વૉલેસ, આલ્ફ્રેડ રસેલ (. 8 જાન્યુઆરી 1823, અસ્ક, વેલ્સ; . 7 નવેમ્બર 1913) : ખ્યાતનામ બ્રિટિશ પ્રકૃતિવિદ, અભિયંતા અને જૈવિક ઉત્ક્રાંતિ અંગેના ડાર્વિનવાદના સહભાગી. ડાર્વિનની જેમ જ, પણ ડાર્વિનથી સ્વતંત્ર રીતે, ઉત્ક્રાંતિ વિશેની સંકલ્પના રજૂ કરનાર.

તેમનો ઉછેર સામાન્ય કુટુંબમાં થયેલો. નાની ઉંમરમાં ભાઈને રેલવે-સામાનની હેરફેરની કામગીરીમાં મદદ કરતા. વીસમે વર્ષે લિસેસ્ટરની શાળામાં શિક્ષક બન્યા. ત્યાં તેઓ પ્રખ્યાત કીટકશાસ્ત્રી હેન્રી વૉલ્ટર બેટીસના સંપર્કમાં આવ્યા. ચાર્લ્સ ડાર્વિનનું ‘વૉયેજ ઑવ્ એચ. એમ. એસ. બીગલ (1845)’ નામનું પુસ્તક વાંચી ઍમેઝોનનાં જંગલો ખૂંદવાનો ખ્યાલ ઉદ્ભવ્યો; અન્ય સમકાલીન સાહિત્ય પણ વાંચ્યું. 1848માં બેટીસ અને વૉલેસ બંને ઍમેઝોન નદીના ખીણપ્રદેશમાં પારા(શહેર)માં પહોંચ્યા. 1848થી 1852 સુધી વૉલેસે એકલે હાથે મોટી સંખ્યામાં કીટકો તેમજ અન્ય સજીવસૃષ્ટિના નમૂનાઓ એકઠા કરી, બ્રિટિશ મ્યુઝિયમને વેચી પોતાનો જીવનનિર્વાહ કર્યો. મલેરિયાથી માંદા પડવા છતાં નાનાં-મોટાં હજારો જીવંત પ્રાણીઓનો સંગ્રહ ઇંગ્લૅન્ડ લેતા આવ્યા. કમભાગ્યે, તેમના વહાણને આગ લાગતાં તેમને ઘણું નુકસાન વેઠવું પડ્યું. નુકસાનના વળતર રૂપે વીમાની રકમ મળતાં 1854થી 1862 દરમિયાન પૂર્વમાં મલય દ્વીપસમૂહ(આજનું મલેશિયા)ના સંશોધન-પ્રવાસમાં ઊપડી ગયા.

આલ્ફ્રેડ રસેલ વૉલેસ

1858માં ઉત્ક્રાંતિ પરના પોતાના વિચારોને નિબંધ રૂપે રજૂ કરીને તેમણે ડાર્વિનને મોકલી આપેલા. તેમણે બંનેએ એ જ વર્ષે ભેગા મળીને લિનિયન સોસાયટી (Linnaean society) સમક્ષ સંશોધનપત્ર રજૂ કરેલું. વૉલેસના લખાણનું શીર્ષક હતું ‘On the Tendency of Varieties to Depart Indefinitely from the Originial Type’. આ સંશોધનપત્રનો સૂર એવો હતો કે જે સમર્થ હોય તે ટકી શકે છે. વૉલેસ અને ડાર્વિન બંને એવું માનતા હતા કે માનવજાતિ કુદરતની પસંદગીને પાત્ર રહીને ઉત્ક્રાંતિ પામેલી છે. વૉલેસે સ્પષ્ટપણે રજૂ કરેલું કે માનવની ઉચ્ચ કક્ષાની માનસિક ક્ષમતા પરાજૈવિક (metabiological) પરિબળોને કારણે વિકસી છે.

30 વર્ષની ઉંમરે વૉલેસ સાહસિક પ્રાણીશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી, ભૂસ્તરશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી તરીકેની નામના મેળવી ચૂક્યા હતા. બૉર્નિયોમાં ઉરાંગઉટાનનો અભ્યાસ કરનાર તેઓ સર્વપ્રથમ યુરોપિયન હતા. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘ઍમેઝોનનો પ્રવાસ’, ‘ધ મલાયા આર્કિપીલેગો’ તથા ‘જિયૉગ્રેફિકલ ડિસ્ટ્રિબ્યૂશન ઑવ્ ઍનિમલ્સ’નો સમાવેશ થાય છે.

