વૈદ્ય, અરવિંદ ગોપાળરાવ (જ. 3 મે 1941) : નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ખાતે. ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં નાટ્યવિદ્યાનો ડિપ્લોમા મેળવી એચ. કે. આર્ટ્સ કૉલેજના નાટ્યવિભાગમાં છ વર્ષ વ્યાખ્યાતા તરીકે કામ કર્યા પછી બે વર્ષ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં પ્રૉજેક્ટ ઑફિસર તરીકે, છ વર્ષ અમદાવાદના પ્રેમાભાઈ હોલના મૅનેજર તરીકે તથા પાંચ વર્ષ ઇસરોમાં નિર્માતા તરીકે સેવાઓ આપી. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે પણ તેમણે સેવાઓ બક્ષી છે. હાલ (2005) મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ તેમજ ટીવી અને ફિલ્મક્ષેત્રે નટ-દિગ્દર્શક તરીકે પ્રવૃત્ત છે.
‘દિવા જળૂં દે સારી રાત’ મરાઠી નાટક અને ‘નિશાચર’ ગુજરાતી નાટકમાં અભિનય થકી સન 1966માં રંગભૂમિક્ષેત્રે પદાર્પણ કરી, કાંતિ મડિયાની વિખ્યાત નાટ્યસંસ્થા ‘નાટ્યસંપદા’ના અમદાવાદ ખાતેના એકમ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહી, છેલ્લાં 40 વર્ષમાં તેમણે 130 કરતાં પણ વધારે ગુજરાતી નાટકો, 12 મરાઠી નાટકો, તથા એક હિંદી નાટકમાં અભિનય કર્યો છે તથા 5 મરાઠી નાટકો, 100 ઉપરાંતનાં ગુજરાતી નાટકો તથા 01 હિંદી નાટકનું દિગ્દર્શન કર્યું છે; જે નાટ્યસંસ્થાઓની નિશ્રામાં તેમણે અભિનય કર્યો છે તેમાં અમદાવાદ ખાતેની મહારાષ્ટ્રીયન સંસ્થાઓ ઉપરાંત ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT), યંગ થિયેટર્સ, રંગમંડળ, જવનિકા, ગુજરાત વિદ્યાસભા, દર્શન થિયેટર્સ તથા હ. કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદનો સમાવેશ થાય છે. ખ્યાતનામ ગુજરાતી નાટ્યવિદ જશવંત ઠાકર તથા વડોદરાના મરાઠી નાટ્યવિદ રામભાઊ જોશી તેમનાં પ્રેરણાસ્થાન રહ્યા છે. જે દિગ્દર્શકોના માર્ગદર્શન હેઠળ તેમણે અભિનય કર્યો છે તેમાં કાંતિ મડિયા ઉપરાંત પરેશ રાવલ, ગિરેશ દેસાઈ તથા પ્રો. પ્રભાકર મંગળવેઢેકરનો સમાવેશ થાય છે. જે જાણીતા અભિનેતા તથા અભિનેત્રીઓ સાથે તેમણે અભિનય કર્યો છે તેમાં સરિતા જોશી, પદ્માબહેન, સિદ્ધાર્થ રાંદેરિયા તથા મુકેશ રાવલ ઉલ્લેખનીય છે. તેમણે નટ-દિગ્દર્શક અને રંગકર્મી તરીકે કામ કર્યું છે. તેમણે ભજવેલાં મુખ્ય નાટકોમાં ‘રાઈનો પર્વત’, ‘રાયગઢ જ્યારે જાગે છે’, ‘પરિત્રાણ’, ‘એક ઉંદર અને જદુનાથ’, ‘અમે તમે ને રતનિયો’, ‘અમે બરફનાં પંખી’, ‘નોખી માટી ને નોખાં માનવી’, ‘ચલકચલાણું’, ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો’, ‘આપણે ક્લબમાં મળ્યા હતા’, ‘અંતિમ અધ્યાય’, ‘એક જ દે ચિનગારી’, ‘અભિષેક’, ‘આરાધના’, ‘લીલાલહેર’, ‘કોરી આંખો, ભીનાં હૈયાં’, ‘ચકડોળ’, ‘બાકી ઇતિહાસ’, ‘બાણશય્યા’, ‘મહામાનવ’, ‘સાહિબ બીબી ગુલામ’, ‘પ્લીઝ યૉર ઑનર’, ‘અઢી અક્ષર પ્રેમના’, ‘પટરાણી’, ‘અંધા યુગ’, ‘બરી ધ ડેડ’, ‘માનવીની ભવાઈ’, ‘વંધ્ય’, ‘રાતરાણી’, ‘કેમ, મકનજી ક્યાં ચાલ્યા’, ‘ઋણાનુબંધ’, ‘ઉપર ગગન નીચે ધરતી’, ‘બહોત નાચ્યો ગોપાલ’, ‘સ્નેહરંગ’, ‘આગંતુક’, ‘માનવમાત્ર અધૂરાં’, ‘શર્વિલક’, ‘મન મોતી ને કાચ’, ‘ધરમની પત્ની’, ‘ફડક’, ‘ઊંચી મેડી ને ઊંચા મોભ’, ‘અમે અહમનાં રાજારાણી’, ‘મસાલા મામી’ વગેરે ગુજરાતી નાટકો; ‘તુઝ આહે તુઝ પાશી’, ‘શાંતતા કોર્ટ ચાલૂ આહે’, ‘ઘેતલે શિંગાવર’, ‘પ્રેમા તુઝા રંગ કશા’ વગેરે મરાઠી નાટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘મીરા’ તેમણે ભજવેલું એક માત્ર હિંદી નાટક છે.
અભિનય-દિગ્દર્શન ઉપરાંત નાટ્યલેખનક્ષેત્રે પ્રવૃત્ત રહી તેમણે ‘આગમન’, ‘તે છતાંય આઇ લવ યૂ’ મૌલિક નાટકો અને ‘જળની આ ચોપાટ ખેલતાં’, ‘રાજા રાણીનો સંસાર’, ‘ખારા રે પાણીનાં અમે માછલાં’, ‘નગદ નારાયણ’, ‘સ્પર્શ’ વગેરે પોતે ભજવેલાં નાટકોનું રૂપાંતર કર્યું છે. દસેક જેટલાં ગુજરાતી-મરાઠી એકાંકી લખ્યાં છે, જેમાં ‘સાંત્વન’, ‘સંકેત’, ‘કાકા ગયા ?’, ‘કિટી પાર્ટી’, ‘માણસ-માણસ’ વગેરેનો સમાવેશ થાય છે.
‘‘મારા સાહ્ય’બાની ચૂંદડી’’, ‘દાદાને વહાલી દીકરી’ જેવી જાણીતી ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કરવા ઉપરાંત ‘ભવની ભવાઈ’, ‘કાશીનો દીકરો’, ‘હું, હુંશી ને હુંશીલાલ’, ‘રંગાઈ જા ને રંગમાં’, ‘સૂર્ય’, ‘નંદિની’, ‘ભાઈબંધી’ જેવી ગુજરાતી ફિલ્મો; ‘માયા મેમસાબ’, ‘હત્યાકાંડ’, ‘ઘાત’, ‘યાર ગદ્દાર’ જેવી હિન્દી ફિલ્મો; ‘મિ. યોગી’, ‘વક્ત કી રફતાર’, ‘કમાન્ડર’, ‘ફિફ્ટી ફિફ્ટી’, ‘દમ દમા દમ’, ‘અંદાઝ’, ‘કૅપ્ટન હાઉસ’, ‘યહી તો પ્યાર હૈ’, ‘સારેગમ જિંદગી’, ‘ખીચડી’ જેવી 100 ઉપરાંત હિન્દી ટીવી સિરિયલો; ‘નંદુ-ઇંદુ’, ‘ભલા ભૂસાનાં ભેદભરમ’, ‘હુતોહુતી’, ‘રિદ્ધિસિદ્ધિ’, ‘વિજય’, ‘અંતિમ અરણ્ય’, ‘ચાલ મારી સાથે’, ‘ઓ જિંદગી’, ‘ઓથ’, ‘હાથતાળી’, ‘શ્રીલેખા’ જેવી ગુજરાતી ટીવી સિરિયલોમાં વિવિધરંગી ભૂમિકાઓ ભજવી છે.
તેમણે 4 બહુઅંકી (full length) નાટકો પણ લખ્યા છે.
કૅન્યા, ઝિમ્બાબ્વે, ઝાંબિયા, દક્ષિણ આફ્રિકા, આરબ દેશોનો નાટ્યપ્રવાસ ખેડનાર અરવિંદ વૈદ્યે ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર, નાનુભાઈ સુરતી ફાઉન્ડેશનનો નાનુભાઈ સુરતી ઍવૉર્ડ, જર્નાલિસ્ટ ઍસોસિયેશનનો ક્રિટિક ઍવૉર્ડ મેળવ્યો છે. ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત નાટ્યસ્પર્ધામાં પાંચ વાર શ્રેષ્ઠ નટ-દિગ્દર્શક તરીકેનાં પારિતોષિકો, ગુજરાત સમાચાર – આઈ. એન. ટી. દ્વારા આયોજિત નાટ્યહરીફાઈમાં શ્રેષ્ઠ અભિનેતા-દિગ્દર્શક પારિતોષિક અને દિલ્હી ખાતે આયોજિત અખિલ ભારતીય સર્વભાષા નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ નટ-દિગ્દર્શક પારિતોષિક પ્રાપ્ત કર્યું છે.
તેમના પુત્રી વંદના વૈદ્ય (પાઠક) ચલચિત્ર તથા દૂરદર્શનની શ્રેણીઓનાં જાણીતાં કલાકાર છે તથા તેમના જમાઈ નીરજ પાઠક નાટ્ય તથા દૂરદર્શન શ્રેણીઓના જાણીતા અભિનેતા-દિગ્દર્શક છે.
મહેશ ચંપકલાલ શાહ