વૉર્ડ, બાર્બરા (1914-81) : બ્રિટિશ મૂળનાં મહિલા પત્રકાર, અર્થશાસ્ત્રી અને રાજ્યશાસ્ત્રી. શરૂઆતનું શિક્ષણ પૅરિસ અને જર્મનીમાં તથા ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડની સોબોન અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1932-35). 1935માં સ્નાતકની પદવી લીધી. 1939માં ‘ઇકૉનૉમિસ્ટ’ નામના જાણીતા સાપ્તાહિકના તંત્રી વિભાગમાં જોડાયાં અને એ રીતે અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના ક્ષેત્રમાં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. 1940માં આ સાપ્તાહિકની વિદેશશાખાના તંત્રીપદે બઢતી મળી. 1946-50ના ગાળામાં બી.બી.સી.ના સંચાલક-(ગવર્નર)પદે કાર્ય કર્યું. 1968માં અમેરિકામાં સ્થળાંતર; જ્યાં કોલંબિયા યુનિવર્સિટી ખાતે ‘સ્વિટ્ઝર પ્રોફેસર ઑફ ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક ડેવલપમેન્ટ’ – આ પ્રતિષ્ઠિત પદ પર નિમાયાં અને ત્યાં નિવૃત્તિ સુધી કામ કર્યું. વિકાસશીલ દેશોના અર્થતંત્ર પરના તેમના ગ્રંથોને કારણે અર્થશાસ્ત્ર વિષયનાં લેખિકા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. વિકસિત દેશોએ વિશ્વના વિકાસશીલ દેશો પ્રત્યે ઉદાર આર્થિક અને રાજકીય વલણ અપનાવવું જોઈએ – આ વિચારસરણીનો પ્રચાર અને પ્રસાર તેઓ કરતાં રહ્યાં. વિકાસશીલ દેશોની આર્થિક સમસ્યાઓના ઉકેલ તરીકે તે દેશોમાં વસ્તીનિયંત્રણ અને રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણીની તેમણે હિમાયત કરી. આ ઉપરાંત, પશ્ચિમના દેશોમાં પરસ્પર એકતા તથા દીર્ઘદૃષ્ટિ જેવા આદર્શોની તેઓ તરફેણ કરતાં રહ્યાં.

1974માં ઇંગ્લૅન્ડની મહારાણીએ તેમને ડી.સી.બી.ઈ.(Dame Commander of the British Empire)ની પદવી અર્પણ કરી તથા 1976માં તેમને આજીવન ઉમરાવપદ(Peeress)થી નવાજવામાં આવ્યાં.

આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતા તેમના બહુચર્ચિત અને લોકપ્રિય ગ્રંથો : (1) ‘ધ વેસ્ટ ઍટ બે’ (1948), (2) ‘પૉલિસિઝ ફૉર ધ વેસ્ટ’ (1951), (3) ‘ધી ઇન્ટરપ્લે ઑવ્ ઈસ્ટ ઍન્ડ વેસ્ટ’ (1957, 1962માં પુનર્મુદ્રિત), (4) ‘ધ રિચ નેશન્સ ઍન્ડ ધ પુઅર નેશન્સ’ (1962) તથા (5) ‘નૅશનેલિઝમ ઍન્ડ આઇડિયૉલોજી’ (1966)નો સમાવેશ થાય છે. તેમના અન્ય ગ્રંથોમાં ‘લોપસાઇડેડ વર્લ્ડ’ (1968), ‘ધ હોમ ઑવ્ મૅન’ (1976) તથા ‘પ્રોગ્રેસ ઑવ્ ધ સ્મૉલ પ્લૅનેટ’ (1979) ઉલ્લેખનીય છે. અન્ય વિદ્વાનોની મદદથી તેમણે ‘ધ વાઇડનિંગ ગૅપ’ (1971) ગ્રંથના સંપાદનકાર્યમાં પણ સક્રિય ભાગ ભજવ્યો હતો.

રાષ્ટ્રસંઘના કાર્યાલયમાં ઉચ્ચ પદ પર બિરાજમાન અર્થશાસ્ત્રી સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયેલાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે