વૉલી બૉલ : એક લોકપ્રિય પાશ્ચાત્ય રમત. તેની શરૂઆત અમેરિકામાં 1895માં થઈ હતી. રમતના શોધક ડૉ. વિલિયમ જી. મૉર્ગન હોલિયૉક નગરના વાય. એમ. સી. એ. સંસ્થાના શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા હતા. પ્રયોગાત્મક ધોરણે રમાડવામાં આવેલી રમતમાં બંને ટીમમાં નવ ખેલાડીઓ રાખવામાં આવ્યા હતા અને નેટની ઊંચાઈ 1.98 મીટરની રાખવામાં આવી હતી. દડાને પકડવો, ફેંકવો, ધક્કો મારવો, મુક્કો મારવો – એ રીતે આ રમત રમાતી. રમતનો મુખ્ય હેતુ દડાને નેટની ઉપરથી સામેના મેદાનમાં મોકલી આપવાનો હતો. આ રમતનું નામ ‘મિન્ટોનેટ’ રાખવામાં આવ્યું હતું. પાછળથી આ રમત વૉલી બૉલના નામે પ્રચલિત થઈ.

વૉલી બૉલ સ્પર્ધામાં સરસાઈ માટે રમતવીરોની મથામણ

દુનિયાના અન્ય દેશોમાં વૉલી બૉલની રમતના પ્રચારનું કાર્ય વાય. એમ. સી. એ. દ્વારા થયું અને એ રીતે સમગ્ર વિશ્વમાં તેનો પ્રસાર થયો. તેને 1913માં ઑરિયેન્ટલ રમતોત્સવમાં સ્થાન મળ્યું. 1936ના બર્લિન ઑલિમ્પિક રમતોત્સવમાં તેનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. 1939માં વર્લ્ડ યુનિવર્સિટી રમતોત્સવમાં આ રમતને દાખલ કરવામાં આવી. 1947માં આંતરરાષ્ટ્રીય વૉલી બૉલ ફેડરેશનની સ્થાપના થઈ અને નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા. 1949માં પ્રથમ વિશ્વ વૉલી બૉલ ચૅમ્પિયનશિપ ચેકોસ્લોવૅકિયામાં યોજવામાં આવી. 1964માં વિશ્વ ઑલિમ્પિક રમતોત્સવમાં વૉલી બૉલની રમતનો સમાવેશ થયો. 1954માં એશિયન વૉલી બૉલ ફેડરેશનની સ્થાપના થઈ અને પ્રથમ એશિયન વૉલી બૉલ ચૅમ્પિયનશિપ 1955માં જાપાનમાં યોજાઈ.

ભારતમાં વૉલી બૉલ રમતની શરૂઆત કરનાર ચેન્નઈની વાય. એમ. સી. એ. સંસ્થા હતી. આર. એસ. કિરપાનારાયણની અગાધ મહેનતથી 1933માં વાય. એમ. સી. એ.ના નિયમો મુજબ પ્રથમ ઑલ ઇન્ડિયા વૉલી બૉલ ટુર્નામેન્ટ યોજાઈ. 1950માં રાષ્ટ્રીય વૉલી બૉલ ફેડરેશનની સ્થાપના થઈ.

વૉલી બૉલ રમતનું મેદાન 18 મીટર લંબાઈ અને 9 મીટરની પહોળાઈનું હોય છે. તેની નેટ 9.50 મીટર લાંબી અને 1 મીટર પહોળાઈની હોય છે તેની નેટ મધ્ય રેખાથી 50 સેમી. દૂર દાટવામાં આવેલા લાકડા અથવા લોખંડના થાંભલા ઉપર બાંધવામાં આવે છે. નેટ ઉપર બાજુ રેખાને લંબઅંતરે દર્શકપટ્ટા અને ઍન્ટેના બાંધવામાં આવે છે. ઍન્ટેના 1.80 મીટર લંબાઈની અને 10 મીમી.ના વ્યાસવાળી ફાઇબર ગ્લાસની અથવા તેવી જ વસ્તુમાંથી બનાવેલી હોય છે. વૉલી બૉલનો બૉલ નરમ, સિન્થેટિક ચામડાનો બનેલો હોય છે અને તેની અંદર રબરની ટ્યૂબ હોય છે. દડાનો ઘેરાવો 65થી 67 સેમી. અને વજન 260થી 280 ગ્રામ સુધીનું હોય છે.

વૉલી બૉલની રમતના ગુણ રેલી મુજબ ગણવામાં આવે છે. સર્વિસ કર્યા પછી જ્યારે દડો મૃત થઈ જાય ત્યારે રેલી પૂરી થયેલી ગણાય. જે ટીમ રેલી જીતે તેને એક ગુણ મળે છે અને સર્વિસ પણ મળે છે. વૉલી બૉલની મૅચ પાંચ સેટની હોય છે. જે ટીમ ત્રણ સેટ જીતે તે ટીમ વિજેતા બને છે. પહેલા ચાર સેટ 25 ગુણના હોય છે. જે ટીમ 25 ગુણ કરે તે ટીમ વિજેતા ગણાય છે; પરંતુ જો બંને ટીમના 24 ગુણ સરખા થાય ત્યારે જીતવા માટે બે ગુણનો તફાવત જરૂરી ગણાય છે. એટલે કે 24/26, 25/27, 26/28 ગુણ થવા જોઈએ. બંને ટુકડીઓએ બબ્બે સેટ જીત્યા હોય ત્યારે પાંચમો અને નિર્ણાયક સેટ ફક્ત 15 ગુણનો રમવામાં આવે છે. જે ટીમ પ્રથમ 15 ગુણ પ્રાપ્ત કરે તે ટીમ મૅચ જીતી ગણાય છે. નિર્ણાયક સેટમાં બે ગુણનો તફાવત જરૂરી નથી.

દરેક ટીમ 12 ખેલાડીઓની બનેલી હોય છે. જેમાં છ ખેલાડીઓ મેદાન પર રમે છે બાકીના છ ખેલાડીઓ અવેજી ખેલાડીઓ હોય છે. રમત દરમિયાન બૉલ મૃત બને છે ત્યારે ખેલાડીઓની અદલાબદલી નિયમાનુસાર કરી શકાય છે. લીબ્રો ખેલાડીનું ગમે ત્યારે ગમે તેટલી વખત અવેજીકરણ કરી શકાય છે, જે નિયમાનુસાર અવેજીકરણમાં ગણવામાં આવતું નથી. લીબ્રો ખેલાડીનો યુનિફૉર્મ ટીમના ખેલાડીઓના કરતાં અલગ પડે તેવો હોય છે. રમત દરમિયાન પાછળની હરોળના કોઈ પણ ખેલાડીને બદલી શકાય છે. લીબ્રો ખેલાડી મેદાનમાંથી નેટની ઊંચાઈથી ઉપરના દડાને આક્રમણપૂર્ણ કરી શકતો નથી. લીબ્રો ખેલાડી સર્વિસ તેમજ બ્લૉક પણ કરી શકતો નથી.

કોઈ કારણસર મૅચ બંધ રહે અને ચાર કલાકની અંદર તે જ મેદાન પર મૅચ ફરીથી રમાડવામાં આવે તો મૅચ જ્યાંથી બંધ રહી હોય ત્યાંથી જ શરૂ કરવામાં આવે છે; પરંતુ અન્ય મેદાન પર શરૂ કરવામાં આવે તો જેટલા સેટ પૂરા થયા હોય તે તે માન્ય રાખીને બાકીના સેટ રમાડવામાં આવે છે; પરંતુ ચાર કલાક પછી મૅચ શરૂ કરવામાં આવે તો નવેસરથી મૅચ રમાડવામાં આવે છે.

હર્ષદભાઈ ઈ. પટેલ