વેસ્ટ, બેન્જામિન (. 10 ઑક્ટોબર 1738, પેન્સિલ્વેનિયા, અમેરિકા; . 11 માર્ચ 1820, લંડન) : ઐતિહાસિક, ધાર્મિક તથા પૌરાણિક વિષયોનું વાસ્તવવાદી શૈલીએ નિરૂપણ કરવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર.

બેન્જામિન વેસ્ટનું એક લાક્ષણિક તૈલચિત્ર

તરુણાવસ્થામાં તેમણે ફિલાડેલ્ફિયામાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. વીસ વરસની ઉંમરે તેમણે ન્યૂયૉર્ક નગરમાં સફળ વ્યક્તિચિત્રકાર તરીકે નામના મેળવી. 1760માં તેમણે ઇટાલીની યાત્રા કરી. 1763માં તેઓ ઇટાલીથી લંડન જઈ સ્થિર થયા. લંડનમાં વ્યક્તિચિત્રકાર તરીકે તેમણે કામ શરૂ કર્યું. લંડનમાં રાજા જ્યૉર્જ ત્રીજાએ તેમને રાજ્યાશ્રય આપ્યો. તેથી રોટલો રળવાની મજબૂરી દૂર થતાં વેસ્ટે પછી ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1771માં તેમણે ચિત્ર ‘ધ ડેથ ઑવ્ જનરલ વુલ્ફ’ સર્જ્યું, જે ઘણું વિવાદાસ્પદ થયું. તેમાં મધ્યયુગીન માનવોને આધુનિક વસ્ત્રપરિધાન કરેલાં બતાવ્યાં હોવાથી ઊહાપોહ થયો. રૉયલ એકૅડેમીના પ્રમુખ ચિત્રકાર સર જોશુઆ રેનૉલ્ડ્સે આ ચિત્રને આવકાર્યું. રેનૉલ્ડ્સ સાથે વેસ્ટને પાકી દોસ્તી પણ થઈ.

બેન્જામિન વેસ્ટે ચીતરેલું ચિત્ર : ‘કર્નલ સર ગાય જૉન્સન’

1802માં વેસ્ટ પૅરિસ ગયા. ત્યાં તેમણે તેમનું ચિત્ર ‘ડેથ ઑન ધ પેઇલ હૉર્સ’ પ્રદર્શિત કર્યું. ફ્રેંચ ચિત્રકલામાં રંગદર્શી ચળવળના વિકાસમાં આ ચિત્ર પ્રોત્સાહક નીવડ્યું. વેસ્ટ કદી વતન અમેરિકા પાછા ગયા નહિ છતાં સમકાલીન અમેરિકન ચિત્રકારો વૉશિંગ્ટન એલ્સ્ટોન, ગિલ્બર્ટ સ્ટુઅર્ટ, ચાર્લ્સ વિલ્સન પીલે અને જોન સિન્ગલ્ટન કોપ્લે ઉપર પ્રભાવ પાડી શક્યા. પરિણામે રંગદર્શી ઢબે અમેરિકન ચિત્રકારોએ ઇતિહાસ, પુરાણો અને ધર્મના વિષયોનું આલેખન કરવું શરૂ કર્યું. રૉબર્ટ સી. આલ્બટર્સે વેસ્ટની લખેલી જીવનકથા 1978માં પ્રકાશિત થઈ છે.

અમિતાભ મડિયા