વેસ્ટરબૉર્ક રેડિયો ઑબ્ઝર્વેટરી (Westerbork Radio Observatory) નેધરલૅન્ડ્ઝ

February, 2005

વેસ્ટરબૉર્ક રેડિયો ઑબ્ઝર્વેટરી (Westerbork Radio Observatory), નેધરલૅન્ડ્ઝ : નેધરલૅન્ડ્ઝમાં ઉત્તર-પૂર્વ(ઈશાન)માં ગ્રૉનિન્જેન (Groningen) પાસે આવેલા વેસ્ટરબૉર્ક નામના એક નાના ગામ પાસે આવેલી નેધરલૅન્ડ્ઝની એક પ્રમુખ રેડિયો-વેધશાળા. તેનું સંચાલન નેધરલૅન્ડ્ઝની ખગોળશાસ્ત્રમાં સંશોધન કરતી સંસ્થા નેધરલૅન્ડ્ઝ ફાઉન્ડેશન ફૉર રિસર્ચ ઇન ઍસ્ટ્રૉનૉમી (Netherlands Foundation for Research in Astronomy ટૂંકમાં, NFRA, or ASTRON) કરે છે. આ ફાઉન્ડેશનનું વહીવટી વડું મથક, ગ્રૉનિન્જેનથી દક્ષિણે આશરે 45 કિમી (30 માઈલ) દૂર આવેલી ડ્વિન્ગેલૂ વેધશાળા(Dwingeloo Observatory)માં આવેલું છે.

નેધરલૅન્ડ્ઝની ડ્વિન્ગેલૂ રેડિયો-વેધશાળાની સ્થાપના 1956માં કરવામાં આવી હતી. આ વેધશાળામાં આવેલા 25 મીટર(82 ફૂટ)ના રેડિયો-ટેલિસ્કોપની માલિકી અને તેનું સંચાલન આ (NFRA) ફાઉન્ડેશન હસ્તક છે. અહીંનું ડ્વિન્ગેલૂ રેડિયો-ટેલિસ્કોપ દુનિયાના જૂનામાં જૂના રેડિયો-ટેલિસ્કોપ પૈકીનું એક છે. આ વેધશાળા યુરોપના બીજા દેશોની રેડિયો-વેધશાળા સાથે પણ સંકળાયેલી છે.

વેસ્ટરબૉર્ક વેધશાળામાં 25 મીટર (82 ફૂટ) વ્યાસની 2.7 કિમી. (1.7 માઈલ) પૂર્વ-પશ્ચિમ બેઝલાઇન પર પથરાયેલી 14 રકાબીઓ (ઍન્ટિના એટલે કે તરંગગ્રાહકો કે પરાવર્તકો) ધરાવતું રેડિયો-ટેલિસ્કોપ આવેલું છે જે 1970થી કાર્ય કરે છે. આ 14 તરંગગ્રાહકોમાંથી દસ સ્થિર એટલે કે સ્થાયી છે, અને બાકીના ચાર ખસી શકે તેવા છે. આ ખસી શકતી રકાબીઓ – તરંગગ્રાહકો રેલવેના પાટા જેવી વ્યવસ્થા પર સરકતા હોવાને કારણે ટેલિસ્કોપનો વ્યાસ કે દ્વારક (aperture) સંશ્ર્લેષિત થઈને, એટલે કે વધીને 2.7 કિમી. થઈ શકે છે. આ ટેલિસ્કોપમાં સુધારા થતા રહે છે. આવા કેટલાક સુધારા 1980માં કરવામાં આવેલા; જેમ કે, અગાઉ આ ટેલિસ્કોપ ફક્ત 12 રકાબીઓ અને 1.6 કિમી. બેસલાઇન ધરાવતું હતું. પછી રકાબીની સંખ્યા અને બેસલાઇન વધારીને તેની ક્ષમતા વધારવામાં આવી. હાલમાં આ ટેલિસ્કોપ 250 MHz અને 8.65 GHz આવૃત્તિ વચ્ચે નિરીક્ષણો કરી શકે છે. દુનિયાના અતિ સંવેદનશીલ રેડિયો-ટેલિસ્કોપમાંનું તે એક છે. આ રેડિયો-ટેલિસ્કોપ ‘Westerbork Synthesis Radio Telescope’ (ટૂંકમાં, WSRT) તરીકે ઓળખાય છે.

સુશ્રુત પટેલ