વૈદ્ય, કૃષ્ણ બળદેવ (ડૉ.) [. 27 જુલાઈ 1927, ડિંગા, જિ. ગુજરાત (હાલ પાકિસ્તાન)] : હિંદી લેખક અને અનુવાદક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1962-66 દરમિયાન તેઓ પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં રીડર; 1966-85 દરમિયાન સ્ટેટ યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં અંગ્રેજીના પ્રાધ્યાપક; 1968-69માં બ્રાન્ડિસ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક અને 1985-89 દરમિયાન નિરાલા સૃજનપીઠ, ભારત ભવન ભોપાલના અધ્યક્ષ રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં હિંદી તેમજ અંગ્રેજીમાં 31 ગ્રંથો આપ્યા છે. તેમાં હિંદીમાં ‘ઉસકા બચપન’ (1957), ‘વિમલ ઉર્ફ જાયે તો જાયે કહાઁ’ (1974), ‘દૂસરા ન કોઈ’ (1978), ‘દર્દ લા દવા’ (1980), ‘ગુજરા હુઆ જમાના’ (1981), ‘કાલા કૉલાજ’ (1989), ‘નર-નારી’ (1996) – એ બધી તેમની જાણીતી નવલકથાઓ છે. ‘ખામોશી’ (1986), ‘આલાપ’ (1986) અને ‘પિતા કી પરછાઇયાં’ (1997) તેમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે.

તેમના અંગ્રેજી ગ્રંથોમાં ‘સ્ટેપ્સ ઇન ડાર્કનેસ’ (1962, નવલકથા, અનુવાદ), ‘ટેકનિક ઇન ધ ટેલ્સ ઑવ્ હેન્રી જેમ્સ’ (1964, વિવેચન) ઉલ્લેખનીય છે. તેમણે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ઇટાલી, યુ.એસ., બેલ્જિયમ, સ્વીડન, કૅનેડા અને અન્ય દેશોનો પ્રવાસ ખેડ્યો છે.

તેમના આવા સાહિત્યિક પ્રદાન બદલ તેમને પંજાબ સરકારના ભાષાવિભાગ દ્વારા 1993માં ‘સાહિત્ય શિરોમણિ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. વળી 1958-61 દરમિયાન તેમને સ્મિથ મુન્ત ફુલબ્રાઇટ ફેલોશિપ અને 1959-61 દરમિયાન રૉકફેલર ફેલોશિપ એનાયત કરાઈ હતી.

બળદેવભાઈ કનીજિયા