તેમણે પ્રાણીભૂગોળના અભ્યાસ વિશે કેટલાક પાયાના ખ્યાલો રજૂ કરેલા. નૈર્ઋત્ય પૅસિફિકમાં પ્રાણીઓને જુદી પાડતી એક કાલ્પનિક રેખા તેમણે આંકેલી, જેમાં એક તરફ ઑસ્ટ્રેલિયન પ્રાણીજીવન અને બીજી તરફ એશિયાઈ (ઑરિયેન્ટલ) વિસ્તારનું પ્રાણીજીવન જુદાં પડતાં હતાં. પ્રાણી-ભૂગોળમાં આજે પણ આ રેખા ‘વૉલેસ લાઇન’ તરીકે ઓળખાય છે.

વૉલેસ ચાર્લ્સ ડાર્વિનના ‘ડાર્વિનવાદ’ના સહલેખક/સંશોધક રહેલા – આ બાબત ઘણી મહત્વની ગણાય છે. 1855માં સારાવાક(મલેશિયા)માં ડાર્વિનથી તદ્દન સ્વતંત્ર રીતે ‘પ્રાકૃતિક પસંદગી’ દ્વારા તેમણે ઉત્ક્રાંતિનું પ્રતિપાદન કર્યું. ‘નવી જાતિના ઉદ્ભવનું નિયમન કરનારા કાયદાઓ’ નામના એક સંશોધનલેખમાં તેઓ લખે છે કે ‘દરેક જાતિ કાળ/સમય અને સ્થળની મર્યાદાને અધીન, પૂર્વઅસ્તિત્વ ધરાવતી સંબંધિત જાતિમાંથી ઉદ્ભવે છે.’ આ પ્રાથમિક તારણ સ્પષ્ટપણે ઉત્ક્રાંતિ તરફ અંગુલીનિર્દેશ કરે છે.

બૉર્નિયોમાં મલેરિયાથી ફરીથી બીમાર થતાં માંદગી દરમિયાન ‘જાતિઓનો ઉદ્ભવ’ કેવી રીતે થતો હશે તેના વિચારો તથા માલ્થસના વસ્તી પરના નિબંધના વિચારો મનમાં સતત ઘોળાયા કરતા હતા. વિચારોની ફલશ્રુતિ રૂપે એકાએક ‘યોગ્યતમની ચિરંજીવિતા’નો ખ્યાલ સ્ફુર્યો. વૉલેસને ખાતરી થઈ કે તેમણે ‘જાતિઓના ઉદ્ભવ’ માટે પ્રકૃતિનો એક નિયમ શોધી કાઢ્યો છે.

વીસ વર્ષથી ડાર્વિન જે વિષયનો સતત અભ્યાસ કરતા હતા, પરંતુ હજી તેમાંથી ઉત્ક્રાંતિના સિદ્ધાંતો તારવી શકાયા ન હતા; તે જ અરસામાં ઉત્ક્રાંતિ વિશેનો વૉલેસનો લેખ તેમને મળ્યો. તેમાં પણ તેમના જ વિચારો પ્રતિબિંબિત થતા હતા. ડાર્વિન માટે આ ઘટના આશ્ર્ચર્યજનક હતી. ડાર્વિન આ કામનું શ્રેય વૉલેસને આપવા માંડ્યા; પરંતુ વૉલેસે પણ એટલી જ ઉદારતા દાખવી અને તેનું શ્રેય ડાર્વિનને આપ્યું. આ ઉત્ક્રાંતિવાદને તેમણે ‘ડાર્વિનવાદ’ તરીકે સ્વીકાર્યો; એટલું જ નહિ, 1889માં ઉત્ક્રાંતિ પરના પોતાના પુસ્તકનું નામ પણ ‘ડાર્વિનિઝમ’ રાખ્યું. વૉલેસ સામાન્ય માણસની જેમ જો મહત્વાકાંક્ષી હોત તો તે પુસ્તકનું નામ ‘વૉલેસિઝમ’ રાખી શક્યા હોત !

વૉલેસે ભૌગોલિક પ્રવાસનાં પુસ્તકો ઉપરાંત ઉત્ક્રાંતિને લગતા જીવશાસ્ત્ર ઉપર પણ પુસ્તકો લખ્યાં છે; જેમાં ‘પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતો’ (1870), ‘પ્રાણીઓનો ભૌગોલિક ફેલાવો’ (1876), ‘દ્વીપો ઉપરના જીવો’ (1882) અને ‘ડાર્વિનવાદ’(1889)નો સમાવેશ થાય છે.

1910માં બ્રિટિશ સરકારે વૉલેસને ‘Order of Merit’થી સન્માનિત કર્યા. વૉલેસ જમીનોના રાષ્ટ્રીયકરણના હિમાયતી અને સ્ત્રીમતાધિકારના સમર્થક હતા.

મ. શિ. દુબળે

ગિરીશભાઈ પંડ્યા