વૈશાલી (નગરી) : બિહારમાં આવેલું નગર, જેનું અગાઉનું નામ બસાઢ હતું.
તે લિચ્છવી ગણરાજ્યની રાજધાની હતું. બૌદ્ધ સાહિત્યમાં લિચ્છવીની જેમ વજ્જિ પણ વૈશાલીના જ કહેવાય છે. વજ્જિ સંઘની રાજધાની વૈશાલી જ હતી. પાલિ ત્રિપિટકમાં લિચ્છવી અને વજ્જિનો ઉલ્લેખ એક જ ગણરાજ્ય માટે થયો છે.
ભગવાન બુદ્ધે બુદ્ધત્વ-પ્રાપ્તિ પછી પાંચમો વર્ષાવાસ વૈશાલીમાં કર્યો હતો. ભગવાનના પરિનિર્વાણ બાદ લિચ્છવીઓએ તેમના પવિત્ર અસ્થિનો ભાગ મેળવ્યો હતો અને વૈશાલી નગરમાં તેના ઉપર સ્તૂપ બનાવડાવ્યો હતો. ભગવાન બુદ્ધ તેમના જીવનકાળ દરમિયાન અનેક વખત વૈશાલી આવ્યા હતા. બૌદ્ધ ભિક્ષુઓએ વૈશાલીમાં મહાસંગિતિ બોલાવી જેમાં દસ હજાર ભિક્ષુઓએ હાજરી આપી હતી.
જાણીતી ગણિકા આમ્રપાલીનું વન વૈશાલીની નજીક આવેલું હતું. ભગવાન જ્યારે પોતાની અંતિમ યાત્રાના સમયે વૈશાલીમાં આમ્રવનમાં રોકાયા હતા ત્યારે તેમણે આ ગણિકાના ભોજનનો સ્વીકાર કર્યો હતો.
ઈ. સ.ની પાંચમી શતાબ્દીમાં ફાહિયાન અને સાતમી સદીમાં હ્યુ- ઍન-શ્વાંગ ભારત આવ્યા ત્યારે વૈશાલીની ઉત્તરમાં આવેલા વનનો અને ત્યાંના વિહાર તથા સ્તૂપનો ઉલ્લેખ કર્યો છે.
વૈશાલી જૈન અને બૌદ્ધ બંને ધર્મનું મહત્ત્વનું કેન્દ્ર હતું. મહાવીર સ્વામીનો જન્મ વૈશાલીમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીને ત્યાં થયો હતો.
મહાવીર સ્વામીના સમયમાં મગધના રાજા બિંબિસારે વૈશાલીની રાજકુમારી ચેલ્લણા સાથે પણ લગ્ન કરી તે રાજ્ય સાથે ગાઢ સંબંધો બાંધ્યા હતા. અહીંથી પકવેલી માટીની વિવિધ શિલ્પાકૃતિઓ શક-કુશાન યુગમાંથી મળી આવી છે. આ તબક્કાની બનાવેલી કેટલીક શિલ્પકૃતિઓ તો ધ્યાન ખેંચે તેવી છે. વૈશાલીમાંથી મળેલી પાંખવાળી દેવીની શિલ્પકૃતિ નોંધવા યોગ્ય છે. દેવી કમળની સન્મુખ ઊભેલી છે. ડૉ. આનંદ કુમારસ્વામીના મતે ભારતીય કલામાં કમળના આસનોમાંનું આ એક જૂનામાં જૂનું ષ્ટાન્ત છે. આ શિલ્પકૃતિના હાથ તદ્દન સીધા લંબાવેલા છે. બંને પાંખો ખભા ઉપર કંડારેલી છે. આ પ્રતિમા વિપુલ પ્રમાણમાં અલંકારોથી સજ્જ છે. ડૉ. આનંદ કુમારસ્વામી આ આકૃતિને મૌર્ય સમયની અથવા તેથી થોડીક વહેલી ગણે છે. આ સમય પછીની પાંખવાળી દેવીની બે શિલ્પકૃતિઓ મળી આવી છે તેમાંની એક ધાતુપ્રતિમા છે અને બીજી પથ્થરમાં કંડારેલી છે. આ પ્રતિમા કુશાન સમયની હોય એમ લાગે છે. પથ્થરની આકૃતિ મથુરામાંથી મળી આવી છે.
ઈ. સ. 1834માં અહીંથી બુદ્ધની ભવ્ય મૂર્તિ મળી આવી હતી. જનરલ કનિંગહામે જ્યારે વૈશાલીનું ખોદકામ કર્યું ત્યારે તેમને કુટાગાર શાળાના ભગ્નાવશેષો મળ્યા હતા. ઈ. સ. 191314માં ડૉ. સ્પૂનરે વૈશાલીમાં ખોદકામ કર્યું. તેમને અહીંથી મૌર્યકાલ સુધીના અવશેષો પ્રાપ્ત થયા હતા. 1968માં ડૉ. અલ્તેકરે ખોદકામ કર્યું. તેમાંથી લિચ્છવીઓ દ્વારા તૈયાર કરાયેલો સ્તૂપ મળી આવ્યો હતો. લિચ્છવી સ્તૂપ તથા સ્તંભ મરકટ-હૃદ તાલ નામના તળાવને ક્ધિાારે અશોકે બનાવડાવ્યા હતા. એમ કહેવાય છે કે આ તળાવ વાનરોએ બુદ્ધના ઉપયોગ માટે ખોદ્યું હતું. અશોક સ્તંભની ટોચ ઉપર ઊર્ધ્વ કમળની આકૃતિ તથા તેની ઉપર સિંહપ્રતિમા છે. આ સ્તંભ મૌર્યકાલીન છે. સ્તૂપની ટોચ ઉપર પાલ સમય પછીની એક બુદ્ધપ્રતિમા બનાવવામાં આવી હતી, જે ઉત્ખનન કરતાં નજીકના ખેતરમાંથી મળી આવી હતી.
જૈન પ્રણાલી પ્રમાણે જિનના શરીરના ભસ્માવશેષો ઉપર સ્તૂપ બનાવવાનો ચાલ હતો. વૈશાલી(બસાઢ)માં મુનિ સુવ્રતનો અને મથુરામાંથી સુપાર્શ્વનાથનો સ્તૂપ મળી આવ્યો છે. મહાનિર્વાણસુત્ત પ્રમાણે બહુપુત્તિ-ચૈત્ય વૈશાલા (વૈશાલી) અને મિથિલામાં જૈન ભગવતી અને વિપાકસૂત્રમાં ચૈત્યનો નિર્દેશ થયેલો છે. મુનિ સુવ્રતનો સ્તૂપ વૈશાલા(વૈશાલી)માં હતો, તેમ આવશ્યક ચૂર્ણીમાં જણાવેલું છે.
વૈશાલીના ખોદકામમાંથી સુંદર ચળકતાં રંગીન માટીનાં વાસણો મળી આવ્યાં છે. તેમાંનાં કેટલાંક ઉપર સુંદર ચિત્રકામ કરેલું છે. આવાં માટીનાં વાસણો પ્રાગ્-મૌર્યકાલીન થરમાંથી મળી આવ્યાં છે.
ટૂંકમાં, વૈશાલી જૈન અને બૌદ્ધ બંનેનું મહત્ત્વનું કેન્દ્ર હતું. પુરાતત્ત્વીઓ માટે અવશેષોના ભંડાર સમાન છે.
પ્રિયબાળા શાહ