વેસ્ટ ઇન્ડિઝ : કૅરિબિયન સમુદ્ર અને મેક્સિકોના અખાતને ઍટલાંટિક મહાસાગરથી અલગ પાડતો વિશાળ ટાપુસમૂહ. મધ્ય અમેરિકાની પનામાની સાંકડી સંયોગીભૂમિથી પૂર્વ તરફ ઍટલાંટિક મહાસાગરના એક ભાગરૂપ કૅરિબિયન સમુદ્રમાં આવેલા આ ટાપુઓ ‘વેસ્ટ ઇન્ડિઝ’ નામથી ઓળખાય છે. તે 100થી 270 ઉ. અ. અને 590થી 850 પ. રે. વચ્ચેનો આશરે 2,38,748 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુસમૂહ યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યના અગ્નિકિનારા નજીકથી છેક દક્ષિણ અમેરિકાના વેનેઝુએલાના ઉત્તર કિનારા સુધીના 3,200 કિમી. લાંબા વિસ્તારની પહોળાઈમાં ત્રુટક ચાપના સ્વરૂપે વિસ્તરેલા છે.

1492માં કોલંબસે સર્વપ્રથમ તેની શોધ કરેલી, પણ એ વખતે તે એવું માની બેઠેલો કે તે પશ્ચિમના જળમાર્ગે ‘ઇન્ડિયા’(આજના ભારત)ના કોઈ એક ભાગ પર પહોંચી ગયો છે. આ કારણે આ ટાપુઓનું ‘વેસ્ટ ઇન્ડિઝ’ નામ પ્રચલિત થયેલું છે. વળી, નવી દુનિયા (અમેરિકા) શોધાઈ તે પૂર્વેનાં દરિયાઈ રેખાંકનોમાં ઍઝોર્સ (Azores) ટાપુઓથી પશ્ચિમ તરફની અજ્ઞાતભૂમિ ‘ઍન્ટિલા’ (Antilla) કે ‘એન્ટિગ્લિયા’ (Antiglia) તરીકે ઓળખાતી હતી, તેનો અપભ્રંશ થતાં આ ટાપુઓ ‘ઍન્ટિલ્સ’ (Antilles) તરીકે ઓળખાવા લાગ્યા. આ ઉપરાંત તે કૅરિબિયન સમુદ્રમાં આવેલા હોવાથી તેમને ‘કૅરિબિયન ટાપુઓ’ કે ‘કૅરિબિયન દ્વીપસમૂહ’ પણ કહે છે.

આ ટાપુસમૂહને મુખ્ય બે જૂથોમાં વહેંચેલો છે : (1) બૃહદ ઍન્ટિલ્સ (greater antilles) અને (2) લઘુ ઍન્ટિલ્સ (lesser antilles). કૅરિબિયન સમુદ્રના પશ્ચિમ ભાગમાં ક્યૂબા, હિસ્પાન્યોલા (હૈતી અને ડૉમિનિકન પ્રજાસત્તાક), જમૈકા, પ્યુર્ટોરિકો વગેરે મોટા ટાપુઓનું જૂથ ‘બૃહદ ઍન્ટિલ્સ’ નામથી ઓળખાય છે. આ મોટા ટાપુઓથી પૂર્વ દિશામાં અર્ધચંદ્રાકાર ચાપસ્વરૂપનું ઉત્તર-દક્ષિણ વિસ્તરેલું નાના નાના ટાપુઓનું જૂથ ‘લઘુ ઍન્ટિલ્સ’ નામથી ઓળખાય છે. આ ટાપુઓ પણ બે પેટા જૂથોમાં વિભાજિત છે. આ વિભાજન માટે આશરે 160 ઉ. અ.નો આધાર લેવામાં આવેલો છે. ઉત્તર તરફના ટાપુજૂથને ‘લીવર્ડ ટાપુઓ’ તથા દક્ષિણ તરફના ટાપુજૂથને ‘વિન્ડવર્ડ ટાપુઓ’ કહે છે. ઈશાનકોણીય વ્યાપારી પવનોના માર્ગથી દૂર વાતવિમુખ (leeward) બાજુ પરનું જૂથ લીવર્ડ ટાપુઓ તરીકે ઓળખાય છે. અહીં વરસાદ ઓછો પડે છે. તેમાં મુખ્યત્વે ગ્વાડેલૂપ, સાબે અને સિન્ટ યુસ્ટેશિયસ, ઍન્ટિગુઆ અને બર્બુડા, સેન્ટ કિટ્સ અને નેવિસ, ઍન્ગ્વિલા, મૉન્ટસેરૅટ વગેરે ટાપુઓનો સમાવેશ થાય છે. વિન્ડવર્ડ ટાપુજૂથ ઈશાનકોણીય વ્યાપારી પવનોની સીધી અસર હેઠળ એટલે કે ‘વાતાભિમુખ’ (windward) બાજુ પર આવેલું છે, તેથી તેને વિન્ડવર્ડ ટાપુઓ કહે છે. આ ટાપુઓ પર પુષ્કળ વરસાદ થાય છે. તેમાં ડૉમિનિકા, માર્ટિનિક, સેન્ટ લ્યુસિયા, ગ્રૅનેડા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રૅનેડાઇન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બહામા, બાર્બાડોસ, ટ્રિનિડાડ અને ટૉબેગો, નેધરલૅન્ડ ઍન્ટિલ્સ, ટકર્સ અને કેઇક્સ, વર્જિન જેવા બીજા અનેક ટાપુઓને પણ વેસ્ટ ઇન્ડિઝમાં સમાવવામાં આવેલા છે.

