વેલ્સ, ઍલન (જ. 3 મે 1952, એડિનબરો, યુ.કે.) : ઍથ્લેટિક્સના આંગ્લ ખેલાડી. 1980માં 100 મીટરમાં તેઓ ઑલિમ્પિક રમતોમાં ચૅમ્પિયન બન્યા અને તે વખતે તેમની વય 28 હોવાથી, એ ચૅમ્પિયનશિપમાં તેઓ સૌથી મોટી ઉંમરના ચૅમ્પિયન હતા. યુ.એસ.ના બહિષ્કારના કારણે તેઓ ટોચના અમેરિકન ખેલાડી સામે પોતાની તાકાતનું પ્રદર્શન કરી શક્યા નહિ, પરંતુ આઇ એ એ એફની ગોલ્ડન સ્પ્રિન્ટ્સ અને વિશ્વકપ 100 મી.(200 મી. બીજા ક્રમે)ના 1981માં વિજેતા બન્યા.
તેઓ કૉમનવેલ્થ રમતોત્સવમાં વિક્રમરૂપ 6 ચન્દ્રકોના વિજેતા બન્યા. 1978માં 200 મી.માં સુવર્ણચન્દ્રક અને સ્પ્રિન્ટ રિલેમાં અને 1982માં 100 મી. તથા 200 મી.માં તેમણે સુવર્ણચન્દ્રક મેળવ્યા. 1978માં તેઓ 100 મી.માં બીજા ક્રમે રહ્યા હતા અને રૌપ્ય ચન્દ્રકના વિજેતા બન્યા હતા.
મહેશ ચોકસી