વૉર્સો કરાર : પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોને લશ્કરી કરાર હેઠળ એકત્ર કરનાર સંધિ. પોલૅન્ડના વૉર્સો શહેર ખાતે મે 1955માં આ સંધિ થઈ હોવાથી તે વૉર્સો કરાર તરીકે જાણીતી છે.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સત્તાની સર્વોપરિતા અંગેની સ્પર્ધા હરહંમેશ ચાલતી હોય છે. આ સર્વોપરિતાની અસરકારકતા વધારવા માટે દેશો પરસ્પર કરાર કરી, સંગઠન રચી, સત્તાનું વિસ્તૃતીકરણ કરી વધુ શક્તિશાળી બનવાનો પ્રયાસ ચાલુ રાખે છે. પ્રાચીનથી અર્વાચીન કાળ સુધીના રાજકીય ઇતિહાસમાં કરાર દ્વારા આવાં અનેક સંગઠનો રચાય છે તેમજ તેનો હેતુ સિદ્ધ થતાં તે સંગઠનો વિખેરાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે અને બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં આવાં ઘણાં સંગઠનોની રચના થઈ હતી. આવાં સંગઠનોથી મહાસત્તાઓ સમૂહબળ ઊભું કરી તેની વગ વધારવા પ્રયાસ કરે છે, તેમજ સમૂહબળ દ્વારા મજબૂત સલામતી અનુભવે છે.
બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી અમેરિકા તરફી દેશોનું ‘નાટો’(North Atlantic Treaty Organisation)નું સંગઠન રચાતાં તેના પ્રતિસ્પર્ધી દેશ તરીકે સોવિયેત સંઘના નેતૃત્વ હેઠળ કરાર દ્વારા એક સંગઠન રચવાનો પ્રયાસ થયો. તે વૉર્સો કરાર તરીકે જાણીતો છે. આ બંને કરારની રચના પાછળનું મુખ્ય કારણ બીજા વિશ્વયુદ્ધ પછીના તબક્કામાં ઊભી થયેલી બે મહત્વની છાવણીઓ અમેરિકા તરફી દેશો અને રશિયા તરફી દેશો હતી. બંને છાવણીઓ વચ્ચે વિચારધારાના ભારે ભેદ હતા, ગળાકાપ સત્તાસ્પર્ધા હતી અને તેથી બંને દેશો વચ્ચે શીત યુદ્ધ(cold war)ની સ્થિતિ પ્રવર્તતી હતી.
બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીનાં આંતરરાષ્ટ્રીય રાજકારણના ક્ષેત્રે ઠંડા અથવા તો શીતયુદ્ધની ગણના સૌથી નોંધપાત્ર અને પ્રભાવક ઘટના તરીકે થાય છે. ઠંડા યુદ્ધે સમગ્ર આંતરરાષ્ટ્રીય રાજકારણને નવો જ અને કલ્પના બહારનો વળાંક આપ્યો. તેની થોડી વિગત જોઈએ તે પૂર્વે બે બાબતને નજર સમક્ષ રાખવી જરૂરી છે : (1) 1917ની રશિયન ક્રાંતિ પછી સોવિયેત સંઘની સ્થાપના જે માકર્સવાદી વિચારસરણીના પ્રભાવ નીચે મૂડીવાદનો ઉગ્ર વિરોધ કરનારું રાજ્ય હતું; જ્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ વગેરે મૂડીવાદી વિચારસરણીને વરેલાં રાજ્યો હતાં. આમ, આર્થિક વિચારસરણીના કારણે બંને એકબીજાંના હરીફ બન્યાં અને પોતપોતાની વિચારસરણીને શ્રેષ્ઠ વિચારસરણી તરીકે સ્થાપવા માટે મરણિયા બન્યાં હતાં. (2) આ ક્રાંતિ દરમિયાન અને તે પછી મુખ્યત્વે કરીને અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે અવિશ્વાસ અને શંકાનું જે બીજ રોપાયું હતું, તે સમયના વહેણની સાથે વિકસતું જ રહ્યું.
બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં વિશ્વનું બે સબળ વિચારધારાઓ સવાઈ સત્તાનું અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે વિભાજન થતાં દ્વિધ્રુવી વિશ્વ (BiPolar World) સર્જાયું. બંને વચ્ચે સત્તાની સર્વોપરિતા સ્થાપવા માટેની ઉગ્ર હરીફાઈ શરૂ થઈ અને છેવટે યુદ્ધ જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું જે ઠંડા યુદ્ધ તરીકે જાણીતું બન્યું. ટૂંકમાં, ખરેખર યુદ્ધ શરૂ નહિ થયેલું હોવા છતાં પણ બંને સબળ સત્તાઓ એકબીજાંનો ભય અનુભવતી હતી. એ યુદ્ધ જ્ઞાનતંતુઓનું યુદ્ધ (war of nerves) હતું. તેમાં વાસ્તવિક યુદ્ધ ગેરહાજર હતું પણ યુદ્ધ જેવી સજ્જતા હંમેશાં રહેતી હતી. તે સત્તાસંઘર્ષનું નવું સ્વરૂપ હતું. ઠંડા યુદ્ધનો પ્રભાવ એટલો બધો વ્યાપક હતો કે દરેક આંતરરાષ્ટ્રીય ઘટનાને ઠંડા યુદ્ધે આવરી લીધું હતું. આમ, બંને સત્તા વચ્ચે વિશ્વવ્યાપી પ્રભુત્વ સ્થાપવા માટે શરૂ થયેલી ગળાકાપ હરીફાઈના કારણે આંતરરાષ્ટ્રીય સત્તા-માળખા (power structure) અને સત્તા-સંબંધો(power relations)ની નવી જ ભાત (pattern) ઊભી થઈ હતી. ટૂંકમાં, બીજા વિશ્વયુદ્ધ પછીના આંતરરાષ્ટ્રીય રાજકારણને સમજવા માટે ઠંડા યુદ્ધનો અભ્યાસ અનિવાર્ય બની ગયો.
ઠંડા યુદ્ધના પ્રથમ તબક્કા (1949-50) દરમિયાન 1947ના 12 માર્ચે અમેરિકી પ્રમુખ ટ્રુમેને કૉંગ્રેસમાં પ્રવચન કરતાં ટ્રુમેન સિદ્ધાંત (Truman Document) રજૂ કરીને ઠંડા યુદ્ધની ઘોષણા કરી.
સોવિયેત સંઘે 1947માં પોલૅન્ડના પાટનગર વૉર્સો ખાતે એક બેઠક બોલાવી. તેમાં સોવિયેત સંઘ, ફ્રાંસ, યુગોસ્લાવિયા, રુમાનિયા, હંગેરી, બલ્ગેરિયા, પોલૅન્ડ, ચેકોસ્લોવૅકિયા અને ઇટાલીના સામ્યવાદી પક્ષના નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં વિશ્વવ્યાપી ક્રાંતિને વેગ આપવા માટે બેલ્ગ્રેડમાં માહિતી સંસ્થા કૉમ્યુનિસ્ટ ઇન્ફર્મેશન બ્યૂરો(Communist Information Bureau-Comminform-કૉમિન્ફૉર્મ)ની રચના કરવામાં આવી હતી.
બંને મહાસત્તાઓ વચ્ચે એકબીજીથી આગળ નીકળી જવાની જ તીવ્ર હરીફાઈ શરૂ થઈ તેના કારણે પોતાના પ્રભાવને ફેલાવવા 1947માં યુરોપીય રાજ્યોના આર્થિક પુનરુત્થાન માટે અમેરિકી વિદેશપ્રધાન માર્શલે ‘માર્શલ યોજના’ (Marshall Plan) રજૂ કરી. તેના પ્રત્યાઘાત રૂપે સોવિયેત સંઘે પૂર્વ યુરોપનાં રાજ્યોને પોતાના પ્રભાવ નીચે લાવવા 1949ના જાન્યુઆરીમાં પરસ્પર આર્થિક સહાય પરિષદ(Council For Mutual Economic Aid)ની સ્થાપના કરી. આ સંસ્થા કૉમ્કોન તરીકે જાણીતી બની.
