વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ (જ. 22 મે 1918, શાપુર, તા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર) : સમર્થ ગણિતજ્ઞ, આજીવન સંનિષ્ઠ શિક્ષક, સાપેક્ષવાદના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંશોધનકાર અને કુશળ વહીવટકર્તા. ગણિતશાસ્ત્ર તેમનું શિક્ષણક્ષેત્ર હોવાની સાથે તેઓનું સંશોધનક્ષેત્ર ભૌતિકવિજ્ઞાન પણ રહ્યું.
પિતાશ્રી ચુનીલાલ વૈદ્યનાં ત્રણ સંતાનોમાં તેઓ સૌથી નાના. પિતાશ્રી તાર-ટપાલ ખાતામાં સરકારી નોકરી કરતા હતા એટલે તેમનું બાળપણ શાપુર, દામનગર, ધોલેરા અને રાણપુર ખાતે વ્યતીત થયું. તેમનું કુટુંબ સંસ્કારી નગરી ભાવનગરમાં દસ વર્ષ રહ્યું. અહીં રહીને તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું. મૅટ્રિક સુધીનો અભ્યાસ તેમણે ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો. 1934માં તેઓ મૅટ્રિક થયા. ઉચ્ચશિક્ષણ મુંબઈની (તત્કાલીન રૉયલ) ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાંથી મેળવ્યું. 1938માં ગણિતશાસ્ત્ર સાથે બી.એસસી.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે અને 1940માં એમ.એસસી.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે મેળવી. એમ.એસસી.માં તેમણે સાપેક્ષવાદનો વિષય રાખ્યો હતો. આથી તેઓ બનારસ યુનિવર્સિટીના ગણિતના ખ્યાતનામ પ્રાધ્યાપક વિષ્ણુ વાસુદેવ નારલીકરના સાન્નિધ્યમાં સાપેક્ષવાદ પરત્વેની સંશોધન-તાલીમ લીધી.
ભાવનગરના સાંસ્કારિક વાતાવરણ અને સ્વાતંત્ર્ય-સંગ્રામની તેમના ઉપર ઘેરી અસર પડી હતી. ગાંધીજીના સિદ્ધાંતો અને ખાદી ગ્રહણ કર્યાં. ખાદી-ગ્રહણનો તેમનો નિર્ણય સ્વદેશીપણાની ભાવના વ્યક્ત કરે છે. આ સાથે ક્રાંતિવીર સરદાર પૃથ્વીસિંહે સ્થાપેલી વ્યાયામશાળામાં શારીરિક ઘડતરની તાલીમ લીધી.
અનુસ્નાતક ઉપાધિ મેળવ્યા બાદ તુરત જ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં ગણિતના વ્યાખ્યાતાની નોકરી મળી. આ સમયે ગાંધીજીએ સત્યાગ્રહની હાકલ કરી ત્યારે સરદાર પૃથ્વીસિંહ (નવું નામ ‘સ્વામીરાવ’) તેમાં જોડાયા. ગાંધીજીના આશીર્વાદથી સ્વામીરાવે મુંબઈમાં અહિંસક વ્યાયામ સંઘની સ્થાપના કરી. વૈદ્યસાહેબ 1941માં આ સંઘમાં જોડાયા અને તેનું બે વર્ષ સંચાલન કર્યું.
1943થી 1947 સુધી તેમણે સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. એક વર્ષ પછી મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં હોમી ભાભાના સહયોગથી પીએચ.ડી. અંગેનું સંશોધનકાર્ય કર્યું. 1948થી 1955 સુધી વલ્લભવિદ્યાનગરની વી. પી. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે રહ્યા. આ દરમિયાન તેમણે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1955માં ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ત્યાં અનુસ્નાતક શિક્ષણને સંગીન પાયા પર મૂક્યું. ત્યારબાદ વિસનગર કૉલેજના આચાર્ય તરીકે કામગીરી બજાવી. થોડાક મહિના બાદ ગુજરાત યુનિવર્સિટીમાં નવા નવા શરૂ થતા અનુસ્નાતક ગણિતવિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. અહીં રહીને તેમણે સંશોધનપ્રવૃત્તિને સારો એવો વેગ આપ્યો.
1971માં તેઓ ગુજરાત પ્રજાસેવા પંચ(GPSC)ના અધ્યક્ષ, ત્યારબાદ 197778 દરમિયાન દિલ્હી ખાતે સંઘ પ્રજાસેવા પંચ(UPSC)ના સભ્ય અને 197880 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમણે સેવાઓ આપી. આ તમામ તબક્કે તેમણે તેમની વહીવટી દક્ષતા અને પારદર્શકતાનો સૌને પરિચય કરાવ્યો.