કેટલાક ભૂગોળવિદો આ ટાપુસમૂહને ત્રણ જૂથોમાં વહેંચવાનું પસંદ કરે છે : ઉત્તરમાં આવેલા બહામાના ટાપુઓ, મધ્યમાં આવેલા બૃહદ ઍન્ટિલ્સ ટાપુઓ અને અગ્નિકોણમાં આવેલા લઘુ ઍન્ટિલ્સ ટાપુઓ. બહામાના ટાપુઓ અનેક નાના-મોટા ટાપુઓ અને ખરાબાઓથી બનેલા છે.

ભૂપૃષ્ઠ-આબોહવા : વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ પ્રાગૈતિહાસિક કાળમાં કે તે અગાઉ ઉદ્ભવેલી, ઉત્તર અને દક્ષિણ અમેરિકાને સાંકળતી, અંશત: જળનિમગ્ન પર્વતશૃંખલાનો ભાગ બની રહેલા છે. કેટલાક ભૂસ્તરવિદોના મંતવ્ય પ્રમાણે આ બધા ટાપુઓ હકીકતમાં ‘કૅરિબિયન ઍન્ડિઝ’ નામની પ્રાચીન સાગરનિમગ્ન હારમાળાનાં બહાર દેખાતાં ઊંચાં શિખરો છે. લઘુ ઍન્ટિલ્સમાં આજે જોવા મળતા સક્રિય અને સુષુપ્ત જ્વાળામુખીઓ તેના પુરાવા છે. અહીં જોવા મળતા

વેસ્ટ ઇન્ડિઝ

કેટલાક નાના ટાપુઓ જ્વાળામુખીજન્ય ટાપુઓના ઘસારા-ખવાણ-ધોવાણના શિલાચૂર્ણ જથ્થાની જમાવટમાંથી તૈયાર થયેલા છે. વળી સમુદ્રતળના અધોગમનની ક્રિયા તેમની આજની પ્રાકૃતિક રચના માટે જવાબદાર હોવાનું અનુમાન છે. અહીંના કેટલાક ટાપુઓ પરવાળાં અને ચૂનાખડકથી બનેલી સમતળ પટ્ટીઓથી પણ બનેલા છે, તેમની ઊંચાઈ સમુદ્રસપાટીથી વધુ નથી.

વેસ્ટ ઇન્ડિઝમાંના ઘણા ટાપુઓ પર જ્વાળામુખી પર્વતો આવેલા છે. આ પૈકી માર્ટિનિક પરનો માઉન્ટ પીલી અને સેન્ટ વિન્સેન્ટ પરનો માઉન્ટ સૉફ્રિયેર હજી સક્રિય છે. વેસ્ટ ઇન્ડિઝ પરનું સર્વોચ્ચ શિખર (3,175 મી.) ડ્યુઆર્ટ પીક હિસ્પાન્યોલા ટાપુ પર આવેલું છે. અહીં વારંવાર અનુભવાતી ભૂકંપ જેવી પ્રક્રિયાઓ જ્વાળામુખી ઘટનાને સમર્થન આપે છે. આ ટાપુઓની બીજી એક ખાસિયત એ પણ છે કે તેમની પશ્ચિમે વિસ્તરેલા સંયોગીભૂમિના ક્ષેત્રમાં આવેલી પર્વતશ્રેણીઓ નજીકના બૃહદ ઍન્ટિલ્સની પર્વતશ્રેણીઓ સાથે અનુસંધાન સાધે છે. ઉત્તર વેનેઝુએલાની પર્વતશ્રેણીઓ (ઍન્ડિઝ પર્વતો) લઘુ ઍન્ટિલ્સ (બાર્બાડોસ, ટ્રિનિડાડ, અરુબા વગેરે) ટાપુઓમાં આવેલા ગેડપર્વતો સાથે અનુસંધાન રચે છે. આ બાબત અહીંની પર્વતશ્રેણીઓ ઉત્તર અને દક્ષિણ અમેરિકાની પર્વતશ્રેણીઓ સાથે રચનાત્મક સંબંધ હોવાનો સ્પષ્ટ ખ્યાલ આપે છે.

ઘણા ટાપુઓની કંઠારપટ્ટીની જમીનો ફળદ્રૂપ છે. કેટલાક ટાપુઓ પર વિશાળ ઘાસભૂમિ તથા થોડાંક વૃક્ષો જોવા મળે છે. ટાપુઓને કાંઠે ઘણા નાના અખાતો તેમજ ખાડીઓ (સમુદ્રફાટ) જોવા મળે છે. અહીં સારાં બારાં પણ છે. અહીંની મોટાભાગની નદીઓ ઝડપી વેગવાળી હોવાથી નૌકાવિહાર શક્ય નથી, તેમ છતાં ક્યારેક તરાપાઓની અવરજવર રહે છે. પ્યુર્ટોરિકોના ઉત્તર કિનારાથી થોડેક દૂર પ્યુર્ટોરિકો સમુદ્ર ખાઈ (trench) અથવા મિલવૌકી ખાઈ આવેલી છે, ઍટલાંટિક મહાસાગરમાં તે ઊંડામાં ઊંડી (જળસપાટીથી 8,648 મી. ઊંડી) ખાઈ ગણાય છે.

વનશ્રીથી સમૃદ્ધ વેસ્ટ ઇન્ડિઝ દ્વીપસમૂહનો રળિયામણો સમુદ્રતટ – એક દર્શન

વેસ્ટ ઇન્ડિઝની આબોહવા હૂંફાળી ઉષ્ણકલ્પીય છે. ઍટલાંટિક મહાસાગરના સ્થિર પવનો આખું વર્ષ ટાપુઓના તાપમાનને ઊંચું જવા દેતા નથી, પરંતુ માફકસરનું રાખે છે. શિયાળા હૂંફાળા અને સૂર્યપ્રકાશિત રહે છે. શિયાળા-ઉનાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 240 સે. અને 270 સે. જેટલાં રહે છે; વર્ષ દરમિયાન તાપમાનગાળો વિશેષ રહેતો નથી. સરેરાશ વરસાદ 1,500 મિમી. છે, પરંતુ કેટલાક પહાડી ભાગોમાં 5,000 મિમી. જેટલો વરસાદ પણ પડે છે. આ ઉપરાંત અહીંથી પસાર થતા ગરમ અખાતી પ્રવાહનાં જળ ભળવાથી કૅરિબિયન સમુદ્ર આખું વર્ષ ગરમ રહે છે. ક્વચિત્ શિયાળાની ઋતુમાં ઉત્તર અમેરિકાના શીતપ્રદેશો તરફથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે, ત્યારે ક્યૂબા અને બહામા ટાપુઓના તાપમાનમાં થોડાક સમય પૂરતો ઘટાડો નોંધાય છે, તાપમાન શૂન્ય નજીક પણ પહોંચી જાય છે; પરંતુ સમુદ્રલહેરોના બળવત્તર પ્રભાવને લીધે આ સ્થિતિ લાંબી ટકી શકતી નથી. સમુદ્રજળની અસરથી અહીંના ઉનાળા નરમ બને છે. વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ ઈશાનકોણી વ્યાપારી પવનોથી મુખ્યત્વે મેથી ઑક્ટોબર દરમિયાન વરસાદ મેળવે છે. કોઈક વાર ઉનાળાની ઋતુ પૂરી થતી વખતે તેમજ ક્યારેક શરદઋતુમાં અહીં હરિકેન (વાવાઝોડાં) પણ આવી જાય છે, જેમને પરિણામે માનવમૃત્યુ થાય છે, માલમિલકતને પણ નુકસાન પહોંચે છે. હવામાનની આગાહીથી લોકોને સલામત સ્થળો પર ખસી જવાની સલાહ અપાય છે.

પ્રાણી-વનસ્પતિ જીવન : આ ટાપુઓ એકંદરે પૂરતો વરસાદ મેળવતા હોવાથી, વિશેષે કરીને તેમના પહાડી ભાગો કુદરતી વનસ્પતિથી આચ્છાદિત રહે છે. મોટા ટાપુઓનાં ઊંચાં પહાડી ક્ષેત્રો દેવદાર(pine)નાં જંગલો તથા ટાપુઓ વાંસ, સિડારની ગંધતરુ જાતની ગીચ ઝાડી ધરાવે છે.  તાડનાં વૃક્ષો તથા ખાટાં ફળોનાં વૃક્ષો દરિયાકાંઠા નજીક થાય છે. જાસૂદ, બોગનવેલિયા, ઑર્કિડ અને પૉઇનસેતિયાનાં ફૂલવાળા છોડ ઊગી નીકળે છે. બહામા ટાપુઓમાં દેવદાર, મૅહોગની તથા ચેર(મૅન્ગ્રુવ)નાં જંગલો છવાયેલાં છે. મોટાભાગના ટાપુઓના દરિયાકાંઠે મત્સ્ય-ઉદ્યોગનો વિકાસ થયો છે. વળી જૂજ ટાપુઓમાં મીઠું પકવવાની પ્રવૃત્તિ પણ થાય છે. અહીં અયનવૃત્તીય માછલીઓ મળી આવે છે. કેટલાક ટાપુઓ માછલીઓની નિકાસ દ્વારા સારા વિદેશી હૂંડિયામણની કમાણી કરે છે.

પાટલા ઘો (ઇગ્વાના), કાંગારું જેવું કોથળીધારક પ્રાણી ઑપોસમ, સાપ અને વિવિધ પક્ષીઓ અહીં જોવા મળે છે. મોટાં હિંસક પ્રાણીઓ આ ટાપુઓ પર નથી.

અર્થતંત્ર : ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. 50 % લોકો ખેતીમાં, 30 % સરકારી ખાતાંમાં, પ્રવાસન-ઉદ્યોગમાં તથા અન્ય સેવા ઉદ્યોગોમાં અને બાકીના 20 % લોકો યાંત્રિક-રાસાયણિક ઉદ્યોગ, ખાણ-ઉદ્યોગ કે મત્સ્ય-ઉદ્યોગમાં રોકાયેલા છે.

ખેતી : વેસ્ટ ઇન્ડિઝનો મુખ્ય કૃષિપાક શેરડી છે, અહીં કેળાં પણ થાય છે. આ પાકો વ્યાપારી કે બાગાયતી ગણાય છે. ક્યૂબા, જમૈકા, ડૉમિનિકન પ્રજાસત્તાક, હૈતી, પ્યુર્ટોરિકો વગેરેમાં શેરડીનું મબલક ઉત્પાદન થાય છે. અહીંની ખાંડ અને ગોળની રસી (molasses) જેવી ખેતપેદાશોની નિકાસ થાય છે. આ ઉપરાંત અહીંના ટાપુઓમાં કૉફી, કોકો, ખાટાં ફળો, નાળિયેરી, કપાસ, તમાકુ, કસાવા, મકાઈ, મસાલા, શાકભાજી વગેરે પાકો ઓછાવધતા પ્રમાણમાં થાય છે. મોટા ટાપુઓમાં ખેતીની સાથોસાથ પશુવાડા(ranches)માં માંસપ્રાપ્તિ અર્થે સહકારી ધોરણે પશુપાલન કરવામાં આવે છે. ખેતી સાથે ખેડૂતો ઢોર અને ડુક્કર પાળે છે. બધા ટાપુઓમાં ખાદ્ય પાકો થતા ન હોવાથી જરૂરિયાત મુજબ તેમની આયાત થાય છે.

ઉત્પાદનપ્રક્રમણ : આ ટાપુઓની ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં સિમેન્ટ, કપડાં, વીજળીનાં સાધનોના પુરજા, ઔષધો, રમ અને મીઠાનો સમાવેશ થાય છે. વેનેઝુએલા અને અન્ય દેશોમાંથી લાવેલા કાચા ખનિજતેલનું અરુબા અને કુરાકાઓ ખાતેની રિફાઇનરીઓમાં શુદ્ધીકરણ થાય છે. ટ્રિનિડાડમાં તેલ અને કુદરતી વાયુના કૂવા આવેલા છે. બૉક્સાઇટ ઉત્પાદનમાં જમૈકા દુનિયાભરમાં મોખરે છે. ત્યાં ઍલ્યુમિનાનું ઉત્પાદન થાય છે. ક્યૂબા લોહ, ક્રોમ, કોબાલ્ટ, નિકલ અને મૅંગેનીઝનાં ખનિજો ધરાવે છે. ત્યાં નિકલ-કોબાલ્ટનાં ધાતુશોધન-કારખાનાં પણ છે. આ ટાપુઓમાં પેટ્રોરસાયણ, ટાયર, રાસાયણિક ખાતરો, યાંત્રિક ઓજારો, પ્લાસ્ટિક, રંગ-રસાયણો, રાચરચીલું અને મોટરવાહન જેવા ઉદ્યોગો વિકસ્યા છે. વળી અહીં ખાદ્યપ્રક્રમણના ઉદ્યોગો મોખરાનું સ્થાન ધરાવે છે. આ પછી વપરાશી માલનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનો ક્રમ આવે છે. આ ઉપરાંત પ્રવાસન-ઉદ્યોગ દ્વારા પણ કેટલાક ટાપુઓ અઢળક કમાણી કરે છે.

પ્રવાસન : અહીંનાં બેનમૂન કુદરતી દૃશ્યો, રેતાળ, કંઠારપટ, આહ્લાદક આબોહવા, સુંદર વિહારધામો, વૈભવીથી માંડીને મધ્યમસરની હોટેલો તેમજ સુવિકસિત પરિવહન સેવાઓથી આકર્ષાઈને પર્યટકો રજાઓ ગાળવા માટે અહીં આવવાનું પસંદ કરે છે. વેસ્ટ ઇન્ડિઝના દેશોના અર્થતંત્રમાં ખેતી પછી પ્રવાસનનો ક્રમ આવે છે. દર વર્ષે આશરે 80 લાખ જેટલા પ્રવાસીઓની અવરજવર રહે છે. નજીકના કેટલાક દેશો લોકોને જહાજોમાં લાવવા  લઈ જવાના પ્રવાસો પણ ગોઠવે છે. સેન્ટ માર્ટિન ટાપુ તેની રાત્રિક્લબો, આંતરરાષ્ટ્રીય સ્તરની વૈભવી હોટેલો, જુગારખાનાં, ભોગાલયો વગેરેને લીધે પર્યટકોનું વિશેષ આકર્ષણકેન્દ્ર બન્યો છે. જમૈકા ટાપુ પર્યટકોની આગતાસ્વાગતા માટે પ્રખ્યાત છે.

વેપાર : અહીંથી નિકાસ થતી ચીજવસ્તુઓમાં ખાંડ, કેળાં, રમ અને પેટ્રોલિયમ પેદાશોનો તથા આયાતી વસ્તુઓમાં મોટરવાહનો, ખાદ્યપદાર્થો, યંત્રસામગ્રી તેમજ વિવિધ પ્રકારના કાચામાલનો સમાવેશ થાય છે. કૅનેડા, ગ્રેટબ્રિટન અને યુ.એસ. આ ટાપુઓના વેપારી ભાગીદારો છે. ક્યૂબાનો વેપાર રશિયા સાથે પણ થાય છે. વેસ્ટ ઇન્ડિઝના ઘણા દેશો કૅરિબિયન કૉમ્યુનિટી અને કૉમન માર્કેટ(CARICOM)ના સભ્યો છે, તેઓ બધા અન્યોન્યના વેપારને સહકાર અને પ્રોત્સાહન આપે છે.

પરિવહન-સંદેશાવ્યવહાર : વેસ્ટ ઇન્ડિઝમાં સડકમાર્ગોનો સારો વિકાસ થયો છે. ઘણાખરા ટાપુઓમાં મુખ્ય શહેરો વચ્ચે પાકા રસ્તા છે, જે ગ્રામવિસ્તારોને પણ સાંકળી લે છે. અહીં જળમાર્ગીય પરિવહન-સેવાઓ સસ્તી પડતી હોવાથી તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. વળી, વેપાર માટે અહીં ઉત્તમ બંદરીય સેવાઓ ઉપલબ્ધ છે. દુનિયાભરમાંથી માલવાહક જહાજો અને મુસાફર-જહાજો ટાપુઓ પર આવે છે. હવાના (ક્યૂબા), પૉર્ટ-ઑ-પ્રિન્સ (હૈતી), સાન્તો ડૉમિન્ગો (ડૉમિનિકન પ્રજાસત્તાક), કિંગ્સ્ટન તથા પૉર્ટ ઍન્ટૉનિયો (જમૈકા), પૉર્ટ ઑવ્ સ્પેન (ટ્રિનિડાડ), સાન હ્વાન (San Juan), (પ્યુર્ટોરિકો), રોઝા (ડૉમિનિકા), ચાર્લ્સટાઉન, ફૉર્ટ-દ-ફ્રાન્સ, કાસ્ટ્રીઝ, કિંગ્સટાઉન, બ્રિજટાઉન, નૅસો (નસાઉ) વગેરે અગત્યનાં બંદરો છે. વેસ્ટ ઇન્ડિઝનાં ઘણાંખરાં મોટાં શહેરોમાં હવાઈ મથકોની સુવિધા છે; એટલું જ નહિ, નાના નાના ટાપુઓ પર પણ પ્રાદેશિક હવાઈ સેવા ઉપલબ્ધ છે. કેટલાક ટાપુઓ યુ.એસ. અને કૅનેડા જેવા દેશો સાથે હવાઈ માર્ગે સંકળાયેલા છે. ક્યૂબાનું હવાના અને બહામાનું નૅસો અહીંનાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.

મોટાભાગના ટાપુઓ પોતપોતાના વિસ્તાર માટેનાં દૈનિક વર્તમાનપત્રો પ્રકાશિત કરે છે. યુરોપના અને યુ.એસ.ના રેડિયો / ટી.વી. કાર્યક્રમો ઉપગ્રહો દ્વારા ઝીલીને વેસ્ટ ઇન્ડિઝમાં તેમનું પ્રસારણ થાય છે.

લોકો : વસ્તી અને આનુવંશિકતા : 2000 મુજબ વેસ્ટ ઇન્ડિઝની વસ્તી અંદાજે 3.8 કરોડ જેટલી છે. સૌથી મોટા ટાપુ ક્યૂબાની વસ્તી 1.12  કરોડની છે, એ પછી ઘટતી જતી વસ્તીના ક્રમમાં ડૉમિનિકન પ્રજાસત્તાક (84 લાખ), હૈતી (81 લાખ), પ્યુર્ટોરિકો (39 લાખ), જમૈકા (26 લાખ) વગેરે મૂકી શકાય. વેસ્ટ ઇન્ડિઝમાં પાટનગર અને બંદર તરીકે સેવાઓ પૂરી પાડતાં હવાના, કિંગ્સ્ટન, પૉર્ટઓપ્રિન્સ, પૉર્ટ ઑવ્ સ્પેન, સાન્ટો ડૉમિંગો, નૅસો વગેરે અગત્યનાં શહેરો છે. 60 % લોકો શહેરોમાં અને 40 % લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. વેસ્ટ ઇન્ડિઝના કેટલાક ટાપુઓ તો દુનિયાની ગીચ વસ્તીના પ્રદેશો છે. ટાપુઓમાં વસતા લોકો પૈકી મોટાભાગના નિવાસીઓ મૂળ અહીં શેરડી અને તમાકુના વાવેતર માટે ગુલામો તરીકે વસાવાયેલા અશ્વેત આફ્રિકી લોકોના વંશજો છે, અથવા તો અહીં વસતા બ્રિટિશ, ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને સ્પૅનિશ છે, તેમજ જૂના વખતમાં તેમનામાંથી ઉદ્ભવેલી મિશ્ર પ્રજા છે. બીજા કેટલાક ઓગણીસમી સદીમાં અહીં આવેલા ચીની છે. ગુલામીની પ્રથા રદ થયા પછી પણ કેટલાક વિદેશીઓ અહીં આવીને વસેલા છે. અહીંની મૂળ સ્થાનિક ઇન્ડિયન પ્રજા નિર્મૂળ થઈ ગઈ છે, જોકે તેમના પૈકીના અમુક કૅરિબ ઇન્ડિયનો છે ખરા, પરંતુ તેઓ દૂર દૂરના પહાડી પ્રદેશોમાં વસે છે. શરૂઆતમાં આવેલા યુરોપિયનો સામેના સંઘર્ષમાં મૂળ ઇન્ડિયનોએ ખુવારી વેઠેલી; વળી તેમના સંસર્ગથી તેમનામાં કેટલાક ચેપી રોગો ફેલાયેલા તેથી વસ્તીની તારાજી થયેલી છે.

ભાષા : આજે વેસ્ટ ઇન્ડિઝમાં બોલાતી ભાષાઓ અને બોલીઓ અહીં આવીને વસેલા યુરોપિયન જૂથોની વસાહતોની આનુવંશિક સંસ્કૃતિમાંથી ઉદ્ભવેલી છે. ડૉમિનિક પ્રજાસત્તાક અને પ્યુર્ટોરિકોની ભાષા સ્પૅનિશ છે. અરુબા અને નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલ્સની ભાષા ડચ છે. હૈતી, ગ્વાડેલૂપ અને માર્ટિનિકની ભાષા ફ્રેન્ચ છે. કેટલાક ઇંગ્લિશ ભાષા બોલે છે. વળી વેસ્ટ ઇન્ડિઝના ઘણા લોકો ઇંગ્લિશ-ફ્રેન્ચ-આફ્રિકી શબ્દોના મિશ્રણમાંથી બનેલી પતોઇઝ (patois) બોલીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ડચ, ઇંગ્લિશ, પોર્ટુગીઝ અને સ્પૅનિશ ભાષાઓના મિશ્રણથી બનેલી પાપિયામેન્ટો બોલી અરુબા અને નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલ્સમાં બોલાય છે.

રહેણીકરણી : વેસ્ટ ઇન્ડિઝના મોટાભાગના લોકો ખેડૂતો છે. તેઓ શ્રીમંતોની માલિકી હેઠળનાં શેરડીનાં ખેતરોમાં તથા કૉફીની વાડીઓમાં શ્રમિકો તરીકે કામ કરે છે. કેટલાક ખેડૂતો પોતાની માલિકીનાં ખેતરો પણ ધરાવે છે. તેઓ પોતાના જીવનનિવર્હિ પૂરતા કૃષિપાકો વાવે છે અને પશુપાલન કરે છે. શ્રીમંતો, જમીનદારો, પૂરતી જગાવાળાં, ધાબાંવાળાં કે પતરાનાં છાપરાંવાળાં મકાનોમાં રહે છે. મધ્યમ આવકવાળા લોકો એક કે બે ખંડનાં મકાનોમાં, જ્યારે ઓછી આવકવાળા તેમજ ગરીબ લોકો લાકડાનાં ઘરોમાં કે ઝૂંપડીઓમાં રહે છે.

વેસ્ટ ઇન્ડિઝનાં શહેરો કે નગરો દરિયાકિનારાની નજીકમાં આવેલાં છે. શહેરના નિવાસીઓ હોટેલોમાં કે પ્રવાસન-ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયોમાં કામ કરે છે. બીજા કેટલાક દુકાનો, કારખાનાં કે સરકારી કાર્યાલયોમાં નોકરી કરે છે. અહીંના લોકોનો પહેરવેશ પાશ્ર્ચાત્ય ઢબનો છે. ખેડૂતો સૂર્યતાપમાં સ્ટ્રૉ હૅટ પહેરે છે. અહીંના લોકોનો સામાન્ય ખોરાક ચોખા, વાલ, કેળાં, શક્કરિયાં, કેરી, નારંગી, માછલી વગેરેમાંથી બનાવેલો હોય છે.

ધર્મ : વેસ્ટ ઇન્ડિઝના મોટાભાગના લોકો રોમન કૅથલિક છે, કેટલાક પ્રૉટેસ્ટંટ પણ છે. આ ઉપરાંત અહીં હિંદુ, મુસ્લિમ અને યહૂદીઓ પણ રહે છે. કેટલાક આફ્રિકી અશ્વેતો પરંપરાગત ધર્મ પાળે છે. હૈતીમાં વૂદૂ (woodoo) નામનો ધર્મ પણ પળાય છે. રાસ તફારી નામનો ધાર્મિક સંપ્રદાય ઇથિયોપિયાના એક વખતના શહેનશાહ હેઇલ સિલાસીને પોતાના ભગવાન ગણે છે. જમૈકામાં પણ આ સંપ્રદાયના ઘણા અનુયાયીઓ છે.

શિક્ષણ : વેસ્ટ ઇન્ડિઝમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શાળાકીય શિક્ષણ સરકાર તરફથી અપાય છે. શહેરોમાં તે સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકો અને સાધનોની અછત રહેતી હોવાથી વિદ્યાર્થીઓ ક્યારેક તેમનો અભ્યાસ છોડી દે છે અને કુટુંબને મદદરૂપ થવા કમાણી શરૂ કરી દે છે. વેસ્ટ ઇન્ડિઝમાં યુનિવર્સિટીઓ, કૉલેજો; ઇજનેરી, તક્નીકી કૃષિ અને વ્યાવસાયિક તાલીમી શાળાઓ આવેલી છે.

મનોરંજન : વેસ્ટ ઇન્ડિઝમાં લોકપ્રિય રમતોમાં વ્યાયામ, બેઝબૉલ, બાસ્કેટ બૉલ, ક્રિકેટ અને સૉકરનો સમાવેશ થાય છે. મોટાભાગના ટાપુઓમાં કૂકડાઓની લડાઈની રમત યોજાય છે. સંગીત અહીંનું મુખ્ય મનોરંજન ગણાય છે. ટાપુઓ પરના ઘણાખરા લોકો પરંપરાગત ગીતો અને નૃત્યના જલસા યોજે છે અને વાદ્યસંગીત માણે છે.

ઇતિહાસ : પ્રારંભકાળ : પ્રાગૈતિહાસિક કાળ દરમિયાન અહીંના સર્વપ્રથમ નિવાસીઓ સિબોની નામના ઇન્ડિયનો હતા. ઈ. સ. 1000ના અરસામાં અહીં દક્ષિણ અમેરિકાથી સારાવાક ઇન્ડિયનો આવ્યા અને બૃહદ ઍન્ટિલ્સના ટાપુઓમાં વસ્યા. તેઓ શાંતિપ્રિય હતા, તેથી તેમણે તેમની ગ્રામ-વસાહતો નજીક કૃષિપાકો વાવ્યા અને ખેતીનો વ્યવસાય કરવા માંડ્યા. તેમને પગલે પગલે કૅરિબ ઇન્ડિયનો પણ આવ્યા અને લઘુ ઍન્ટિલ્સમાં વસ્યા. તે લડાયક વૃત્તિવાળા હતા તેથી તેઓ શિકારની પ્રવૃત્તિ કરવા લાગ્યા, માછલીઓ ખાઈને તેઓ જીવનનિર્વાહ કરતા હતા.

વસાહતી કાળ : 1492માં ક્રિસ્ટૉફર કોલંબસ બહામાના સાન સાલ્વાડૉરના ટાપુ પર ઊતર્યો. તે પછીના દસકા દરમિયાન તેણે આખાય વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ માટે સ્પેનનો દાવો મૂકેલો. સ્પૅનિશ લોકોએ હિસ્પાન્યોલા પર સાન્ટા ડૉમિંગો ખાતે 1496માં વેસ્ટ ઇન્ડિઝની સર્વપ્રથમ યુરોપીય (સ્પૅનિશ) વસાહત સ્થાપી.

ત્યારબાદ અહીં મળી આવેલાં સુવર્ણખનિજોના જથ્થાને કારણે યુરોપના હજારો લોકો વેસ્ટ ઇન્ડિઝ આવવા અને વસવા પ્રેરાયા. સોળમી સદીની શરૂઆતમાં સ્પેનવાસીઓએ ક્યૂબા, જમૈકા અને પ્યુર્ટોરિકો પર પણ વસાહતો સ્થાપી. તેમણે અહીંના મૂળ સ્થાનિક ઇન્ડિયનોને ગુલામો બનાવ્યા અને સોનાની ખાણોમાં મજૂરી કરવા ફરજ પાડી. વધુ પડતા જુલમ અને કામને કારણે તથા ચેપી રોગો થવાથી ઇન્ડિયનો ખલાસ થતા ગયા.

વેસ્ટ ઇન્ડિઝમાંથી યુરોપિયનોને મળેલી સંપત્તિથી આકષર્ઈિને ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને નેધરલૅન્ડ્ઝમાંથી ચાંચિયાઓની અવરજવર શરૂ થઈ, તેઓ સ્પૅનિશ જહાજો પર છાપા મારીને અમૂલ્ય ચીજવસ્તુઓ લૂંટી જતા.

સત્તરમી સદીમાં સ્પૅનિશ સત્તા નબળી પડતાં ડેન, ડચ, ઇંગ્લિશ અને ફ્રેન્ચ લોકોએ નાના નાના ટાપુઓ પર પણ વસાહતો સ્થાપી. 1655માં અંગ્રેજોએ જમૈકા જીતી લીધું. 1697માં ફ્રેન્ચોએ હિસ્પાન્યોલાનો કેટલોક ભાગ મેળવી લીધો. આ રીતે અહીંના ટાપુઓ મુખ્યત્વે બ્રિટિશ, ડચ કે ફ્રેન્ચ સંસ્થાનો બન્યાં. સત્તરમી સદીના અંતિમ ચરણથી અઢારમી સદી સુધી વસાહતી સત્તાઓએ વેસ્ટ ઇન્ડિઝમાં ઉગાડાતી શેરડીમાંથી સંપત્તિ એકઠી કરી. યુરોપિયનો શેરડીનાં ખેતરોમાં મજૂરી કરવા માટે આફ્રિકાના જુદા જુદા ભાગોમાંથી અનેક લોકોને ગુલામો તરીકે લઈ આવ્યા.

સ્વાતંત્ર્યચળવળ : ઓગણીસમી સદી દરમિયાન, ઘણા ટાપુઓ પર ચળવળો શરૂ થઈ, જેનાથી વસાહતી સત્તાઓનો અંકુશ નબળો પડ્યો. 1804માં વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ પૈકી હૈતી સર્વપ્રથમ સ્વતંત્ર બન્યું. હિસ્પાન્યોલાના ગુલામો ફ્રેન્ચ શાસકોની સામે પડ્યા. ડૉમિનિકન પ્રજાસત્તાક હૈતીમાંથી છૂટું પડ્યું અને 1844માં તેણે પોતાની સ્વતંત્રતા જાહેર કરી દીધી. ઓગણીસમી સદીના છેલ્લા ભાગમાં વેસ્ટ ઇન્ડિઝના બધા જ ટાપુઓમાંથી ગુલામીની પ્રથા નાબૂદ થઈ. આથી મજૂરોની તંગી ઊભી થઈ, પરિણામે શેરડીના ઉત્પાદનમાં મંદી આવી. નિગ્રો-ગુલામોને સ્થાને એશિયાઈ દેશો(મુખ્યત્વે ભારત અને ચીન)ના લોકોની ભરતી કરવામાં આવી. ધીમે ધીમે યુરોપિયનોનો વેસ્ટ ઇન્ડિઝમાંથી રસ ઊડી ગયો. સંજોગો બદલાતાં 1898માં વેસ્ટ ઇન્ડિઝ માટે યુનાઇટેડ સ્ટેટ્સની સક્રિયતા વધી. 1898માં જ ક્યૂબામાં ક્રાંતિ થઈ. સ્પેન અને યુ.એસ. વચ્ચે લડાઈ થઈ. ક્યૂબા સ્વતંત્ર બન્યું. પ્યુર્ટોરિકો અમેરિકી સંસ્થાન બન્યું. 1917માં યુ.એસ.એ ડેન્માર્ક પાસેથી વર્જિન ટાપુઓ ખરીદી લીધા. નજીકના પનામા નહેર વિસ્તાર પર પણ યુ.એસ.નું સાર્વભૌમત્વ સ્થપાયું. વીસમી સદીના પૂર્વાર્ધકાળ દરમિયાન અહીંના આપખુદ સત્તાધીશોએ ક્યૂબા, ડૉમિનિકન પ્રજાસત્તાક અને હૈતી પર અંકુશ જમાવી દીધો. 1959માં ફિડેલ કાસ્ટ્રોએ ક્યૂબામાં ક્રાંતિ શરૂ કરી અને આપખુદ સત્તાધીશ ફુલજેન્સિમો બેટિસ્ટેને ઉથલાવી દીધો. કાસ્ટ્રોએ ક્યૂબા ખાતે સામ્યવાદી શાસન સ્થાપ્યું અને સોવિયેટ સંઘ સાથે મિત્રતા કેળવી.

1945થી વેસ્ટ ઇન્ડિઝના ઘણા ટાપુઓ સ્વતંત્ર બનતા ગયા અને પોતપોતાનો વહીવટ સંભાળતા ગયા. 1950ના દસકામાં નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલ્સ અને પ્યુર્ટોરિકોનો સ્વતંત્ર વહીવટ સ્થપાયો. 1958માં અહીંની દસ બ્રિટિશ વસાહતો – (ઍન્ટિગુઆ, બાબર્ડિોેસ, ડૉમિનિકા, ગ્રૅનેડા, જમૈકા, મૉન્ટસૅરૅટ, સેન્ટ ક્રિસ્ટૉફર (સેન્ટ કિટ્સ) – નેવિસ  ઍંગ્વિલા, સેન્ટ લ્યુસિયા અને ત્રિનિદાદ-ટૉબેગો) – એ વેસ્ટ ઇન્ડિઝ ફેડરેશન રચ્યું; પરંતુ 1962માં જમૈકા, ટ્રિનિડાડ-ટૉબેગો સ્વતંત્ર બનતાં આ ફેડરેશન છૂટું થઈ ગયું.

1960-70ના દસકામાં ઍન્ટિગુઆ, ડૉમિનિકા, ગ્રૅનેડા, સેન્ટ ક્રિસ્ટૉફર-નેવિસ-ઍંગ્વિલાનાં રાજ્યો ગ્રેટબ્રિટન સાથે સંકળાયાં,  આ છ રાજ્યો વેસ્ટ ઇન્ડિઝ સંકલિત રાજ્યો તરીકે ઓળખાયાં. તે પછી 1980ના દસકા સુધીમાં સેન્ટ ક્રિસ્ટૉફર  નેવિસ  ઍંગ્વિલા સિવાયનાં રાજ્યો સ્વતંત્ર રાષ્ટ્રો બની ગયાં. આ ગાળામાં સેન્ટ ક્રિસ્ટૉફર  નેવિસ  ઍંગ્વિલામાંથી – ઍંગ્વિલા છૂટું પડ્યું અને અલગ બ્રિટિશ જાગીર બન્યું. બાકીનું રાજ્ય (સેન્ટ ક્રિસ્ટૉફર  નેવિસ) ગ્રેટ બ્રિટન જોડે રહ્યું. 1983માં સેન્ટ ક્રિસ્ટૉફર – નેવિસ પણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. આજે બ્રિટન હસ્તકના ઘણા ટાપુઓએ સ્વાતંત્ર્ય હાંસલ કર્યું છે અને તેઓ બધા બ્રિટિશ રાષ્ટ્રકુળ(British Commonwealth)નું સભ્યપદ ધરાવે છે. ડચ અને ફ્રેન્ચ સંસ્થાનો અનુક્રમે નેધરલૅન્ડ્ઝ અને ફ્રાન્સ સાથે સંકળાયેલાં છે. 1962થી યુ.એસ. હસ્તકના ‘વર્જિન ટાપુઓ’ અને ‘પ્યુર્ટોરિકોનું કૉમનવેલ્થ’ બંધારણીય રીતે યુ.એસ. સાથે જોડાયેલાં હોવાથી ત્યાં જન્મતાં બાળકોને આપોઆપ જ યુ.એસ.નું નાગરિકત્વ મળી જાય છે. (જુઓ સારણી – સ્વાતંત્ર્ય-વર્ષો વગેરે માહિતી.)

વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ : આજે આ ટાપુસમૂહ પરનાં સ્વતંત્ર રાષ્ટ્રો વસ્તી-ગીચતા, ગરીબાઈ, મર્યાદિત બનેલી કુદરતી સંપત્તિ જેવી વિવિધ જાતની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. શ્રમિકો ઘણી ઓછી મજૂરીથી કામ કરે છે. અહીંનાં રાષ્ટ્રોએ પ્રાદેશિક આર્થિક સંઘ ઊભો કર્યો છે અને ઉદ્યોગોના વિકાસ માટે મથી રહ્યા છે. Caricom પણ ઔદ્યોગિક વિકાસ માટે પ્રોત્સાહન આપે છે.

વેસ્ટ ઇન્ડિઝના સ્વતંત્ર દેશો

નામ વિસ્તાર વસ્તી (2003) પાટનગર સત્તાવાર ભાષા સ્વાતંત્ર્ય-વર્ષ
ઍન્ટિગુઆ અને બર્બ્યુડા 442 67,897 સેન્ટ જોહન્સ ઇંગ્લિશ 1981
બહામા 13,878 2,97,477 નસાઉ ઇંગ્લિશ 1973
બાર્બાડોસ 431 2,77,264 બ્રિજટાઉન ઇંગ્લિશ 1966
ક્યૂબા 1,10,861 1,12,63,429 હવાના સ્પૅનિશ 1898
ડૉમિનિકા 751 69,655 રોઝાઁ ઇંગ્લિશ 1978
ડૉમિનિકન પ્રજાસત્તાક 48,734 87,15,602 સાન્ટો ડૉમિંગો સ્પૅનિશ 1844
ગ્રૅનેડા 344 89,258 સેન્ટ જ્યૉર્જ્સ ઇંગ્લિશ 1974
હૈતી 27,750 75,27,817 પૉર્ટ-ઑ-પ્રિન્સ ફ્રેન્ચ 1804
જમૈકા 10,991 26,95,867 કિંગ્સ્ટન ઇંગ્લિશ 1962
સેન્ટ ક્રિસ્ટૉફર (ક્રિટ્સ) અને નેવિસ 261 38,763 બાસીતેરે ઇંગ્લિશ 1983
સેન્ટ લ્યુસિયા 616 1,62,157 કૅસ્ટ્રીઝ ઇંગ્લિશ 1979
સેન્ટ વિન્સેન્ટ અને ગ્રૅનેડાઇન્સ 388 1,16,812 કિંગ્સટાઉન ઇંગ્લિશ 1979
ટ્રિનિડાડ અને ટૉબેગો 5,128 11,04,209 પૉર્ટ ઑવ્ સ્પૅન ઇંગ્લિશ 1962

બિજલ પરમાર