તે સમયે બર્લિનની કટોકટી સર્જાતાં ઠંડા યુદ્ધની ઉગ્રતામાં વધારો થયો અને ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે તેવી સંભાવના વધી ગઈ. પરંતુ કટોકટી હલ થઈ જતાં યુદ્ધ ટળી ગયું. આ તબક્કામાં ઠંડા યુદ્ધની ઉગ્રતા વધતાં અમેરિકાએ સોવિયેત સંઘને ઘેરી લેવાના ઉદ્દેશથી 1949ના 4 જુલાઈએ વૉશિંગ્ટન ખાતે મિત્રરાજ્યોની એક બેઠક બોલાવી. તેમાં અમેરિકા, કૅનેડા, બેલ્જિયમ, નૉર્વે, ડેન્માર્ક, ફ્રાંસ, આઇસલૅન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, હોલૅન્ડ, ગ્રેટ બ્રિટન અને પોર્ટુગલના પ્રતિનિધિઓએ હાજરી આપી. ઉત્તર ઍટલાંટિક વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવવા તેણે લશ્કરી સંગઠનની સ્થાપના કરી. તે ઉત્તર આટલાંટિક સંધિ સંગઠન (North Atlantic Treaty Organisation – NATO – નાટો) તરીકે જાણીતું બન્યું.
આ સંગઠનમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે એક સભ્ય રાજ્ય પરના આક્રમણને તમામ રાજ્યો પરનું – આક્રમણ ગણવામાં આવશે અને આક્રમણ કરનાર રાજ્યનો સંયુક્ત રીતે સામનો કરવામાં આવશે. આમ, પરોક્ષપણે સોવિયેત સંઘને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી. અહીં એ નોંધવું જોઈએ કે ઉત્તર આટલાંટિક વિસ્તાર માટે રચાયેલા આ સંગઠનમાં આ વિસ્તારમાં નહિ આવેલાં એવાં ગ્રીસ અને તુર્કીને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વધુમાં આ સંગઠન લોકશાહી, વ્યક્તિસ્વાતંત્ર્ય અને કાયદાના શાસનને વરેલું છે તેવી ઘોષણા કરવામાં આવી હોવા છતાં પણ જ્યાં ઉપર્યુક્ત ત્રણેય બાબતોની જેને ત્યાં ગેરહાજરી હતી તેવા પોર્ટુગલને પણ સભ્યપદ આપવામાં આવ્યું હતું.
નાટોની સ્થાપનાની સાથે પરિસ્થિતિને પામી જઈને આ લશ્કરી સંગઠનના જવાબ રૂપે નાટોના પૂર્વ યુરોપીય હરીફ તરીકે લશ્કરી સંગઠનની રચના કરવા માટે 1955માં 11થી 14 મે સુધી પોલૅન્ડના પાટનગર વૉર્સો ખાતે, સોવિયેત સંઘ તથા પૂર્વ યુરોપનાં આઠ રાજ્યો – અલ્બાનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવૅકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલૅન્ડ, રુમાનિયા એકત્રિત થયાં. સામ્યવાદી ચીનના નિરીક્ષકે પણ તેમાં હાજરી આપી હતી. આ પૂર્વે ઑક્ટોબર 1954ની પૅરિસ સમજૂતીઓના સ્વીકારનો પ્રત્યાઘાત આપતાં તે જ વર્ષના ડિસેમ્બરમાં મૉસ્કો ખાતે એક સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં એવી ઘોષણા કરવામાં આવી હતી કે જો પૅરિસ સંમેલન પશ્ચિમ જર્મનીનું શસ્ત્રીકરણ કરવાનો નિર્ણય કરશે તો સોવિયેત સંઘ પણ નવો કરાર કરશે.
