વૉર્નર, પેલહેમ (. 2 ઑક્ટોબર 1873, પૉર્ટ ઑવ્ સ્પેન, ત્રિનિડાડ; . 30 જાન્યુઆરી 1963; વેસ્ટ લૅવિંગ્ટન; સસેક્સ) : આંગ્લ ખેલાડી. તેઓ એક છટાદાર બૅટધર હતા. તેમણે પોતાનું મોટાભાગનું જીવન ક્રિકેટને સમર્પિત કર્યું હતું. 1905 અને 1938ની વચ્ચે અનેક પ્રસંગોએ તેઓ ટેસ્ટના પસંદગીકાર બન્યા હતા; 1932/33માં તેમણે ઇંગ્લૅન્ડની ટીમનું ઑસ્ટ્રેલિયામાં સંચાલન કર્યું. રમતક્ષેત્રની તેમની આ સેવાઓની સ્વીકૃતિ રૂપે 1937માં તેમને ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેઓ એમ. સી. સી. કમિટીમાં 60 વર્ષ સેવા આપતા રહ્યા અને 1950-51માં તેના પ્રમુખ રહ્યા. 1921માં તેમણે ‘ક્રિકેટિયર મૅગેઝિન’ની સ્થાપના કરી.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1899-1912 : 15 ટેસ્ટ; 23.92ની સરેરાશથી 622 રન; 1 સદી; અધિકતમ જુમલો 132 (અણનમ); 3 કૅચ. (2) પ્રથમ કક્ષાની મૅચ; 1894-1929 : 36.28ની સરેરાશથી 29,028 રન; 60 સદી; સૌથી વધુ જુમલો 244; 42.40ની સરેરાશથી 15 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 3-26; 183 કૅચ.

મહેશ ચોકસી