વેળુસ્કર, રમેશ ભગવંત (. 1947, પાલેમ, ગોવા) : કોંકણી કવિ અને હિંદી ભાષાના લેખક. તેઓ બૉર્ડ ઑવ્ સ્ટડિઝ ઇન કોંકણી; ગોવા બૉર્ડ ઑવ્ એજ્યુકેશન; એડિટૉરિયલ બૉર્ડ ફૉર ટેક્સ્ટબુક્સ ઇન કોંકણીના સભ્ય રહ્યા હતા તથા અધ્યાપનકાર્ય કર્યું હતું.

રમેશ ભગવંત વેળુસ્કર

તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં 4 કાવ્યસંગ્રહો, 1 નવલકથા તથા 2 બાલગીતસંગ્રહો છે. તેમની નવલકથા ‘મોની વ્યથા’(સાયલેન્ટ સોરો, 1976)ને ગોવા કલા અકાદમીનો ઍવૉર્ડ અને ‘મોરપંખમ’(પીકૉક ફૅધર્સ)ને 1979ના વર્ષનો કોંકણી ભાષા મંડળનો ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. ‘માટી’ (અર્થ); ‘આંગની નાચતા મોરિઆ’ (ધ પીકૉક ડાન્સિસ ઇન ફ્રન્ટ ઑવ્ ધ હાઉસ, 1988) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘ફુલ્પકુલમ્’ (બટરફલાય); ‘ચંદીમામા’ (‘અંકલ મૂન’, 1983) તેમના લોકપ્રિય બાલકાવ્યસંગ્રહો છે. તેમના ‘સાવુલગોરી’ (‘શૅડો ફેર મેડન’, 1989) નામક કાવ્યસંગ્રહ માટે તેમને 1990ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. ‘ભૂંક ભૂંક ભિસુ’(‘બાર્ક, ડૉગી બાર્ક’, 1970)ને કલા અકાદમી ઍવૉર્ડ તથા નેહરુ ઍવૉર્ડ એનાયત કરાયેલા.

બળદેવભાઈ કનીજિયા