વેલ્લાયની, અર્જુનન્ (જ. 10 ફેબ્રુઆરી 1933, વેલ્લાયની, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ લેખક. અંગ્રેજી, મલયાળમ તથા હિંદીમાં એમ.એ., પીએચ.ડી., ડી.લિટ.; તમિળ, તેલુગુ તથા કન્નડમાં ડિપ્લોમા; ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક ડિપ્લોમા. હાલ મહાત્મા ગાંધી યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ કૉમ્યુનિકેશન ઍન્ડ ઇન્ફરમેશન સાયન્સના નિયામક. અગાઉ ‘મલયાળમ એન્સાઇક્લોપીડિયા’ના મુખ્ય સંપાદક તેમજ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્સાઇક્લોપીડિક પબ્લિકેશન્સના નિયામક (1975-88); કેરળ સાક્ષરાત સમિતિના નિયામક; અલીગઢ ખાતેની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના મૉડર્ન ઇન્ડિયન લૅંગ્વેજિઝના પ્રાધ્યાપક; કેન્દ્રીય સાહિત્ય અકાદમી, કેરળ સાહિત્ય પરિષદ તથા અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓ સાથેના સહયોગમાં સક્રિય.
ભારતીય ભાષાઓમાં ઉત્તમ એન્સાઇક્લોપીડિયાના સંપાદન-પ્રકાશન બદલ રાષ્ટ્રીય ઍવૉર્ડ (1981), કેરળ સરકારનો ઍવૉર્ડ (3 વાર), રાષ્ટ્રીય એકતા બદલ ઉત્તરપ્રદેશ સરકારનું સુહૃદ સન્માન એ તેમને મળેલા મુખ્ય પુરસ્કારો છે.
તેમનાં પ્રકાશનોમાં ‘કાર્તિક વિલાક્કુ’ (1960), ‘ગંગા-યરોઝુકુન્નુ’ (1962), ‘ચોરાપ્પૂન્કુલા’ (1952) અને ‘અશોકવનમ્’ (1963) એ કાવ્યસંગ્રહો; ‘અંપિલી’ (1961) એ બાળકાવ્યો; ‘પંચવર્ણ કિલિકલ’ (1958) અને ‘કથા ભારતમ્’ (1964) એ બાળવાર્તાઓ; ‘જીવિતમ્ કરગ્રહમનુ’ (1959) અને ‘ઉદયકાંતિ’ (1964) એ નાટકો; ‘અશ્વદાન વેદી’ (1961) અને ‘આલોકનમ્’ (1965) એ સાહિત્યિક વિવેચના; ‘ઉદયન વિરુન્નુ’ (1967) એ સાંસ્કૃતિક નિબંધો તથા ‘ગવેષણા મેખલા’ (1970) એ સંશોધનગ્રંથ મુખ્ય છે.
મહેશ ચોકસી