સાપેક્ષવાદ તેમના સંશોધનનો વિષય રહ્યો. આઇન્સ્ટાઇને 1915માં સાપેક્ષવાદનો વ્યાપક સિદ્ધાંત આપ્યો હતો. આ સિદ્ધાંત મુજબ, ગ્રહોની ગતિ ચોક્કસ રીતે જાણવા માટે સૂર્યનું ગુરુત્વાકર્ષણક્ષેત્ર જાણવું અનિવાર્ય છે. શ્ર્વોર્ત્શીલ્ડ નામના વિજ્ઞાનીએ 1915માં સૂર્યનું ગુરુત્વાકર્ષણક્ષેત્ર ગણી શકાય તેવો આઇન્સ્ટાઇનના સમીકરણનો ઉકેલ આપ્યો, પણ આ ઉકેલમાં સૂર્યને અપ્રકાશિત (ઠંડો પિંડ) ધારવા(ગણવા)માં આવ્યો હતો. એટલે કે સૂર્યમાંથી ઉત્સર્જિત થતાં પ્રકાશ, ગરમી અને શક્તિ(radiation)ની અસર ગણતરીમાં લેવામાં આવી નહોતી. વૈદ્યસાહેબે સૂચવ્યું કે સૂર્યને કિરણોત્સારી (radiating) તારા તરીકે લઈને આઇન્સ્ટાઇનના સમીકરણનો ઉકેલ મેળવવો જોઈએ. સૂર્યને અપ્રકાશિત (ઠંડો પિંડ) ગણતાં તેનું દ્રવ્યમાન અચળ ગણવામાં આવેલ. વૈદ્યસાહેબના ખ્યાલ મુજબ સૂર્યને કિરણોત્સારી લેતાં, જેમ જેમ તેમાંથી કિરણો બહાર જાય છે, તેમ તેમ તેમાંથી શક્તિ બહાર ફેંકાતી જાય છે. આથી સૂર્યના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ફેર પડે છે. અલબત્ત, આ ફેર અતિ સૂક્ષ્મ હોય છે. આ ગણતરીમાં કેટલાંક સમીકરણ નારલીકરસાહેબે અને કેટલાંક વૈદ્યસાહેબે મેળવ્યાં હતાં. નારલીકરસાહેબે આ સંશોધનલેખ વૈદ્યસાહેબના નામે પ્રગટ કર્યો, કારણ કે તેમના મત મુજબ આ ખ્યાલ મૂળ વૈદ્યસાહેબનો હતો. આ ઉકેલ ‘વૈદ્યઉકેલ’ તરીકે ખ્યાતનામ બન્યો. આ સંશોધનલેખ 1943માં લંડનની રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીમાં પ્રકાશન માટે મોકલ્યો. તે સમયે આ લેખનો અસ્વીકાર થયો. ત્યારબાદ આ લેખ 1951માં ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝના સામયિકમાં પ્રગટ થયો. શ્ર્વોર્ત્શીલ્ડે સૂર્યને અપ્રકાશિત જ્યારે વૈદ્યસાહેબે તેને પ્રકાશિત (કિરણોત્સારી) તારો ગણ્યો. તે છતાં બંનેના ઉકેલમાં ઝાઝો ફેરફાર દેખાયો નહિ. વૈદ્યસાહેબની ગણતરી પ્રમાણે કોઈ પણ ગ્રહણ શ્ર્વોત્શીર્ર્લ્ડના ગણેલા સમય કરતાં એક સેક્ધડના દસ લાખમા ભાગ જેટલું મોડું થાય. સમયનો આટલો સૂક્ષ્મ તફાવત કોઈ પણ રીતે ઘડિયાળ વડે નોંધવો લગભગ અશક્ય છે. આથી વૈદ્ય-ઉકેલ વીસથી વધુ વર્ષ માટે કોલ્ડ સ્ટોરેજમાં રહ્યો.
1963માં ક્વેઝાર (quasi-stellar objects આપણી આકાશગંગાની બહારના ખગોલીય પદાર્થો) અને 1967માં પલ્સાર[ખૂબ ઝડપથી પ્રચક્રણ (spining) કરતા અને X-કિરણોનું ઉત્સર્જન કરતા ખગોલીય પદાર્થો]ની શોધ થઈ. સૂર્ય કરતાં અનેકગણા પ્રકાશનું ઉત્સર્જન આ પદાર્થો કરે છે. ઉપરાંત તેમનું ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર સૂર્યના ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર કરતાં લાખોગણું વધારે હોય છે. આવા પ્રચંડ ગુરુત્વાકર્ષીય ક્ષેત્રની ગણતરી તો વૈદ્ય-ઉકેલથી જ થઈ શકે. 1943માં અસ્વીકૃત બનેલા વૈદ્ય-ઉકેલ તરફ સૌનું ધ્યાન ગયું. 1964માં યુ.એસ.ના ટૅક્સાસમાં મળેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ ઉકેલ ઉપર પૂરા બે કલાક ચર્ચા થઈ. ત્યારબાદ ‘વૈદ્ય-ઉકેલ(મૅટ્રિક)’નું મહત્ત્વ ભૌતિક અને ખગોળવિજ્ઞાનના ક્ષેત્રે વધી ગયું. આજે ઉચ્ચ ખગોળ ભૌતિકીમાં વૈદ્ય-ઉકેલનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાય સંશોધનલેખોમાં તેનો ઉપયોગ થતાં તે વૈજ્ઞાનિક જગતમાં પ્રમાણિત થઈ ચૂક્યો છે. આ રીતે વૈદ્યમૅટ્રિક્ધો સ્વીકૃતિ મળતાં 20થી 21 વર્ષ લાગ્યાં.
ભારતમાં સાપેક્ષવાદનો પાયો નાખી સંશોધન-પ્રવૃત્તિ વિસ્તૃત કરવામાં વૈદ્યસાહેબ અને કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજના પ્રાધ્યાપક અમલકુમાર રાયચૌધુરી મોખરે છે. તેમના કાર્યની કદરરૂપે ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ જનરલ રિલેટિવિટી ઍૅન્ડ ગ્રૅવિટેશન (IAGRG) તરફથી ‘વૈદ્ય-રાયચૌધુરી’ એન્ડાઉમેન્ટ એવૉર્ડ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણના ક્ષેત્રે ગણિતના અભ્યાસક્રમમાં આમૂલ પરિવર્તન કરીને બુદ્ધિગમ્ય બનાવવા તેમણે ભારે જહેમત ઉઠાવી છે. ગુજરાતને સફળ ગણિતશાસ્ત્રી અને શિક્ષણવિદ તરીકે અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું છે. ગુજરાત ગણિતમંડળની સ્થાપના કરીને તેમણે ગણિત માટેનું શૈક્ષણિક વાતાવરણ તૈયાર કર્યું છે. આ બધાના ફળસ્વરૂપે 1963માં ગણિતનું સામયિક ‘સુગણિતમ્’ શરૂ કર્યું. વળી 1990માં ‘બૉના મૅથમેટિકા’ ત્રૈમાસિક શરૂ કર્યું છે. બંને સામયિકો ગુજરાતના ગણિતરસિકોના રસનું સંવર્ધન કરે છે.
ગુજરાતમાં ગણિત અને વિજ્ઞાનના સાચા અને સમય-સંગત શિક્ષણ માટે અને તેને સફળ બનાવવા માટે વૈદ્યસાહેબ અને ડૉ. વિક્રમ સારાભાઈએ ભારે ચિંતન કરી સઘન પ્રયાસો કર્યા છે.
તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનો પૂરી દક્ષતા સાથે ઉપયોગ કરતા હોય છે. માતૃભાષા એમને મન એક મૂલ્ય છે. આથી તેઓ પોતાનાં જ્ઞાન, ચિંતન અને વિચારોને ગુજરાતી ભાષામાં વ્યક્ત કરે છે. આ રીતે ગુજરાતી ભાષાની તેઓ અનોખી સેવા કરી રહ્યા છે. ગણિતશિક્ષણના પ્રસંગોને આલેખતું રસપૂર્ણ શૈલીવાળું પુસ્તક ‘ચૉક અને ડસ્ટર’, ‘પસ્તીનાં પાનાં’નું વિશિષ્ટ ડાયરીસ્વરૂપ નોંધપાત્ર છે. ગુજરાત સરકારે 1993માં ડૉ. વિક્રમ સારાભાઈ ગૌરવ પુરસ્કારથી તેમને નવાજ્યા હતા.
વળી, ‘યંત્રવિદ્યા’નું સરળ પાઠ્યપુસ્તક, ‘જ્ઞાનગંગોત્રી’ના અન્ય લેખકો સાથે ‘ગણિતદર્શન’, ‘દશાંશપદ્ધતિ શા માટે ?’, ‘નવું ગણિત શું છે ?’ અને ‘દાદાજીની વિજ્ઞાનવાર્તાઓ’ જેવાં પુસ્તક-પુસ્તિકાઓ લખી બાળકોથી માંડી બ્રહ્માંડવિજ્ઞાનના રસિકો સુધી વિશાળ પટ ઉપર તેમણે ગુજરાતીમાં ગણિતવિજ્ઞાનનું સાહિત્ય રજૂ કર્યું છે.
તેમનો સમગ્ર પરિવાર વિદ્યાનુરાગી છે. તેમની સંશોધનસિદ્ધિઓના કારણે તેમણે દેશ અને પરદેશની કેટલીક યુનિવર્સિટીઓને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. આ સાથે ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી (INSA) અને ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફેલો પણ તેઓ થયા છે. ગૂજરાત વિદ્યાપીઠ અને વેડછી આશ્રમ જેવી ગાંધી સંસ્થાઓ સાથે પણ ઉચ્ચ કક્ષાએ તેઓ સંકળાયેલા રહ્યા છે. ઇન્ડિયન મૅથમૅટિકલ સોસાયટી, ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર રિલેટિવિટી ઍન્ડ ગ્રૅવિટેશન વગેરે સંસ્થાઓના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
શિવપ્રસાદ મ. જાની
પ્રહલાદ છ. પટેલ