વેસ્ટ, ડબ્લ્યૂ. ડી. (જ. 27 જાન્યુઆરી 1901, બૉર્નમથ, ઇંગ્લૅન્ડ; . 23 જુલાઈ 1994, ભોપાલ (.પ્ર.), ભારત) : જાણીતા ભૂસ્તરશાસ્ત્રી. આખું નામ વિલિયમ ડિક્સન વેસ્ટ. 1923માં ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ(GSI)માં જોડાયા ત્યારથી તેમણે તેમનો મોટાભાગનો જીવનકાળ ભારતમાં વિતાવેલો; એટલું જ નહિ, ભારતીય ભૂસ્તરશાસ્ત્રમાં તેમજ ભારતમાં ભૂસ્તરશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનમાં ઘણો મોટો ફાળો આપેલો. ડૉ. વેસ્ટે તેમનું શિક્ષણ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધેલું. 1920માં તેમણે નૅચરલ સાયન્સની માનાર્હ પરીક્ષા પસાર કરેલી. 1922માં વિન્ચેસ્ટર પ્રાઇઝ અને હાર્નેસ શિષ્યવૃત્તિ મેળવેલાં. 1945માં કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા ભૂવિજ્ઞાનના ક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન માટે ડૉ. વેસ્ટને ડી.એસસી.ની પદવી એનાયત કરવામાં આવેલી. છેલ્લે છેલ્લે 1990માં ભારતના ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ આપવા બદલ MBE(Member of the British Emperor)નો ખિતાબ અર્પવામાં આવેલો. 1994માં તેમનું સ્વાસ્થ્ય કથળવાથી સાગરથી તેમને ભોપાલ ખાતે ખેસવવામાં આવેલા, જ્યાં તેઓ અવસાન પામ્યા.

1923માં જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા ત્યારથી 1942 સુધીના બે દાયકા દરમિયાન તેઓ વિવિધ ભૂસ્તરીય અન્વેષણ-કાર્યમાં પરોવાયેલા રહ્યા. તેમાં નાગપુર જિલ્લાના સૉસરપટ્ટાનું અન્વેષણ, સિમલા-હિમાલયના શાલી અને તેની આજુબાજુના વિસ્તારનું નકશાકાર્ય તથા બલૂચિસ્તાનમાં ભૂકંપનો અભ્યાસ અને અફઘાનિસ્તાનમાં કોલસાનું આર્થિક અન્વેષણ વિશેષ ઉલ્લેખનીય છે. સૉસર શ્રેણીના તેમના તલસ્પર્શી અભ્યાસને કારણે પ્રાચીન પ્રોટેરોઝોઇક ખડકોમાંના અતિધસારા(દેવલાપર નૅપ)ને પ્રથમ વાર પારખવામાં તેમની દોરવણી ઉપયોગી નીવડેલી. ભૂસંચલજન્ય જીર્ણવિવૃતિ (tectonic inlier) રૂપે શાલી ધસારા હેઠળ જોવા મળતા ટર્શ્યરી ખડકોની હાજરીની તેમની શોધ વિશિષ્ટ ગણાય છે. ડેક્કન ટ્રૅપ લાવા-પ્રવાહો પરનું તેમનું કામ પણ આ ખંડીય લાવા-શ્રેણીના અભ્યાસમાં ખૂબ મદદરૂપ બની રહેલું. 1943-45 દરમિયાન તેમણે ભારતની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધેલી, તેના પરથી તેમણે ભારતીય ભૂસ્તરવિદોની તાલીમ અંગેનો તથા ભૂસ્તરીય સર્વેક્ષણ-ખાતામાં તેમની સેવાઓ લેવા અંગેનો અહેવાલ તૈયાર કરેલો. 1945ના ડિસેમ્બરમાં ડૉ. વેસ્ટ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાના ડિરેક્ટર (હવે આ હોદ્દો ડિરેક્ટર જનરલ તરીકે ઓળખાય છે.) બનેલા, આ હોદ્દા પર 1951ના જાન્યુઆરી સુધી રહેલા. આ સેવાકાર્ય દરમિયાન ખાતાનાં વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓને વિસ્તારી આપી. આ ઉપરાંત તેમણે આ ખાતાના ઉત્કર્ષ અને વિકાસ માટે રાષ્ટ્રીય ઉન્નતિના સંદર્ભમાં બે પંચવર્ષીય આયોજનો પણ કરી આપ્યાં.

ડબ્લ્યૂ. ડી. વેસ્ટ

બીજા વિશ્વયુદ્ધને કારણે ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણની પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડી; જેના પુન:સ્થાપનની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમને સોંપાઈ. સ્વતંત્ર બનેલા ભારતની ભવિષ્યની જરૂરિયાતો શું હશે તે તેઓ પામી ગયા. દીર્ઘદૃષ્ટિ વાપરીને આ ખાતા માટે ઇજનેરી ભૂસ્તરશાસ્ત્ર, ભૂગર્ભજળ, ખનિજવિકાસ ભૂભૌતિક અન્વેષણો, ખાણકાર્ય અને શારકામ જેવા નવા એકમો ઊભા કર્યા ખનિજતેલ પ્રાપ્તિ તેમજ વિરલ ખનિજોની ખોજના વિભાગો પણ શરૂ કર્યા રાષ્ટ્રીય સંદર્ભમાં આ પ્રવૃત્તિઓને વેગ મળ્યો અને એટલું બધું મહત્વ મળતું ગયું કે પછી ખનિજતેલ અને કુદરતી વાયુપંચ અને અણુઊર્જા પંચ જેવા સ્વતંત્ર વિભાગો શરૂ થયા. સ્વાતંત્ર્યપ્રાપ્તિની શરૂઆતમાં ડૉ. વેસ્ટની દીર્ઘદૃષ્ટિટએ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાની ભાવિ સફળતાનાં દ્વાર ખોલી આપ્યાં.

સાગર યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍપ્લાઇડ જિયૉલૉજી વિભાગ 1956માં નવેસરથી શરૂ થતાં તેના વડા તરીકે સેવાઓ આપવા ડૉ. વેસ્ટને આમંત્ર્યા. યુનિવર્સિટી અનુદાન પંચ(UGC)ની યોજના હેઠળ 1963માં તેમણે આ વિભાગને સેન્ટર ઑવ્ એડવાન્સ્ડ સ્ટડી ઇન જિયૉલૉજીમાં ફેરવ્યો. 1971માં સાગર યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે તેમને નિયુક્ત કરાયા. 1977માં આ પદેથી નિવૃત્ત થતાં તેમને આજીવન પ્રોફેસર એમરિટસ બનાવાયા. આજીવન વિજ્ઞાની અને શિક્ષક માટે આ પ્રકારનું બહુમાન સર્વથા યોગ્ય હતું. જીવ્યા ત્યાં સુધી તેઓ યુનિવર્સિટીના આ વિભાગમાં નિયમિત જઈને દોરવણી આપતા રહેલા, ટૂંકમાં, તેઓ સાગર યુનિવર્સિટીના જિયૉલૉજી ડિપાર્ટમેન્ટનું એક અવિભાજ્ય અંગ હતા.

એક માનવી તરીકે તેઓ સ્વભાવે ખૂબ જ નમ્ર, માયાળુ અને પદ્ધતિસરની કાર્યશૈલીના આગ્રહી હતા. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને અને તેજસ્વિતાને પારખી શકતા. વિજ્ઞાની સાથીદારો અને વિદ્યાર્થીઓનું કલ્યાણ સધાય એમાં જ એમની રુચિ અને રસ હતાં. ડૉ. વેસ્ટ રમતગમતોની પ્રવૃત્તિઓમાં પણ પ્રોત્સાહન આપતા. સર્વેક્ષણ-ખાતાની તેમની સેવાઓ દરમિયાન સાથી સભ્યોમાંથી એક ઉચ્ચ કક્ષાની ફૂટબૉલ ટુકડી તૈયાર કરેલી. તેમને ભારત અને ભારતીયો માટે અનહદ પ્રેમ અને લાગણી હતાં. વિશેષે કરીને તેમણે ઘણા ભૂસ્તરવિદોની સમસ્યાઓ ઉકેલી આપી હતી. ભારતીયોની યોગ્ય અપેક્ષાઓને હમેશાં પ્રોત્સાહિત કરી હતી. ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ-ખાતાએ 2000ના જાન્યુઆરીની 27મી તારીખે તેમની એકસોમી જન્મજયંતી ઊજવીને તેમના પ્રત્યેની માનની લાગણીને મૂક અંજલિ આપી હતી.

એસ. કે. આચાર્ય

અનુ. ગિરીશભાઈ પંડ્યા