વૉલ્કૉટ, ડેરેક (. 1930, કાસ્ટ્રીજ, સેંટ લુસિયા, વેસ્ટ ઇન્ડિઝ) : વેસ્ટ ઇન્ડિઝના કૅરિબિયન કવિ અને નાટ્યકાર. તેમને તેમના મહાકાવ્ય ‘ઓમેરોસ’ માટે 1992ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. નાની વયે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમનાં માતા શિક્ષિકા હતાં. તેમણે તેમના વતનમાં સેંટ મેરીઝ કૉલેજમાં તથા જમૈકામાં વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો.

ડેરેક વૉલ્કૉટ

જ્વાળામુખીવાળા એકાંતિક ટાપુ પર વીતેલાં તેમનાં બાળપણનાં વર્ષોનો પ્રભાવ તેમના જીવન અને કવનમાં અભિવ્યક્ત થાય છે. એમનામાં થયેલ ડચ, આફ્રિકન અને અંગ્રેજી – એમ ત્રિવિધ સંસ્કારોનો સમન્વય પણ તેમની કૃતિઓમાં પ્રતીત થાય છે. તેમનાં માતાને મુખે શેક્સપિયરની કૃતિઓ સાંભળીને તેમનામાં ઊંચી કોટિના સર્જકનાં બી રોપાયાં. 18 વર્ષની વયે તેમણે ‘25 પોએમ્સ’ નામક પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો.

1953માં તેઓ ટ્રિનિડાડ ગયા. ત્યાં તેમણે રંગભૂમિ તથા કલાના વિવેચક તરીકે કામગીરી કરી. 1959માં તેમણે રંગભૂમિની સ્થાપના કરી અને ‘અ ગ્રીન સિટી’ (1962); ‘ધ કાસ્ટવે’ (1965) અને ‘ધ ગલ્ફ’ (1969) – એમ ત્રણ ગ્રંથો આપ્યા.

ત્યારબાદ તેઓ અમેરિકા ગયા. ત્યાં બૉસ્ટન યુનિવર્સિટીમાં અધ્યાપક રહ્યા. જાણીતા કવિ રૉબર્ટ લૉવેલના સંપર્ક દ્વારા ફરાર સ્ટ્રૉસ ઍન્ડ ગિરૉક્સ નામક પ્રકાશન-સંસ્થા સાથે સંકળાયા પછી 12 જેટલા ગ્રંથો આપ્યા. તેમણે 150 પાનાંનો આત્મકથાત્મક દીર્ઘ કાવ્યસંગ્રહ ‘અનધર લાઇફ’ 1973માં પ્રગટ કર્યો. 1987માં બીજો કાવ્યસંગ્રહ ‘ધી આર્કાન્સાસ ટેસ્ટામેન્ટ’ પ્રગટ કર્યો. ‘કલેક્ટેડ પોએમ્સ : 1948-84’ 1986માં અને ‘સિલેક્ટેડ પોએટ્રી’ 1993માં પ્રગટ કરી.

રંગભૂમિને લગતી તેમની કૃતિઓમાં ‘ટી-જિન ઍન્ડ હિઝ બ્રધર્સ’ (1958) અને ‘ડ્રીમ ઑન મંકી માઉન્ટેન’ (1970) જાણીતી છે. તેમનાં બીજાં ઘણાં નાટકો આ જ શૈલીનાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ઑમેરોસ’ (1990) ગ્રીક કવિ હૉમરનાં બે મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ની શૈલીમાં લખાયેલ 64 પ્રકરણ અને 323 પૃષ્ઠ ધરાવતું મહાકાવ્ય છે. તેમાં તેમના વતનની મહેક સાથે બે નાવિકોની ભ્રમણકથાના તાણાવાણાની ઘણી સંકુલ ગૂંથણી હોવાથી તથા તે કલાતત્વસભર અને જીવનમૂલ્યથી સમૃદ્ધ હોવાને કારણે સમકાલીન અંગ્રેજી સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા