વૈદ્ય, અરુણભાઈ . (. 14 ઑક્ટોબર, 1935, જામનગર) : જાણીતા ગણિતશાસ્ત્રી.  જામનગરના નાગરકુટુંબમાં જન્મ. પિતાશ્રી મધુસૂદનભાઈ વૈદ્યે મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ ગણિતશાસ્ત્ર સાથે મેળવી હતી. તેમના કાકા ડૉ. પી. સી. વૈદ્ય ખ્યાતનામ ગણિતશાસ્ત્રી છે. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી અરુણભાઈએ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ – મુંબઈથી 1956માં બી.એસસી.ની પદવી ગણિતશાસ્ત્ર સાથે પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. 1958માં એમ.એસસી. ગણિતશાસ્ત્રની ઉપાધિ દ્વિતીય વર્ગમાં મેળવી. ત્યારબાદ એક વર્ષ માટે પોતે અભ્યાસ કરેલો એ જ સંસ્થામાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. પછી 1958-59માં જામનગરની ડી. કે. વી. કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. એક વર્ષ વલ્લભવિદ્યાનગર(સરદાર પટેલ યુનિવર્સિટી)માં વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. 1962થી 1965 દરમિયાન પીએચ.ડી.ના અભ્યાસ માટે યુ.એસ.એ. ગયા અને કૉલોરાડો યુનિવર્સિટીમાંથી આ ઉપાધિ મેળવી. 1964-65 દરમિયાન ટૅક્સાસ ટૅક્નૉલૉજિકલ યુનિ.માં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. સ્વદેશ પરત આવ્યા બાદ 1966-69 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી  અમદાવાદમાં ગણિત વિભાગમાં ગણિતશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે તથા 1969થી 78 દરમિયાન રીડર તરીકે કામ કર્યું. 1978-86માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી  સૂરતમાં પ્રાધ્યાપકનો હોદ્દો સંભાળ્યો. છેલ્લે 1986-95ના ગાળામાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને વિભાગીય અધ્યક્ષનો હોદ્દો સંભાળ્યો અને ગુજરાતમાં ગણિતની અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું.

અરુણભાઈ મ. વૈદ્ય

સંશોધનક્ષેત્રે તેમના માર્ગદર્શન નીચે ચાર વિદ્યાર્થીઓએ સંખ્યાશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવીઓ મેળવી. તેમના માર્ગદર્શન નીચે પંદર વિદ્યાર્થીઓએ એમ.ફિલ.ની પદવીઓ મેળવી હતી.

શિક્ષણકાર્ય અને સંશોધન ઉપરાંત અરુણભાઈએ ગણિતના સામયિક ‘સુગણિતમ્’ (1971થી….), અંગ્રેજી સામયિક ‘બોનામૅથમૅટિકા’ (1990-94) અને ‘મૅથમૅટિક્સ સ્ટુડન્ટ’(1986-92)ના તંત્રી તરીકે કામ કર્યું અને ગણિતમાં અનેકવિધ લેખો પ્રગટ કર્યા. ગુજરાત ગણિતમંડળના મંત્રી તરીકે વર્ષો સુધી તેમણે કામ કર્યું અને પ્રમુખપદ પણ સંભાળ્યું. વળી નૅશનલ બૉર્ડ ફૉર હાયરમૅથ્સના સભ્ય તરીકે, ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના ગણિતવિભાગના વિભાગીય પ્રમુખ તરીકે, અલ્લાહાબાદ મૅથમૅટિકલ સોસાયટીના ઉપપ્રમુખ તરીકે, ઇન્ટરનૅશનલ મૅથમૅટિક્સ ઑલમ્પિયાડના નૅશનલ કો-ઑર્ડિનેટર તરીકે, આઇ.એમ.એમ.ઓ.ની સ્પર્ધામાં ભારતીય ટુકડીના માર્ગદર્શક નેતા તરીકે, આઇ.એમ.ઓ.(ઇન્ટરનૅશનલ મૅથમૅટિક્સ ઑલમ્પિયાડ)માં જૂરીના ચૅરમૅન તરીકે, તેમજ મુંબઈમાં યોજાયેલી આઇ.એમ.ઓ. સ્પર્ધાના મુખ્ય સંચાલક તરીકેની જવાબદારી સંભાળી ગણિતની સિદ્ધિઓ માટે ઇન્ડિયન મૅથમૅટિક્સ ઍસોસિયેશનનો ‘ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ ઍવૉર્ડ’ પ્રાપ્ત કર્યો.

તેમણે શૈક્ષણિક હેતુસર પરદેશોની અનેક મુલાકાતો લીધી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગણિતની અનેકવિધ પ્રવૃત્તિઓમાં જવાબદારીભરી જગાઓ સંભાળી છે. સંખ્યાશાસ્ત્રના ઇન્ટરનૅશનલ સિમ્પૉઝિયમ – હંગેરી, ગણિતશાસ્ત્રની ઇન્ટરનૅશનલ કૉંગ્રેસ  કૅનેડા અને ઑસ્ટ્રેલિયા તેમજ રશિયા, ટર્કી, આર્જેન્ટિના તેમજ મુંબઈ I.M.O.માં લીડર અને સંચાલનની જવાબદારી અદા કરી છે. ગુજરાત વિશ્વકોશની શરૂઆતથી ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં સહસંપાદક તરીકેની ફરજ પણ સફળતા અને નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે નિવૃત્તિ પછી પણ ગણિતની અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય ફાળો આપતા રહ્યા છે.

શિવપ્રસાદ મ. જાની