuth, Michael)

January, 2006

વૉલ્જમુથ, મિકાયેલ (Wohlgemuth, Michael) (. 1434; . 1519) : નૂર્નબર્ગના ખ્યાતનામ ગૉથિક ચિત્રકાર.

આરંભિક જીવનની માહિતી નહિવત્ મળે છે. 1472માં નૂર્નબર્ગના ગૉથિક ચિત્રકાર હાન્સ પ્લીડન્વુર્ફ(Hans Pleydenwurff)ની વિધવા સાથે તેમણે લગ્ન કર્યું. એ પછીનાં ચાળીસ વરસ વૉલ્જમુથની કલાત્મક કારકિર્દીમાં ખૂબ જ ફળદ્રૂપ રહ્યાં. આ વરસો દરમિયાન તેમણે અનેક વ્યક્તિચિત્રો, પોથીચિત્રો અને સોનાના ઢોળથી શોભતાં વેદીચિત્રો ચીતર્યાં. જર્મનીમાં સ્ટ્રૉબિન્ગ ખાતે સેંટ જેકૉબ કથીડ્રલમાં, ઝ્વિકાઉ ખાતે મેરીન્કીર્ચ કથીડ્રલ, નૂર્નબર્ગ ખાતે હીલિક્રુઝકીર્ચ કથીડ્રલ અને શ્વોબેખ ખાતે સ્ટૅટ્કીર્ચ કથીડ્રલની વેદીઓ પર તેમણે સર્જેલાં વેદીચિત્રોમાં તેમની સર્જનાત્મકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ જોવા મળે છે.

પોતાના સાવકા પુત્ર વિલ્હેમ(Wilhelm)ની મદદ વડે વૉલ્જમુથે 1492માં હાર્ટમાન શેડેલના પુસ્તક ‘વૅલ્ટ્ક્રૉનિક’ માટે લાકડાના બ્લૉક કોરીને 650 જેટલાં છાપચિત્રો (wood-cut prints) તૈયાર કર્યાં; પરંતુ છાપચિત્રની તેની આ સિદ્ધિને તેના પોતાના જ મહાન શિષ્ય આલ્બ્રેખ્ટ ડ્યુરર(Albrecht Durer)ની અદ્ભુત સિદ્ધિએ ઢાંકી દીધી. ડ્યુરર જેવા યુગપ્રવર્તક ચિત્રકારના ગુરુ હોવા બદલ પણ આજે વૉલ્જમુથની નામના છે.

અમિતાભ મડિયા