વૉલપોલ, (સર) રૉબર્ટ (જ. 26 ઑગસ્ટ 1676, હાઉટન, નોરફૉક, ઇંગ્લૅન્ડ; અ. 18 માર્ચ 1745, લંડન) : ઓરફર્ડના પ્રથમ અર્લ, ગ્રેટ બ્રિટનના પ્રથમ વડાપ્રધાન, છતાં તે સમયે આ હોદ્દો ન હતો. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લૅન્ડના સૌથી વધુ પ્રભાવશાળી રાજપુરુષ. તેમણે ઇટન કૉલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
તેઓ 1701માં પાર્લમેન્ટના સભ્ય બન્યા અને 1708માં યુદ્ધ ખાતાના સચિવ બન્યા. તેમણે સારું કામ કરવા છતાં તેમનો હોદ્દો ગુમાવ્યો, કારણ કે ટોરી પક્ષે સત્તા મેળવી. તેઓ આમની સભામાં વિરોધપક્ષના નેતા બન્યા. નવી સરકારે તેમના ઉપર અપ્રામાણિક સાધનો દ્વારા સત્તા મેળવ્યાના આરોપ મૂકી 1712માં કેદ કર્યા; પરંતુ તેમાંથી છૂટીને 1713માં તેઓ પાર્લમેન્ટમાં પાછા ફર્યા.
જ્યૉર્જ પહેલો 1714માં રાજા બન્યો તે પછી વૉલપોલનું રાજકીય મહત્વ વધી ગયું. 1715માં તેઓ નાણાખાતાના પ્રધાન બન્યા, પરંતુ 1717માં તે હોદ્દાનું રાજીનામું આપી દીધું. 1721માં વૉલપોલ ફરીથી નાણાખાતાના પ્રધાન (first Lord of the Treasury and Chancellor of Exchequer) બન્યા. તે પછી 21 વર્ષ સુધી વૉલપોલ ગ્રેટબ્રિટનમાં સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ હતા. તેમનો મુખ્ય હેતુ રાજકીય અસ્થિરતા દૂર કરવાનો હતો. તે માટે તેમણે આમની સભા પર અંકુશ રાખવા પ્રયાસો કર્યા. તે માટે વૉલપોલે વર્ષો સુધી આમની સભામાં સતત હાજર રહીને પોતાની ચર્ચા કરવાની કુશળતાથી તેમજ પોતાનાં સત્તા અને પ્રભાવથી વિરોધીઓને હરાવ્યા.
આખરે, વૉલપોલના શાસન વિરુદ્ધ ટોરી પક્ષમાં તથા વ્હીગ પક્ષના કેટલાક આગેવાનોમાં વિરોધ વધી ગયો. બ્રિટનમાં સ્પેન સાથે લડાઈ કરવાની લોકોની માગણી વધતી હતી, ત્યારે વૉલપોલે યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો; આમ છતાં 1739માં સ્પેન સાથે અને 1741માં ફ્રાન્સ સાથે યુદ્ધ થયું અને આમની સભા પરથી વૉલપોલે પોતાનો અંકુશ ગુમાવ્યો. 1742માં તેમણે રાજીનામું આપી દીધું. તે પછી તરત જ તેમને અર્લ ઑવ્ ઓરફર્ડ બનાવવામાં આવ્યા. ઉમરાવ સભામાં તેઓ રાજ્યનીતિ પર પ્રભાવ પાડી શકતા હતા.
જયકુમાર ર. શુક્લ