વૉર્સોમાં મળેલ પરિષદને યુરોપમાં શાંતિ અને સલામતીનું રક્ષણ કરવા માટે મળેલાં યુરોપીય રાજ્યોની પરિષદ તરીકે ઓળખવામાં આવી હતી. સભ્ય રાજ્યોએ 1955ના 14 મેના રોજ ‘સલામતી અને શાંતિ’ના દસ્તાવેજ પર સહીસિક્કા કર્યા. સાથોસાથ તેમણે પોતપોતાનાં લશ્કરી દળોનું એકત્રીકરણ કરીને લશ્કરોને એક જ સત્તામંડળ (command) નીચે મૂકવાનું સ્વીકાર્યું. આ સંધિને ‘મિત્રતા, સહકાર અને પરસ્પર સહાયને વરેલી સંધિ’ તરીકે જાહેર કરવામાં આવી. આ સંધિ દ્વારા યુરોપમાં સામૂહિક સલામતીની પદ્ધતિ સ્થાપવા પર ભાર મૂકવામાં આવ્યો અને એવી સ્પષ્ટતા કરવામાં આવી કે પશ્ચિમી યુરોપીય સંઘ તથા પશ્ચિમી જર્મનીનું જે શસ્ત્રીકરણ કરવામાં આવ્યું તેનાથી સોવિયેત સંઘ અને પૂર્વ યુરોપનાં રાજ્યો માટે તેમની સુરક્ષાનો પ્રબંધ કરવો અનિવાર્ય બની ગયો છે અને તેમ કરીને તે યુરોપમાં શાંતિને જાળવી રાખવા માગે છે. આ હેતુસર આ સંધિમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ગાઢ સહયોગનો પ્રબંધ કરવામાં આવ્યો હતો.
વૉર્સો સંધિ સંગઠનની અગત્યની કલમો આ પ્રમાણે હતી : કલમ 1 દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંગઠનના સભ્યો લશ્કરી શક્તિનો ઉપયોગ કરવાના પ્રયત્નને ટાળશે અને આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ શાંતિપૂર્ણ ઉપાયોથી લાવશે.
આ સંધિ સંગઠનના હેતુને સ્પષ્ટ કરતાં કલમ 4માં જણાવવામાં આવેલ કે આ સંગઠનના કોઈ પણ સભ્ય રાજ્ય પર કરવામાં આવેલ આક્રમણને તમામ સભ્ય રાજ્યો પર કરવામાં આવેલા આક્રમણ તરીકે ગણવામાં આવશે. આમ, આ કલમથી વૉર્સો સંધિ સંગઠન એ લશ્કરી સંગઠન હતું તેવું સ્પષ્ટ થાય છે.
કલમ 5 દ્વારા સંગઠિત લશ્કરી કમાન્ડની જોગવાઈ કરવામાં આવી હતી. તે મુજબ આ કમાન્ડના તાબા નીચે સભ્ય રાજ્યોનાં લશ્કરો રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. તે તમામ માટે એક સર્વોચ્ચ સેનાપતિની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સર્વોચ્ચ સેનાપતિ સોવિયેત સંઘના મહામંત્રી-વડાપ્રધાન અને સોવિયેત સંઘના લશ્કરી વડા સાથે મંત્રણા કર્યા પછી સેનાઓનું સંગઠન રચી શકે તેમજ જુદા જુદા પ્રદેશોમાં સેનાઓને મોકલવાનું નક્કી કરી શકે. લશ્કરની ફાળવણી આ પ્રમાણે કરવામાં આવી હતી. યુરોપમાં ઉત્તર યુરોપ, મધ્ય યુરોપ અને દક્ષિણ યુરોપ માટે એક એક અને દૂર પૂર્વના માટે એક લશ્કરી કમાન્ડનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. સંયુક્ત લશ્કરના કમાન્ડનું મુખ્ય મથક મૉસ્કો ખાતે રાખવામાં આવ્યું હતું. મુખ્ય મથકમાં દરેક સભ્ય પોતપોતાના સૈન્યના એક અધિકારીને કાયમી પ્રતિનિધિ તરીકે મોકલશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.
વૉર્સો સંધિ સંગઠનની સ્થાપના પછી નાટો અને તેની વચ્ચે શસ્ત્રદોડ તથા રાજકીય પ્રભાવ વધારવાની હરીફાઈ ચાલુ જ રહી. 1955થી 1985 સુધી નાટો અને વૉર્સો કરાર વચ્ચેના સંઘર્ષનો ઉતાર-ચઢાવ ઠંડા યુદ્ધના ઉતાર-ચઢાવ સાથે ચાલુ રહ્યો. 1972થી 1984 દરમિયાન નવા ઠંડા યુદ્ધના તબક્કામાં તનાવશૈથિલ્ય દ’તે’(detente)નું પ્રમાણ વધતું ચાલ્યું. 1985માં નિકોલાઈ ગોર્બાચોવ સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રી બન્યા ત્યારપછી સોવિયેત સંઘ નબળું પડવા લાગ્યું. તેની પૂર્વ યુરોપનાં રાજ્યો પરની પકડ ઢીલી થઈ. ગોર્બાચોવે રાજ્યવ્યવસ્થામાં ખુલ્લાપણા-ગ્લાસનોત્સ અને સામાજિક આર્થિક પુનર્રચના(પેરેસ્ત્રોઈકા)ના કાર્યક્રમો અમલમાં મૂક્યા. પરિણામ ધાર્યાં કરતાં જુદું જ – કલ્પના બહારનું આવ્યું. તેને કારણે મળેલી મોકળાશનો લાભ લઈ સોવિયેત સંઘનાં ઘટક રાજ્યોમાં બળવા શરૂ થયા. તેઓ સોવિયેત સંઘમાંથી મુક્ત થવા લાગ્યા. સૌપ્રથમ ઈસ્ટોનિયા, લેટવિયા અને લિથુઆનિયા અલગ થઈ ગયાં અને તેમણે પોતાને સાર્વભૌમ રાજ્યો તરીકે જાહેર કર્યાં. તે પછી અલગ થવાનો સિલસિલો ચાલુ રહેતાં છેવટે ડિસેમ્બર 1991માં સોવિયેત સંઘનું વિઘટન થયું અને વિશ્વના નકશા પરથી સોવિયેત સંઘનું રાજ્ય ભૂંસાઈ ગયું. 1991માં આ કરારનું સભ્યપદ રદ કરવાની ઇચ્છા હંગેરીએ વ્યક્ત કરી. 1991માં બાકી રહેલા છ સભ્ય દેશો પણ આ સંગઠનના વિસર્જન માટે સંમત થતાં 1991ના પહેલી એપ્રિલે વૉર્સો સંધિ સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું. તે માટેનું કારણ એ હતું કે ઠંડા યુદ્ધમાં ઘટાડો થયો હતો અને વૉર્સો સંધિ સંગઠન દ્વારા યુરોપમાંથી પરંપરાગત લશ્કરી દળોમાં ઘટાડો કરવા અંગે નાટો સાથે સમજૂતી સાધવામાં આવી હોવાથી તેને લશ્કરી રક્ષણ પૂરું પાડવાની જરૂરિયાત અર્થ વગરની બની ગઈ હતી. આ સંગઠનના વિસર્જન પછી તેમજ સોવિયેત સંઘના વિઘટન પછી વિશ્વમાં અમેરિકા એકમાત્ર સવાઈ સત્તા તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. પરિણામે તેનો પ્રભાવ દિવસે ને દિવસે વધતો જાય છે. નાટોના સ્વરૂપમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. પૂર્વ યુરોપનાં ઘણાં રાજ્યોએ તેનું સભ્યપદ સ્વીકારી લીધું છે અને આમ વૉર્સો સંધિ સંગઠનના અંત પછી નાટો એકમાત્ર અત્યંત શક્તિશાળી લશ્કરી સંગઠનની ભૂમિકા ભજવી રહ્યું છે.
હસમુખ પંડ્યા