વૈદ્ય, એ. એસ., જનરલ (નિવૃત્ત) (જ. 27 જાન્યુઆરી 1926, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 1986, પુણે) : ભારતીય લશ્કરના બાહોશ સેનાપતિ અને પૂર્વ સ્થલ-સેના-અધ્યક્ષ. આખું નામ અરુણ શ્રીધર વૈદ્ય. માતાનું નામ ઇન્દિરા. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1944માં ભારતના લશ્કરના સૌથી નીચલી પાયરીના અધિકારી સેકન્ડ લેફ્ટનન્ટના હોદ્દા સાથે સેનામાં જોડાયા અને બેતાલીસ વર્ષની ઉજ્જ્વળ કારકિર્દી દ્વારા સર્વોચ્ચ સેનાપતિના પદ સુધી પહોંચ્યા. શરૂઆતમાં બખ્તરબંધ સંગઠિત દળ(armoured corps)માં સૈનિક કારકિર્દીની શરૂઆત કરી. 1945માં રૉયલ ડેક્કન હૉર્સમાં સેવાઓ આપી. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના અંતિમ તબક્કામાં બર્મા(હાલનું ‘મ્યાનમાર’)માં પ્રવેશવા માટે બ્રિટિશ લશ્કરની ટુકડીને તેમણે સફળ નેતૃત્વ પૂરું પાડ્યું. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ડેક્કન હૉર્સના સેનાપતિ તરીકે પશ્ચિમ ભારતમાં પાકિસ્તાન સામે યુદ્ધ ખેલતી ટુકડીના વડાની રૂએ ખેમકરણ સેક્ટરમાં અપૂર્વ શૌર્ય દાખવ્યું; જેમાં પાકિસ્તાનની સિત્તેર જેટલી અમેરિકી બનાવટની પૅટન ટૅન્કોનો એક જ ફટકામાં સફાયો થયો હતો ત્યારથી આ રણભૂમિને ‘પૅટન ટૅન્કની કબર’ નામ મળ્યું છે, જેનો જશ બ્રિગેડિયર વૈદ્યની વિચક્ષણ વ્યૂહરચના અને કૌશલ્યને ફાળે જાય છે. આ શૌર્ય માટે તેમને મહાવીર ચક્ર (MVC) એનાયત થયું હતું. તે પૂર્વે 1969માં તેમને ભારતના ઉત્તર-પૂર્વમાં ચીન દ્વારા પ્રશિક્ષિત નાગા બંડખોરોને ખાળવાની કામગીરી માટે અતિવિશિષ્ટ સેવા મેડલ (AVSM), 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં રાજસ્થાનના શકરગઢ સેક્ટરમાં રણકૌશલ્ય દાખવવા માટે મહાવીર ચક્ર તથા 1983માં પરમ વિશિષ્ટ સેવા મેડલ(PVSM)થી સન્માનવામાં આવ્યા હતા. બે વાર મહાવીર ચક્ર મેળવનાર બહુ જૂજ ભારતીય લશ્કરી અધિકારીઓમાં જનરલ વૈદ્યનો સમાવેશ થાય છે.
ભારતીય લશ્કરમાં તેમણે જે વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કર્યા હતા તેમાં બ્રિગેડિયર-જનરલ સ્ટાફ, આર્મર્ડ ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GOC); ડિરેક્ટર, મિલિટરી ઑપરેશન્સ; ભારતીય લશ્કરના ચીફ ઑવ્ સ્ટાફ; સધર્ન કમાન્ડના સરસેનાપતિ; આર્મર્ડ કોરના કમાન્ડન્ટ; માસ્ટર-જનરલ ઑવ્ ઑર્ડ્નન્સ તથા ભારતના રાષ્ટ્રપતિના મુખ્ય લશ્કરી અંગરક્ષક (Principal Honorary Army ADC to President of India) જેવા હોદ્દાઓનો સમાવેશ થાય છે.
પંજાબમાં આતંકવાદ ખાળવા ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ નામથી વિવાદાસ્પદ બનેલા લશ્કરી અભિયાન વખતે જનરલ વૈદ્ય સ્થળ- સેનાધ્યક્ષનું પદ ધરાવતા હોવાથી તે અભિયાનની સમગ્ર વ્યૂહરચના તેમના માર્ગદર્શન હેઠળ ઘડવામાં આવી હતી, જે પોતાનું ધ્યેય હાંસલ કરવામાં સફળ નીવડી હતી; પરંતુ નિવૃત્તિ પછી પુણે ખાતે પંજાબના ખાલિસ્તાન તરફી બે ખૂંખાર આતંકવાદીઓએ તેમના પર ગોળીઓની વૃદૃષ્ટિ કરીને ધોળે દિવસે તેમની હત્યા કરી હતી અને આ રીતે આ બાહોશ સેનાપતિના જીવનનો કરુણ અંત આવ્યો હતો. આ જઘન્ય કૃત્ય બદલ પાછળથી બંને આતંકવાદીઓને ફાંસીના માચડે ચઢાવવામાં આવ્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે