વૈદ્ય, ચિંતામણ વિનાયક (ડૉ.) (. 18 ઑક્ટોબર 1861, કલ્યાણ, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર; . 20 એપ્રિલ 1938, કલ્યાણ) : ગ્વાલિયર રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ, વિવિધ શાસ્ત્રોના વિદ્વાન અને દેશભક્ત. ચિંતામણ ઉર્ફે નાનાસાહેબનો જન્મ વિનાયક બાપુજી વૈદ્ય નામના વકીલને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં અને હાઈસ્કૂલનું શિક્ષણ અંગ્રેજી ભાષામાં લીધું હતું. તેમણે બૉમ્બે યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા 1877માં પાસ કરી અને તેમાં પ્રથમ ક્રમે આવી બધાં ઇનામો તથા શિષ્યવૃત્તિઓ મેળવી. યુનિવર્સિટી-શિક્ષણ માટે મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા, અને 1880માં બી.એ. થયા તથા એલિસ પ્રાઇઝ અને એડિનબરો ફેલોશિપ મેળવ્યાં. તેમણે 1882માં ગણિતશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી સાથે ચાન્સેલરનો ઍવૉર્ડ મેળવ્યો. મુંબઈની ગવર્નમેન્ટ લૉ સ્કૂલમાંથી 1883માં એલએલ.બી.ની પરીક્ષામાં પ્રથમ ક્રમે આવ્યા. તેને બીજે વર્ષે તેમને આનૉર્લ્ડ સ્કૉલરશિપ મળી.

ઈ. સ. 1885માં નાનાસાહેબ મુનસફ તરીકે સરકારી નોકરીમાં જોડાયા; પરંતુ તે પછી થોડા સમયમાં વકીલાત શરૂ કરી. ઈ. સ. 1887માં ઉજ્જૈનના સેશન્સ જજ તરીકે અને 1895માં ગ્વાલિયરના મહારાજાના જ્યુડિશિયલ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. છેલ્લે તેઓ ગ્વાલિયર રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા. આ દરમિયાન બ્રિટિશ સરકારે તેમને ‘રાવબહાદુર’નો ઇલકાબ આપ્યો હતો.

નાનાસાહેબે ભારતીય અને પાશ્ર્ચાત્ય તત્વજ્ઞાનનો, સાહિત્ય અને ધર્મનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. રામાયણ અને મહાભારતનો તેમણે જીવનભર અભ્યાસ કર્યો. આ મહાકાવ્યોના અભ્યાસમાં તેમના પ્રદાનને કારણે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે તેમને 1905માં ‘ભારતાચાર્ય’નું બિરુદ આપ્યું હતું. ઈ. સ. 1908માં તેઓ પુણેમાં ભરાયેલા મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલનના પ્રમુખ તથા મુંબઈમાં ભરાયેલા મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયના વાર્ષિક અધિવેશનના પ્રમુખ ચૂંટાયા હતા. તેમણે ઉજ્જૈનના નારાયણ શાસ્ત્રી જોષી પાસે જ્યોતિષનો, ગ્વાલિયરના રામશાસ્ત્રી હાર્ડિકર પાસે વેદાંતના તત્વજ્ઞાનનો, પંડિત વી. એન. ભાતખંડે પાસે હિંદુસ્તાની સંગીતનો તથા અમીરખાન પાસે સિતારનો અભ્યાસ કર્યો હતો.

તેઓ પોતાના વિસ્તૃત અભ્યાસ અને ટિળક જેવા નેતાઓ સાથેના ઘનિષ્ઠ સંપર્કને લીધે સમકાલીન ભારતીય સમાજ અને રાજકારણ વિશે પ્રગતિશીલ અને ઉદ્દામવાદી વિચારોથી માહિતગાર થયા હતા. તેમણે વિધવાવિવાહની હિમાયત કરી, બાળલગ્નોને વખોડી કાઢ્યાં અને યોગ્ય સુધારા સહિત વેદોમાં જણાવેલ હિંદુ ધર્મની તરફેણ કરી હતી.

તેમણે ટિળકની સાથે પ્રવાસ કર્યો અને સ્વદેશી, રાષ્ટ્રીય શિક્ષણ, સ્વરાજ અને દારૂબંધી વિશે ભાષણો કર્યાં. તેમણે ઈ. સ. 1908માં પુણે જિલ્લાના તાલેગાંવમાં આશ્રમ અને 1922માં પુણેમાં ટિળક મહાવિદ્યાલયની સ્થાપના કરી. અહીં તેમણે પોતે કેટલોક સમય સંસ્કૃત ભણાવ્યું. આ સંસ્થાએ તેમને ‘વિદ્વત્કુલશેખર’ના ખિતાબથી નવાજ્યા.

ઈ. સ. 1905માં નાનાસાહેબ લોકમાન્ય ટિળકના લોકશાહી જૂથમાં જોડાયા; અને 1907માં સૂરતની કૉંગ્રેસ પર કબજો જમાવવા માટે, ટિળકના મુખ્ય સાથી બન્યા હતા. ઈ. સ. 1920-21માં તેઓ ગાંધીજીના અનુયાયી બન્યા અને અહિંસક રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિય ભાગ ભજવવા લાગ્યા. નાનાસાહેબે મજૂરોની કામ દરમિયાનની સ્થિતિ સુધારવાની અને દલિતોનું જીવનધોરણ ઊંચે લાવવા જમીન અંગેના સુધારા કરવાની હિમાયત કરી.

આમ છતાં, ડૉ. વૈદ્યની પ્રતિષ્ઠા જાહેર જીવનમાં તેમના પ્રદાન કરતાં તેમની વિદ્વત્તાને કારણે વધુ હતી. તેમણે મહાભારતનો અનુવાદ કર્યો, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ શોધ્યો, ‘દૂરદૈવી રગુ’ નામની નવલકથા લખી અને ઐતિહાસિક ઘટના પર આધારિત ‘પૃથ્વીરાજ સંજોગિતા’ નામનું નાટક લખ્યાં હતાં. પાછલાં વરસોમાં મરાઠા ઇતિહાસમાં તેઓ રસ લેતા હતા. નાનાસાહેબના આખરના દિવસો નિરાશાજનક હતા. તેમની બે પત્નીઓ ગુજરી ગઈ અને દીકરાઓ સાથે કેટલીક મુશ્કેલીઓ હોવાથી તેઓ દુ:ખી થયા; પરંતુ તે વિવિધ વિષયો અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ધર્મ વગેરે વિશે લખતા રહીને સક્રિય રહેતા હતા.

જયકુમાર ર. શુક્લ