વેસ્ટ એન્ડ થિયેટર્સ : લંડનનાં વિવિધ નાટ્યગૃહોનો એક સમૂહ કે જે અંગ્રેજી વ્યાવસાયિક રંગભૂમિનું મુખ્ય કેન્દ્ર છે, જેનું નામકરણ લંડન શહેર સાથેના તેના ભૌગોલિક સામીપ્યને લીધે કરવામાં આવ્યું છે. પ્રમાણમાં નાનકડા એવા આ વિસ્તારમાં વિવિધ કદનાં અને વિભિન્ન કાળનાં લગભગ 25 જેટલાં નાટ્યગૃહો પથરાયેલાં છે, જેમાં 326 જેટલી બેઠકો ધરાવતું નાનું વિન્ડમિલ થિયેટર એક જમાનામાં તો 250 જેટલી જ બેઠકો ધરાવતું લિટલ થિયેટરથી માંડી 2,300 જેટલી બેઠકો ધરાવતા વિશાળ કોલિઝિયમ અથવા લંડન પેલેડિયમ થિયેટરનો અને ડ્રરી લેન કે જ્યાં પ્રથમ નાટ્યગૃહ સન 1663માં બાંધવામાં આવ્યું ત્યારથી માંડી છેક સન 1931માં એક સિનેમાગૃહમાંથી બંધાયેલા વેસ્ટ મિનસ્ટર થિયેટરનો સમાવેશ થાય છે. એકનાં એક નાટ્યગૃહોનાં નામો પણ કાળક્રમે બદલાતાં રહ્યાં છે જ્યારે વિવિધ નાટ્યગૃહોને એકનાં એક નામો પણ ઘણી વાર આપવામાં આવ્યાં છે, જેમ કે અહીં ‘ગ્લોબ’ નામ ધરાવતાં ત્રણ નાટ્યગૃહો છે ને શાફ્ટસ્બરી નામ ધરાવતાં બે નાટ્યગૃહો છે; જ્યારે ડ્યૂક ઑવ્ યૉર્ક થિયેટર એક સમયે ટ્રફાલ્ગર સ્ક્વેર થિયેટરના નામથી ઓળખાતું હતું અને સેડર્લ્સ વેલ્સ થિયેટર સમયસમયે માઇલ્સ મ્યુઝિક હાઉસ અને ઍક્વેટિક થિયેટરના નામથી જાણીતું હતું. પ્રાચીન નાટ્યગૃહોને અનેક વાર તોડીફોડી ફરી બાંધવામાં આવ્યાં છે, પણ અડધા ઉપરાંતનાં નાટ્યગૃહો સન 1889થી સન 1909 દરમિયાન બંધાયેલાં છે. બે નાટ્યગૃહો, કોલિઝિયમ થિયેટર અને કૉવેન્ટ ગાર્ડન થિયેટર હવે ઑપેરા હાઉસ બની ગયાં છે અને શાફ્ટસ્બરી અને વિન્ડમિલ જેવાં અન્ય નાટ્યગૃહોમાં મ્યુઝિકલ્સ અને રેવૂઝ સિવાય અન્ય કૃતિઓ ભાગ્યે જ ભજવાય છે. એક જમાનામાં જે ‘નૉન સ્ટૉપ વેરાયટી’ પ્રકારના કાર્યક્રમો માટે ખાસ બાંધવામાં આવેલું ને પાછળથી જે ‘વિન્ડમિલ ગર્લ્સ’ના નગ્ન નાચ માટે જાણીતું બન્યું તે વિન્ડમિલ થિયેટર સન 1981માં થિયેટર રેસ્ટોરાં બની ગયું. પોતાના સમયનાં અગ્રગણ્ય નાટ્યગૃહો એવાં લિસિયમ થિયેટર અને ઇરવિંગ થિયેટર સન 1945માં ‘ડાન્સહૉલ’ બની ગયાં. મૅનેજમેન્ટ બદલાતાં આ નાટ્યગૃહોમાં ભજવાતાં નાટકોનાં પ્રકાર, શૈલી અને ખ્યાતિ પણ સમયસમયે બદલાતાં રહ્યાં છે. કેટલાંક નાટ્યગૃહો એવાં છે જે ભજવણી સંબંધી પોતાની આગવી એવી કોઈ ચોક્કસ નીતિ ધરાવતાં નથી; જેમ કે, ક્રાઇટેરિયન થિયેટર, વિન્ધેમ થિયેટર, પિકૅડિલી થિયેટર, ડ્યૂક ઑવ્ યૉર્ક થિયેટર, હેમાર્ક થિયેટર. અહીં દેશવિદેશનાં ગંભીર મેલોડ્રામાથી માંડી હળવાં પ્રહસનો, રેવૂઝ અને રહસ્યરંગી થ્રિલરો, સાહિત્યિક નાટકોથી લઈ માત્ર મંચીય મૂલ્ય ધરાવતા ખેલ ભજવાતાં રહ્યાં છે. વિન્ધેમ થિયેટરમાં આગાથા ક્રિસ્ટીનું બહુચર્ચિત થ્રિલર ‘માઉસ ટ્રૅપ’ એકધારું 21 વર્ષ સુધી ભજવાયું હતું, જે એક વિશ્વવિક્રમ છે. એ પહેલાં ત્યાં માત્ર રેવૂઝ ભજવાતાં ને 1973 પછી ત્યાં બહારની કંપનીઓનાં નાટકો ભજવાવા લાગ્યાં. એડેલ્ફી થિયેટર, શાફ્ટસ્બરી થિયેટર, સેવૉય થિયેટર, સેન્ટ માર્ટિન થિયેટર, વેસ્ટ મિનસ્ટર થિયેટર કે પછી બહુ જાણીતું ડ્રરી લેન થિયેટર એવાં નાટ્યગૃહો છે જેણે ભજવણીની એકસરખી નીતિ અખત્યાર કરી છે ને ચોક્કસ પ્રકારનાં નાટકો ભજવવાનો આગ્રહ રાખ્યો છે; જેમ કે, પેન્ટોમાઇમ, મ્યુઝિકલ કૉમેડી અથવા રેવૂઝ. અન્ય જાણીતાં નાટ્યગૃહોમાં ફિનિક્સ થિયેટર, એપૉલો થિયેટર, ગ્લોબ થિયેટર, લિરિક થિયેટરનો સમાવેશ થાય છે; જ્યાં વિવિધ પ્રકારના મનોરંજક કાર્યક્રમો સતત રજૂ થતા રહ્યા છે. હર/હિઝ મેજેસ્ટિઝ થિયેટરમાં બર્નાર્ડ શૉ, પ્રિસ્ટલી અને શેફરનાં નાટકોથી માંડી વેસ્ટ સાઇડ સ્ટોરી અને ફિડલર ઑન ધ રૂફ જેવાં વિખ્યાત મ્યુઝિકલ્સ પણ ભજવાતાં રહ્યાં છે. આ જૂથનાં નાટ્યગૃહોમાં સૌથી વધુ જાણીતું છે એલ્ડવિક થિયેટર જ્યાં સન 1911માં ચેખૉવનાં નાટકો પહેલી વાર અંગ્રેજી ભાષામાં ભજવાયાં. સન 1960માં તે કેવળ વ્યાવસાયિક નાટ્યગૃહની જગ્યાએ રૉયલ શેક્સપિયર કંપનીનાં નાટકો રજૂ કરતું લંડનનું મુખ્ય મથક બની ગયું. ક્લાસિકલ નાટકો ઉપરાંત હેરોલ્ડ પિન્ટર, ટૉમ સ્ટોપાર્ડ; જ્યાં અનૂઈ, બ્રેખ્ત, ડ્યૂરેન માર્ટ જેવા નાટ્યકારોનાં નવતર શૈલીનાં નાટકો પણ અહીં ભજવાવા લાગ્યાં. સન 1964થી 1973 દરમિયાન અહીં વિશ્વ-રંગભૂમિનાં વાર્ષિક અધિવેશનો પણ ભરાયાં. વેસ્ટ એન્ડનાં મોટાભાગનાં નાટ્યગૃહો વ્યાવસાયિક દબાણોને લીધે હવે અતિભવ્ય મ્યુઝિકલ્સ સંગીતનાટકો ભજવવાનાં કેન્દ્રો બની ગયાં છે, જેના પરિણામે જેને સાચા અર્થમાં આધુનિક અંગ્રેજી રંગભૂમિ કહી શકાય તે તો વેસ્ટ એન્ડની બહાર પાંગરવા માંડી છે જ્યાં બિનવ્યાવસાયિક અભિગમને લીધે ઊંચી ગુણવત્તા ધરાવતાં મૌલિક અંગ્રેજી નાટકો સતત ભજવાય છે. ઓલ્ડવિક, લિરિક, ગ્રીનવિક અને રૉયલ કોર્ટ થિયેટર તેમાં મુખ્ય છે.

મહેશ ચંપકલાલ શાહ