વૈદ્ય જુગતરામ શંકરપ્રસાદ ભટ્ટ

February, 2005

વૈદ્ય જુગતરામ શંકરપ્રસાદ ભટ્ટ : ઝંડુ ફાર્મસી સાથે સંકળાયેલા વિખ્યાત વૈદ્ય. જામનગરના મહારાજા રણમલ જામના રાજવૈદ્ય વિઠ્ઠલ ભટ્ટના પુત્ર ઝંડુ ભટ્ટજીના પૌત્ર. તેઓ દાદા ઝંડુ ભટ્ટજી તથા પિતા શંકરપ્રસાદ પાસેથી આયુર્વેદનું જ્ઞાન મેળવીને વૈદ્ય બનેલા. પણ તેમને વધુ રસ હતો ઔષધનિર્માણ(ફાર્મસી)માં. આ વિષયમાં વિશિષ્ટ અને વધુ જ્ઞાન-અનુભવ મેળવવા જુગતરામભાઈએ રાજકોટ કેમિકલ લૅબોરેટરીમાં પ્રોફેસર તરીકે કામ કરતા ‘લી’ જેવા તે સમયના ખાસ જાણકાર-અનુભવી વિજ્ઞાની પાસે કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્રી) અને ફાર્મસી(ઔષધનિર્માણશાસ્ત્ર)ની ખાસ તાલીમ મેળવી, આયુર્વેદિક ઔષધનિર્માણ માટે સુસજ્જતા પ્રાપ્ત કરી.

તે પછી ગુજરાતની અને રાષ્ટ્રની પ્રજા માટે શુદ્ધ, શાસ્ત્રોક્ત અને આધુનિક નિર્માણપદ્ધતિએ બનેલા ઉત્તમ આયુર્વેદિક ઔષધોનું આધુનિક યંત્રોની મદદથી મોટા પાયે નિર્માણ અને વિતરણ કરવાનો સંકલ્પ કર્યો. દાદાજી ઝંડુ ભટ્ટજી જામનગરની રસાયનશાળામાં જે ઔષધો બનાવતા તે સમગ્ર રાજ્યની પ્રજાને કે વિશાળ સમુદાયને ઉપલબ્ધ થઈ શકતાં નહોતાં.

તેથી અનેક મુશ્કેલીઓને પાર કરી, ઘણું મોટું આર્થિક રોકાણ કરીને વૈદ્ય જુગતરામભાઈએ સને 1910માં ઑક્ટોબર માસમાં મુંબઈમાં પોતાના દાદા ઝંડુ ભટ્ટજીના નામને અમર કરવા ને તેમનું ઋણ કંઈક અંશે અદા કરવાના હેતુથી ‘ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સ’ની સ્થાપના કરી. એ સમયે મુંબઈમાં આજની જેમ વીજળીનો વપરાશ મોટા પાયે થતો નહોતો. તેથી ફાર્મસીમાં સ્ટીમ એન્જિનોથી યંત્રો ચલાવવાની તેમણે શરૂઆત કરેલી. એ સમયે ગુજરાત-મહારાષ્ટ્ર(મુંબઈ)માં સ્ટીમ એન્જિન(વરાળયંત્ર)થી ચાલતું દેશી (આયુર્વેદિક) દવાઓ બનાવનારું એ પ્રથમ કારખાનું (ફાર્મસી) હતું. વૈદ્ય જુગતરામભાઈએ પોતાના દાદાના ઔષધનિર્માણના આદર્શને વળગી રહી ઔષધો બનાવવા માટેની શુદ્ધ, શાસ્ત્રીય અને સુનિશ્ચિત પદ્ધતિઓને જ અપનાવી, વિશાળ પાયે તેમનું નિર્માણ કરી મોટાં-નાનાં શહેરોમાં તેમની વેચાણવ્યવસ્થા ગોઠવી વિશાળ જનતાને તે ઉપલબ્ધ કરાવ્યાં. આ પૂર્વે ગુજરાતમહારાષ્ટ્રમાં આવી કોઈ ઉત્તમ વ્યવસ્થા કે ફાર્મસી નહોતી. તે ઉપરાંત વૈદ્ય-ડૉક્ટરો માટે ઔષધોનાં ગુણધર્મો અને ઉપયોગ વિશે માર્ગદર્શન આપતું સૂચિપત્ર અને આયુર્વેદની સાથે આધુનિક ચિકિત્સાના ઉપયોગી અંશોનો સમન્વય કરી ‘આયુર્વેદિક ચિકિત્સા-સાર’ નામનું પુસ્તક અને 1914માં ચિકિત્સાજ્ઞાનના શૂન્યાવકાશ-સમયે પ્રગટ કરી ઘણી ઉત્તમ ને ઉપયોગી સેવા કરી. એ પુસ્તકમાં રોગોનાં 3 ભાષામાં નામો, પરિચય અને ઉપાય દર્શાવવા સાથે, ચિકિત્સકોને ઉપયોગી અનેક બાબતોનું માર્ગદર્શન ઉપરાંત દરેક ઔષધિના પૂરા ગુણધર્મો તથા દર્દો અને ઔષધિઓની અનુક્રમણિકા આપેલી છે. આ પુસ્તકની અનેક આવૃત્તિઓ થયેલી અને તેણે વૈદ્યોની ઘણી સેવા કરેલી.

આમ વૈદ્યશ્રી જુગતરામ શંકરપ્રસાદ ભટ્ટે ગુજરાત-મુંબઈમાં સર્વપ્રથમ આયુર્વેદિક ફાર્મસીની સ્થાપના કરી. આયુર્વેદિક ઉત્તમ ઔષધો પ્રજાને જોઈએ તેટલા નાના-મોટા પૅકિંગમાં ઉપલબ્ધ કરાવ્યાં. આસવ, અરિષ્ટ, ચૂર્ણ, વટી-ગુટી, તેલ, ઘી, મલમ, અવલેહ જેવાં ઔષધિનાં બધાં સ્વરૂપોમાં આયુર્વેદિક દવાઓ પ્રજાને ઉપલબ્ધ કરાવવાનો પ્રથમ યશ તેમણે પ્રાપ્ત કર્યો. આજે વૈદ્ય જુગતરામભાઈની ‘ઝંડુ ફાર્મસી’ કરોડો રૂપિયાનાં ઔષધો નિર્માણ કરી પ્રજાને આપે છે. આજે 93 વર્ષે પણ ગુજરાતની પ્રજાને બીજી અસંખ્ય ફાર્મસીઓની હરીફાઈમાં ‘ઝંડુ ફાર્મસી’ની દવાઓમાં પૂર્ણ વિશ્ર્વાસ તથા આદર છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા