વૉલ્ટ (Vault) : પથ્થર કે ઈંટની કમાન આધારિત છત (roof). બાંધકામની ષ્ટિએ વૉલ્ટના જુદા જુદા પ્રકાર પડે છે. જો કમાનને ઊંડે સુધી લંબાવવામાં આવે તો તે ટનલ (tunnel) જેવી લાગે. આ પ્રકારના વૉલ્ટને બૅરલ (barrel) કે વૅગન (waggon) કે ટનલ વૉલ્ટ કહે છે. જેની પર વૉલ્ટ ઊભું કરેલું હોય છે તે દીવાલ ઉપરનું તેમજ

વૉલ્ટના પ્રકારો

નીચેનું દબાણ ઉપાડી શકે એ માટે ઘણી જાડી બાંધવામાં આવે છે. બૅરલ વૉલ્ટનો ગેરફાયદો એ છે કે બારીઓનું આયોજન વૉલ્ટની નીચે શરૂઆતમાં જ કરવામાં આવે છે. આનાથી અંદર આવતા પ્રકાશમાં  ઘટાડો થાય છે. આ પ્રકારના વૉલ્ટ બીબાંઢાળે બનેલાં હોવાથી તેમાં સુંદરતા જણાતી નથી. જુદી જુદી ઊંચાઈએ ટેકાઓ (abutments) રચવામાં આવે તો તે રેમ્પર્ટ વૉલ્ટ બને છે.

વૉલ્ટના પ્રકારો

બૅરલ વૉલ્ટની બિનઉપયોગિતાનો પ્રશ્ર્ન હલ કરવા માટે રોમનોએ ગ્રૉઇન (groin) કે ક્રૉસ વૉલ્ટનો વિકાસ કર્યો હતો. બે બૅરલ વૉલ્ટને એકબીજા સાથે કાટખૂણે છેદે એ રીતે રચવામાં આવે તો ગ્રૉઇન વૉલ્ટનું નિર્માણ થાય છે. છેદતી રેખાને ગ્રૉઇન કહેવામાં આવે છે તેથી આને આવું નામ આપવામાં આવ્યું છે. આ વૉલ્ટનો ફાયદો એ છે કે જ્યાં ગ્રૉઇન એકબીજાને છેદે છે તે બિંદુએ જ દબાણ પ્રવૃત્ત થાય છે. તેની બહારની બાજુની દીવાલે બટ્રેસ-buttresses (ઊભા ટેકાઓ) કાટખૂણે રચવામાં આવે છે. આથી અહીં દીવાલ પાતળી કે હલકી હોય છે. વૉલ્ટની ઊંચાઈએ પણ બારીની રચના કરી શકાય છે. આ પ્રકારના વૉલ્ટ નયનરમ્ય હોય છે.

ક્લૉઇસ્ટર વૉલ્ટ એ ઘુમ્મટાકાર (domical) વૉલ્ટ માટેની અમેરિકન પરિભાષા છે. આને હેન્ડકર્ચિફ વૉલ્ટ પણ કહે છે. સમચોરસ કે બહુકોણીય પાયા પર આ પ્રકારનું વૉલ્ટ સીધું જ બાંધવામાં આવે છે. આ વાસ્તવિક ઘુમ્મટ નથી. આ પ્રકારના વૉલ્ટનો ઉત્તમ નમૂનો ફ્લૉરેન્સમાં સેન્ટ મારિયા ડેલ ફિઓરેમાં જોવા મળે છે. સેઇલ વૉલ્ટ અને અમ્બ્રેલા વૉલ્ટ ડોમિકલ વૉલ્ટના સહેજ ફેરફાર સાથેના પ્રકારો છે. સેઇલ વૉલ્ટમાં ચારેય બાજુથી ઊભો કાપ કરેલો હોય છે. અમ્બ્રેલા વૉલ્ટનો આકાર છત્રી જેવો હોય છે.

ફેન વૉલ્ટની પડખેની દીવાલો શંકુ આકારની હોય છે. તેના અર્ધ-શંકુઓ વૉલ્ટની ટોચે મળતા હોય છે.

પેરાબૉલિક સેક્શન પર પાતળું કૉંક્રીટ આવરણ, પેરાબૉલિક વૉલ્ટ છે. આ પ્રકારના વૉલ્ટ વજનમાં હલકા હોય છે.

રિબ વૉલ્ટ પ્રકોણીય કમાનાકાર રિબોનું ફ્રેમવર્ક છે.

થૉમસ પરમાર