વૈદેહી (જાનકી શ્રીનિવાસ મૂર્તિ) (શ્રીમતી)

February, 2005

વૈદેહી (જાનકી શ્રીનિવાસ મૂર્તિ) (શ્રીમતી) (. 12 ફેબ્રુઆરી 1945, કુન્દાપુર, જિ. દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કન્નડ કવયિત્રી. તેમણે બી.કૉમ.ની પદવી મેળવ્યા પછી લેખનકાર્ય કર્યું. તેમણે કન્નડમાં 24 ગ્રંથો આપ્યા છે : ‘અંતરંગદા પુટગલુ’ (1984), ‘ગોલા’ (1986) અને ‘સમાજ શાસ્ત્રજ્ઞેય ટિપ્પણીગે’ (1991) તેમના વાર્તાસંગ્રહો છે. ‘બિંદુ બિંદીગે’ (1990) કાવ્યસંગ્રહ અને ‘અસ્પૃશ્યરુ’ (1992) નવલકથા છે; જ્યારે ‘ગોમ્બે મૅકબેથ’ (1992); ‘નયિમારી નાટક’ (1992) તેમના બાળકો માટેના નાટ્યસંગ્રહો છે. ‘મલ્લિનાથન ધ્યાન’ (1996) તેમનો નિબંધસંગ્રહ છે. આ ઉપરાંત તેમણે અન્ય પાંચ બાળનાટકો અને 3 નાટ્યસંગ્રહો પણ આપ્યા છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને વર્ધમાન ઉદયનમુખ ઍવૉર્ડ; કથા ઍવૉર્ડ; અનુપમ ઍવૉર્ડ; એમ. કે. ઇન્દિરા ઍવૉર્ડ અને રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા