વૉલેસ્ટોનાઇટ (wollastonite) : પાયરૉક્સિનૉઇડ સમૂહ પૈકીનો એક ખનિજપ્રકાર. સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતું મહત્વનું ખનિજ. રાસા. બંધારણ : CaSiO3. સ્ફ. વ. : ટ્રાઇક્લિનિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે મેજ-આકાર. સ્ફટિકો થોડા સેમી.થી 50 સેમી. સુધીની લંબાઈના હોય; ખૂબ જ વિભાજનશીલથી રેસાદાર; દળદાર, દાણાદાર અને ઘનિષ્ઠ પણ મળે. યુગ્મતા (100) ફલક પર સામાન્ય. પારદર્શકથી પારભાસક. સંભેદ : (100) ફલક પર પૂર્ણ, (001) અને (102) ફલકો પર પ્રમાણમાં સારો. ભંગસપાટી : કરચમય, બરડ. ચમક : કાચમયથી મૌક્તિક; રેસાદાર સ્વરૂપ રેશમી. રંગ : દૂધ જેવા શ્વેતથી માંડીને આછો સફેદ, રાખોડી, રાખોડી-કથ્થાઈ; ક્વચિત્ રંગવિહીન કે આછા લીલા રંગમાં પણ મળે. પારજાંબલી પ્રકાશમાં ક્યારેક પ્રસ્ફુરણ દર્શાવે. કઠિનતા : 4.5થી 5 : વિ. ઘ. : 2.87થી 3.09. પ્રકા. અચ. : α = 1.616થી 1.640; β = 1.628થી 1.650, γ = 1.631થી 1.653. પ્રકા. સંજ્ઞા : -Ve, 2V = 38°થી 60°.

પ્રાપ્તિસ્થિતિ-ઉત્પત્તિસ્થિતિ : વિકૃતીકરણ પામેલા ચૂનાખડકોના બંધારણમાં એક ખનિજઘટક તરીકે મળે. ચૂનાખડકની ભેળવણી થઈ હોય એવા અંતર્ભેદકો સાથે તેમજ અમુક આલ્કલાઇન-નેફેલિનધારક અગ્નિકૃત ખડકોમાં મળે. તે મોટેભાગે ડાયૉપ્સાઇડ, ગ્રોસ્યુલેરાઇટ, કૅલ્શાઇટ વગેરે જેવાં ખનિજોના સહયોગમાં મળે.

અશુદ્ધ ચૂનાખડકો કે ચૂનાસમૃદ્ધ ખડકો પર થતી સંસર્ગ-વિકૃતિની તે (વિકૃતિ) પેદાશ ગણાય છે. ચૂનાખડક પર સિલિસિક ઍસિડની પ્રક્રિયા થવાથી પણ તે બની શકે છે. પ્રસ્ફુટિત લાવા સાથે ચૂનાખડકનાં ગચ્ચાં આવી જાય, તો તેની આત્મસાતીકરણની પ્રક્રિયામાં પણ તે બની શકે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ. એસ., ભારત, ફિનલૅન્ડ અને મેક્સિકો આ ખનિજના મુખ્ય ઉત્પાદક દેશો છે. આ ઉપરાંત તે નૉર્વે, કૅનેડા, ઇટાલી અને રુમાનિયામાંથી પણ મળે છે.

ભારતમાં તેના મહત્વના ખાણકાર્યયોગ્ય જથ્થા રાજસ્થાનના સિરોહી, ડુંગરપુર અને પાલી જિલ્લાઓમાં રહેલા છે. ગૌણ પ્રમાણમાં તે ગુજરાત (બનાસકાંઠા), તમિલનાડુ(તિરુનેલવેલી, ધરમપુરી)માંથી મળે છે. ભારતમાં તેની સુલભ સંપત્તિ આશરે 43 લાખ ટન જેટલી હોવાનો અંદાજ મુકાયેલો છે. પાલી જિલ્લામાં તે એરિનપુરા ગ્રૅનાઇટના સંકલનમાં અસંખ્ય, લાંબા, વીક્ષાકાર જથ્થાઓ રૂપે, પાતળી કૅલ્શાઇટ અને ક્વાર્ટ્ઝ શિરાઓથી ભેદાયેલી સ્થિતિમાં મળે છે. તેનો 5 કરોડ ટન જેટલો વિપુલ જથ્થો હોવાનો અંદાજ છે. ભારત આ ખનિજમાં સ્વાવલંબી છે, તેમજ તેની નિકાસ પણ થાય છે. વીસમી સદીના છેલ્લા દશકામાં તેનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન વર્ષભેદે 55 હજારથી 62 હજાર ટન વચ્ચે રહેલું. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સિરોહી રોડ રેલમથક નજીક બેલકા પહાડમાં કૅલ્સાઇટ સહિત વૉલેસ્ટોનાઇટનો જથ્થો રહેલો છે તેનું ખાણકાર્ય થાય છે અને નિકાસ પણ કરવામાં આવે છે.

ગુજરાત : ગુજરાત રાજ્યના પાલનપુર નજીક 2000ના વર્ષમાં વૉલેસ્ટોનાઇટનો વિશાળ જથ્થો ઘોડા અને ધનપુરા ખાતેથી મળી આવ્યો છે. ઘોડા ખાતેનો અનામત જથ્થો 28,000 ટન જેટલો હોવાનો અંદાજ મુકાયેલો છે.

ઉપયોગ : પ્લાસ્ટિક અને રેઝિનમાંથી બનાવાતી ચીજવસ્તુઓને મજબૂતી આપવાના હેતુથી વૉલેસ્ટોનાઇટનો પૂરક દ્રવ્ય (filler) તરીકે ઉપયોગ થાય છે. ઍૅસ્બેસ્ટૉસ સિમેન્ટની ચીજવસ્તુઓની બનાવટમાં ઍસ્બેસ્ટૉસની અવેજીમાં તેની રેસાદાર જાતનો ઉપયોગ કરવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા