વેસ્ટ આફ્રિકા રાઇસ ડેવલપમેંટ ઍસોસિયેશન (વર્દા – WARDA)

વેસ્ટ આફ્રિકા રાઇસ ડેવલપમેંટ ઍસોસિયેશન (વર્દા – WARDA) : મધ્ય પશ્ચિમ આફ્રિકાનું ડાંગરનાં સંશોધનો સાથે સંકળાયેલું એક સંગઠન. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, સંયુક્ત રાષ્ટ્ર ખોરાક અને કૃષિ સંગઠન તથા આફ્રિકાના આર્થિક પંચના સહયોગથી 11 દેશ દ્વારા 1971માં વદર્નિી સ્થાપના થઈ હતી. આ સંસ્થામાં હાલમાં 17 રાજ્યો સભ્ય તરીકે સંયુક્ત કામગીરી કરે છે; જેમાં બેનિન, બરકીના, કેમરુન, છાડ, આઇવરી કોસ્ટ, ઝામ્બિયા, ઘાના, ગુએના, બિસાઉ, લાઇબેરિયા, માલી, મૉરિટાનિયા, નાઇઝર, નાઇજિરિયા, સેનેગલ, સિયેરા લ્યોને અને ટોગોનો સમાવેશ થાય છે. તે આંતરરાષ્ટ્રીય કૃષિસંશોધન સંસ્થાના સલાહકાર ગ્રૂપનું સભ્ય છે અને 16 આંતરરાષ્ટ્રીય સંશોધનકેન્દ્રોનું માળખું ધરાવે છે.

વર્દાનું મુખ્ય મથક મોનરોવિયા છે. તેનાં અન્ય સંશોધનકેન્દ્રોમાં વિભાગીય સંશોધનકેન્દ્ર, સેનેગલ; આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધ કૃષિસંસ્થાન, ઇબાદાન અને અર્ધશુષ્ક વિસ્તાર માટેની આંતરરાષ્ટ્રીય પાક સંશોધન સંસ્થા, સામાન્કો(માલી)નો સમાવેશ થાય છે.

આ સંગઠનનાં મુખ્ય ધ્યેયો આ પ્રમાણે છે :

(1) ધાન્યપાકોમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવી;

(2) ગ્રામીણ અને શહેરી પ્રજાની ગરીબી દૂર કરવા માટેનાં સંશોધનો કરવાં;

(3) ડાંગરના પાકની પદ્ધતિઓની ક્ષમતા વધારવી અને

(4) આબોહવાના સુદૃઢ વ્યવસ્થાપન દ્વારા કુદરતી સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરી કૃષિવિકાસ કરવો.

આ સંસ્થા અપલૅન્ડ આબોહવાકીય વિસ્તાર માટે વિવિધ જનીનિક બંધારણ ધરાવતી અને જુદા જુદા ખાદ્ય ગુણો ધરાવતી ઉચ્ચ ગુણવત્તાવાળી જાતો તૈયાર કરે છે. તે ડાંગરનું સંકરણ અને તેની જાતોની પસંદગીની કામગીરી કરે છે. તે જુદા જુદા વાતાવરણ અને વ્યવસ્થાપનપદ્ધતિ હેઠળ સારી જાતો ચકાસી જે તે વિસ્તારને અનુકૂળ આવે તેવી જાતોની તારવણી કરે છે. આમ, આ સંસ્થા કુદરતી રીતે પ્રાપ્ત સગવડનો મહત્તમ ઉપયોગ કરે છે. તે પ્રાદેશિક અને સંશોધન-આધારિત સમજણનો સમન્વય કરવાની જવાબદારી નિભાવે છે. તે માટે રાષ્ટ્રની વિસ્તરણ-પ્રવૃત્તિ હેઠળ વિવિધ કાર્યક્રમો આપી ખેડૂતોમાં જાગૃતિ પ્રેરે છે.

હાલમાં વર્દા દ્વારા વિકસાવવામાં આવેલ ‘નારિકા’ ડાંગરની જાત આફ્રિકાના ગરીબ ખેડૂતો માટે આશાના સોનેરી કિરણ સમાન છે. તે આફ્રિકન કૃષિમાં નવી ક્રાંતિ સર્જશે એમ મનાય છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