વૈદ્યનાથન, સી એસ (. 8 ઑગસ્ટ 1949, કોઇમ્બતૂર) :  1998થી 1999 સુધી ભારતના પ્રથમ એડિશનલ સૉલિસિટર જનરલ તથા સુપ્રીમ કોર્ટમાં સિનિયર ઍડ્વોકેટ (વરિષ્ઠ વકીલ). સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યામાં ભગવાન રામ તરફથી કે સીમાચિહ્નરૂપ રામ જન્મભૂમિ કેસમાં અરજદાર તરફથી રામલલ્લા માટે દલીલો કર્યા પછી દેશભરમાં પ્રસિદ્ધિ મેળવી. 50 વર્ષથી વધારે સમયથી ભારતની સર્વોચ્ચ અદાલત, દેશની વિવિધ હાઈકોર્ટ, વિવિધ ટ્રિબ્યૂનલ વગેરેમાં પ્રૅક્ટિસ. તાજેતરમાં ન્યાયાધીશોને ટ્રોલ કરવાના ટ્રોલ આર્મી(સોશિયલ મીડિયા)ના વલણ પર ચિંતા વ્યક્ત કરીને તેમણે ભારતીય નાગરિકોને સોશિયલ મીડિયા પર વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની સલાહ આપી. એટલું જ નહીં, રાજકીય પક્ષોના નેતાઓને ચુકાદાઓને સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં સમજ્યા વિના પ્રકારની બુદ્ધિહીન ટીકાઓ કરતી આર્મીને નિયંત્રણમાં રાખવાનું સૂચન પણ કર્યું. સાથે સાથે તેઓ આરોપીઓ પર કેસ ચલાવ્યા વિના અને ચુકાદો આવ્યા વિના તેમના ઘરો પર બુલડોઝર ચલાવવાના રાજ્ય સરકારોના વલણને પણ અનૈતિક કે અનુચિત ગણે છે.

પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક તમિલનાડુના પોલાચીમાં મેળવ્યું. મૈસૂરમાં શારદા વિલાસ કૉલેજ અને બૅંગાલુરુમાં સેન્ટ જૉસેફ કૉલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી. 1969માં મદ્રાસ લૉ કૉલેજમાં કાયદાની ડિગ્રી મેળવી અને 1970થી કાયદાકીય ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર બાદ રાષ્ટ્રીય સામાજિક વિજ્ઞાન સંસ્થા, બૅંગાલુરુમાં સામાજિક કાર્યમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ મૅનેજમેન્ટ તાલીમાર્થી તરીકે ડીસીએમ લિમિટેડમાં જોડાયા અને ચાર વર્ષ સુધી કામ કર્યું.

જૂન, 1974માં સિનિયર ઍડ્વોકેટ એમ કે નામ્બિયાર અને ભારતના પૂર્વ એટર્ની જનરલ અને સિનિયર ઍડ્વોકેટ વી કે વેણુગોપાલની લૉ ચેમ્બરમાં સામેલ થયા. 1979માં ભારતની સર્વોચ્ચ અદાલતમાં પ્રૅક્ટિસ કરવાની શરૂઆત કરી. એ જ વર્ષે ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઍડ્વોકેટ-ઑન-રેકૉર્ડ બન્યા અને 1992માં સિનિયર ઍડ્વોકેટ તરીકે પદોન્નતિ મેળવી. 1998માં તેમની દેશના પ્રથમ એડિશનલ સૉલિસિટર જનરલ તરીકે નિમણૂક થઈ, જ્યાં તેમણે અનેક સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ કેસોમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું. 1999ના અંતે ખાનગી પ્રૅક્ટિસમાં પુનરાગમન કર્યું. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાની તપાસમાં ન્યાયાધીશ જૈન પંચ સામે તેઓ તમિલનાડુ પોલીસ તરફથી હાજર થયા હતા અને 2012માં નિર્ભયા સામૂહિક બળાત્કારને પગલે કેસ ઝડપી ચલાવવા માટે અપરાધિક કાયદામાં સુધારાના સૂચનો મેળવવા સ્થાપિત ન્યાયાધીશ જે એસ વર્મા પંચમાં સામેલ હતા.

આઝાદી પછી ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં ન્યાયતંત્રની ભૂમિકાને વૈદ્યનાથન ચાવીરૂપ ગણે છે. પાંચ દાયકાથી વધારેની વકીલ તરીકેની સફરમાં વૈદ્યનાથને બંધારણીય કાયદા, માનવાધિકાર કાયદા, ધાર્મિક/વ્યક્તિગત કાયદા, વહીવટી કાયદા, નાગરિક કાયદા, વાણિજ્યિક કાયદા, પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા સાથે સંબંધિત કાયદા, સંપત્તિલક્ષી કાયદા, ટેલિકોમ કાયદા, બૌદ્ધિક સંપદા અધિકાર (પેટન્ટ, કૉપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે) જેવાં ક્ષેત્રોમાં વિવિધ કેસોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વળી આંતરરાજ્ય નદી જળવિવાદ (કાવેરી, રાવી-બિયાસ, નર્મદા, વંશધારા અને કૃષ્ણા જેવી નદીઓ) સાથે સંબંધિત કેસોમાં દલીલો કરીને ભારતના સામાજિક-રાજકીય-આર્થિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. દેશની વિવિધ કોર્ટમાં કેસોનું ભારણ વધવાથી તેઓ ચિંતિત છે.

સાથે સાથે વૈદ્યનાથન સમુદાય, શિક્ષણ, કળા, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય વગેરેમાં ઊંડો રસ ધરાવે છે. તેઓ અનેક શૈક્ષણિક, કળા, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય, સમુદાય સાથે સંબંધિત સંસ્થાઓ કે સંગઠનોના અધ્યક્ષ, મુખ્ય સંરક્ષક, ટ્રસ્ટી, સલાહકાર વગેરે છે. તેમાં ભારતીય વિદ્યા ભવન, ગંધર્વ મહાવિદ્યાલય, ષણમુગાનંદ સંગીત સભા, ગાયત્રી લલિતકળા, એસઓએસ ચિલ્ડ્રન્સ વિલેજ વગેરે સામેલ છે. પોતાના સાથી સમુદાય માટે વૈદ્યનાથન યુઆઈએ – ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ લૉયર્સના કાઉન્સેલર ડી પ્રેસિડન્ટ (પ્રમુખના સલાહકાર) અને પ્રાદેશિક સચિવ (દક્ષિણ એશિયા), બાર ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ વગેરે સ્વરૂપે તેમનાં હિતો અને ચિંતાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

વર્ષ 2025માં ભારત સરકારે જાહેરજીવનમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કર્યો હતો.

પુત્ર હરિશ વૈદ્યનાથન દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ છે.

કેયૂર કોટક