વૉલ્ગોગ્રાદ અંતરીક્ષ-મથક (રશિયા)

January, 2006

વૉલ્ગોગ્રાદ અંતરીક્ષમથક (રશિયા) : સોવિયેત રશિયાનું સૌથી જૂનું રૉકેટમથક. તે ‘કાપુસ્તિન યાર’ના નામે પણ ઓળખાતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી છેક 1947થી આ રૉકેટમથક પરથી V-2 રૉકેટોમાં કૂતરાં અને અન્ય પ્રાણીઓને 500 કિમી.ની ઊંચાઈ સુધી મોકલીને તેમની ઉપર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવતો હતો. 1962થી શરૂ કરીને 1980 દરમિયાન અહીંથી 70 જેટલા ‘કૉસ્મોસ’ શ્રેણીના વૈજ્ઞાનિક ઉપગ્રહોનું પ્રમોચન કરવામાં આવ્યું હતું. પ્લેસેત્સ્ક (નૉર્ધર્ન કૉસ્મોડ્રોમ) પ્રમોચન-મથકની સ્થાપના પછી વૉલ્ગોગ્રાદ મથકનો ઉપયોગ ઓછો થઈ ગયો હતો. ભારતના પહેલા ત્રણ ઉપગ્રહ – ‘આર્યભટ્ટ’, ‘ભાસ્કર-1’ અને ‘ભાસ્કર-2’ આ મથક પરથી જ પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. આ અંતરીક્ષ-મથક વૉલ્ગા નદી અને વૉલ્ગોગ્રાદ શહેરથી પૂર્વ દિશામાં આવેલું છે.

પરંતપ પાઠક