વેળા વેન્દન, કા (. 5 મે 1936, કરાની, જિ. ચેંગલપટ્ટુ, તમિલનાડુ) : તમિળ કવિ અને નિબંધકાર. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી બી.એ. અને બી.એલ.ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ સક્રિય રાજકારણી, સામાજિક કાર્યકર તેમજ લેખક રહ્યા છે.

તમિલનાડુ સરકારમાં તેઓ 10 વર્ષ સુધી ધારાસભ્ય તથા મંત્રી રહ્યા તેમજ તમિળ લેખક મંડળના સભ્ય અને તમિળ કવિ મંડળના ઉપપ્રમુખ પણ રહ્યા છે.

તેમણે અત્યાર સુધી 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વેળવેન્દન કવિનાઇગલ’ (1963); ‘તમિળેરુ’ (1963); ‘વન્ના તોગઈ’ (1972); ‘એક્કાંજલિ તક્કાંગલ’ (1992); ‘તુરલમ્ સરલમ્’ (1992) – એ બધા તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘નેન્જિલે પૂથા નિલા’ (1957) વાર્તાસંગ્રહ છે. ‘તમિળ અમિળતા’ (1973) નિબંધસંગ્રહ છે.

તેમને શ્રેષ્ઠ કવિતા માટે તમિલનાડુ સરકાર તરફથી ભારતીદાસન્ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા