વૈરાગ્ય : મનુષ્યનો મોક્ષ મેળવવા માટેનો ગુણ. ‘રાગ’ આસક્તિ ‘વિ’ ચાલી ગઈ છે એવી વ્યક્તિ એ ‘વિરાગ’. તે શુદ્ધ સંસ્કૃત શબ્દ છે. આપણે ગુજરાતી ભાષામાં એને ‘વેરાગી’ કહીએ છીએ. ‘વિરાગતા’ ‘રાગ’ આસક્તિનું ન હોવાપણું એ ‘વૈરાગ્ય’. આ બેઉ શબ્દ સંસ્કૃતતત્સમ છે : ‘વિરાગતા’ વ્યાકરણશુદ્ધ છતાં વ્યાપક થયો જોવામાં આવતો નથી; જ્યારે સંસ્કૃત ‘વૈરાગ્ય’ નાન્યતર જાતિનો શબ્દ તત્સમ તરીકે ખૂબ જ વ્યાપક છે અને એ સંસ્કારી લોક ઉપયોગમાં લે છે, સામાન્ય જનોમાં એ નરજાતિનો ‘વેરાગ’ શબ્દ પ્રચલિત છે.
‘ગીતા’ અનાસક્ત = આસક્તિ વિનાના થઈ સંંસારના પોતપોતાના અનેકવિધ વ્યવહાર કર્યેે જવાનો ઉપદેશ આપે છે; પરંતુ લોકો સામાન્ય રીતે ‘રંગરાગ’, ‘મોજશોખ’, ‘ભોગવિલાસ’ વગેરેમાં મનને પરોવીને રચ્યાપચ્યા રહે છે. એમાં ક્યાંય પણ ખલેલ પડે તો ઊંચા-નીચા થઈ જાય છે દુુ:ખી દુ:ખી થઈ જાય છે. જે થવાનું હોય એ થાય છે, એને રોકી શકાતું નથી. બેશક, રોકી શકાય તો રોકવાનો પ્રયત્ન જરૂર કરી શકાય. તેથી તુરત મન હળવુું થઈ જાય. ભારતીય રહેણીકરણીમાં આ બાબત વણાયેલી છે. ‘સંતોષી’ શબ્દથી વાકેેફ સૌ છે જ, આમાંનો ‘સંતોષ’ વાસ્તવમાં મનને આવેલા ઓછા-ઝાઝા કપરા સંયોગોમાંથી વાળવાનો યોગ લાવી આપે છે.
ભારતીય સંસ્કૃૃતિ-સભ્યતામાં માનવના એક વિશિષ્ટ લક્ષણ તરીકે ‘વૈરાગ્ય’ છે. માનવની સો વર્ષોની આવરદા પ્રાચીન કાલથી હોવાનું મનાય છે. પચાસ વર્ષ થતાં સંસારમાંથી છૂટવાનો રિવાજ હતો, જે ‘વૈરાગ્ય’નો આરંભ બતાવતો હતો. માણસ ‘વાનપ્રસ્થ’ થતો હતો, પરંતુ દંપતીએ વનમાં ન જવું હોય તો ઘેર સંતાનો સાથે રહીને પણ, અનાસક્ત રહીને પણ જીવિત નિર્વિઘ્ને પચીસ વર્ષ નિભાવી શકતા હતા. પચીસ વર્ષ પૂરાં થવા આવતાં માનવ વૈરાગ્ય તરફ ઢળતો હતો અને સંન્યસ્ત ધારણ કરી જે કાંઈ આહારાદિ મળે તેનો અનાસક્ત રહી ઉપયોગ કરતો હતો. એને દુન્યવી બાબત માટે પછી કાંઈ કરવાનું રહ્યું હોતું નથી.
આજના યુગમાં કળિયુગમાં શાસ્ત્રો આ પ્રકારનો સંન્યાસ લેવાની મનાઈ કરે છે. તેથી અપવાદ રૂપે થોડા માનવો ‘સંન્યસ્ત’ ધારણ કરે છે. સમજુ લોકો કુટુંબમાં રહીને પણ વિરક્તિ સાચવી રહે છે અને એ રીતે જીવનનો પાછલો ભાગ વ્યતીત કરે છે.
‘વૈરાગ્ય’ એના સાચા અર્થમાં ‘અનાસક્તિ’નો વાચક છે અને એ રીતે જીવનારાઓ શાંતિથી દીર્ઘ આયુ ભોગવતાં સમય આવ્યે પ્રાણ તજે છે.
આનાથી ઊલટું ભગવાં ધારણ કરીને પણ આસક્તિનો ત્યાગ કરી શકતા નથી, એવા માનવનું જીવન જીવતા મરણ જેવું દુ:ખદ છે.
ઇન્દ્રિયોના વિષય અને ભોગવિલાસ વગેરેમાં દોષ દેખાવાથી તેમના ત્યાગની ઇચ્છાને દાર્શનિકો વૈરાગ્ય માને છે. તત્ત્વનું જ્ઞાન થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એમ પણ તેઓ કહે છે. શમ, દમ થયા પછી જ્ઞાન દ્વારા મોક્ષ મેળવી આપવાનું કારણ વૈરાગ્ય છે એમ શંકરાચાર્ય કહે છે.
ધાર્મિક જીવનમાં વૈરાગ્યનું સ્થાન : ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ કે નીતિ એ આવશ્યક પાસાં છે અને આ ત્રણેને સિદ્ધ કરવા માટે ઇન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે એ સ્વાભાવિક છે. ગીતા કહે છે તેમ આ જાતનો નિગ્રહ વૈરાગ્યથી શક્ય બને છે. વૈરાગ્ય એટલે વિષયભોગમાં અનાસક્તિ. ધાર્મિક જીવનમાં જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્ય જગતનાં દુઃખોના કંટાળામાંથી જન્મેલો નથી હોતો, પણ પરમાત્મા અને જગતના પદાર્થોના સ્વરૂપના સાચા જ્ઞાનમાંથી જન્મેલો હોય છે. યોગસૂત્રકારે પાડેલા ‘અપર’ અને ‘પર’ એવા વૈરાગ્યના બે ભેદ સમજાવતાં જૈન વિદ્વાન ઉપાધ્યાય યશોવિજયજી લખે છે કે વિષયમાં રહેલા દોષો જોઈને થયેલો વૈરાગ્ય ‘અપર’ છે, જ્યારે વિષયસ્વરૂપ – દર્શનજન્ય વૈરાગ્ય ‘પર’ વૈરાગ્ય છે. ધાર્મિક જીવન માટે જે વૈરાગ્યની જરૂર છે તે ‘પર’ વૈરાગ્ય છે. આ પ્રકારના વૈરાગ્યવાળો માણસ વિવેકી અને તેથી અનાસક્ત હોય છે. દુન્યવી સુખદુઃખના પ્રવાહમાં તે ભાન ભૂલીને ઘસડાતો નથી. આથી કિશોરલાલ મશરૂવાળા લખે છે કે ‘જે વિચારશીલ માણસ એમ જુએ કે ઘડપણ, મરણ, રોગ, પ્રિયજનોનો વિયોગ અને અપ્રિયનો યોગ – એ પાંચ વિપત્તિઓ અનિવાર્ય છે અને આ વિપત્તિઓ આવે ત્યારે જેની ધીરજ ડગે નહિ તેનામાં વૈરાગ્ય છે એમ કહી શકાય.’ વિવેક ઉપરાંત સાદાઈ, નમ્રતા, તપપ્રિયતા વગેરે ગુણો પણ વૈરાગ્યના વ્યાપક અર્થમાં સમાઈ જાય છે. આ બધા ગુણો ધાર્મિક જીવનમાં અનિવાર્ય છે, આથી પ્રત્યેક ધર્મમાં વૈરાગ્યને પોષક એવાં તપ અને સંયમપ્રધાન વ્રતોનો મહિમા સ્વીકારવામાં આવે છે.
કે. કા. શાસ્ત્રી
પ્રવીણચંદ્ર પરીખ