વેલ્લોર : તામિલનાડુ રાજ્યના ઉત્તર આર્કટ આંબેડકર જિલ્લાનું જિલ્લામથક, તાલુકો તથા શહેર. ભૌગોલિક સ્થાન : 12° 56´ ઉ. અ. અને 79° 08´ પૂ. રે.. ઉત્તર આર્કટ આંબેડકર જિલ્લામાં પૂર્વઘાટના ભાગરૂપ આવેલી જાવાદીસ હારમાળા આ વેલ્લોર તાલુકા સુધી વિસ્તરેલી છે. વેલ્લોર શહેર નાની નાની ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીં અનામત જંગલો આવેલાં છે. તેમાંથી ચંદન, વાંસ અને ઇંધનનાં લાકડાં મેળવાય છે. જમીનોનું ધોવાણ અટકાવવા માટે કેટલીક જગાએ સાગ, રોઝવૂડ અને વાંસની રોપણી કરીને જંગલ-વિસ્તાર વધારવાના પ્રયાસો કરવામાં આવેલા છે. વેલ્લોર અને ગુડિયાટ્ટમ્ તાલુકાની સીમાએથી પલર (Palar) નદી વહે છે. વેલ્લોર શહેર આ નદીને કાંઠે વસેલું છે. તે ચેન્નાઈથી પશ્ચિમે 130 કિમી. દૂર આવેલું છે.

વેલ્લોરના મંદિરના ગોપુરની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલા – એક દર્શન

આ તાલુકો સિંચાઈની સુવિધા ધરાવતો હોવાથી અન્ય તાલુકાઓની સરખામણીએ ખેતીની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ છે. અહીં વરસાદ પૂરતા પ્રમાણમાં પડે છે. વીજળી પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી કૂવાઓ પર ઠેર ઠેર પંપ બેસાડેલા છે. અહીંના ખેડૂતો રાસાયણિક ખાતરો, આધુનિક કૃષિસાધનો તથા ઉત્તમ બિયારણનો ઉપયોગ કરે છે. ડાંગર અને મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં ગાય, ભેંસ, ઘેટાંબકરાં, ભુંડ જેવાં પશુઓનું પાલન થાય છે. તેમને માટે પશુસંવર્ધન-કેન્દ્રો આવેલાં છે. આ ઉપરાંત નાનાં-મોટાં તળાવોમાં મત્સ્યઉછેર પણ થાય છે.

વેલ્લોર જિલ્લામથક હોવાથી તેની આસપાસ સુતરાઉ કાપડ, ખાંડ, ખાતરના એકમો સ્થપાયેલા છે. ઊની ધાબળા અને ગાલીચા-જાજમો-શેતરંજીઓ બનાવવાના એકમો, હાથવણાટના તથા ગૃહઉદ્યોગોનાં કેન્દ્રો અહીં આવેલાં છે. વેલ્લોર ખાતે આવેલી જેલમાં કેદીઓ ગરમ ધાબળા-જાજમો અને સાઇકલોનું ઉત્પાદન કરે છે.

વેલ્લોર રેલમાર્ગથી તેમજ પાકા માર્ગોથી જિલ્લા અને રાજ્યનાં વિવિધ સ્થળો સાથે જોડાયેલું છે. વેલ્લોર પાસેથી ચેન્નાઈ-બૅંગલોરને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે. વિલ્લપુરમ્ અને ગુડિયાટ્ટમને સાંકળતો મીટરગેજ રેલમાર્ગ પણ અહીંથી જ પસાર થાય છે. આ સુવિધાને કારણે તે ખેતપેદાશો અને ઔદ્યોગિક પેદાશોનું વેપારીકેન્દ્ર બની રહેલું છે.

શહેરમાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીની શિક્ષણસંસ્થાઓ તેમજ વિનયન, તબીબી, ઇજનેરી તથા સરકારી તકનીકી સંસ્થાઓ આવેલી છે. વેલ્લોરમાં વસ્તીની ગીચતા વધુ હોવાથી ત્યાં નગરપાલિકાની સ્થાપના પણ કરવામાં આવેલી છે.

વેલ્લોર

ઇતિહાસ : વેલ્લોર ખાતે 13મી સદીનો એક કિલ્લો આવેલો છે. 17મી અને 18મી સદી દરમિયાન વેલ્લોર ખાતે મરાઠા, મુસ્લિમ અને અંગ્રેજો વચ્ચે મહત્વનાં યુદ્ધો ખેલાયેલાં. 1760માં સર્વપ્રથમ વાર અંગ્રેજોએ તેને પોતાના તાબામાં લીધેલું. 1780-1782 દરમિયાન હૈદરઅલીએ તેનું વર્ચસ્ ટકાવેલું. 10મી મે 1806ના રોજ દક્ષિણ ભારતની ટુકડીઓએ અંગ્રેજો સામે બળવો કરેલો. કર્નલ રૉબર્ટ ગીલેસ્પીએ 130 બ્રિટિશ ટુકડીઓ દ્વારા ફક્ત એક કલાકમાં જ પોતાનું પ્રભુત્વ ફરી વાર સ્થાપેલું. તે સમયે વિલિયમ બેન્ટિક મદ્રાસ(ચેન્નાઈ)ના ગવર્નર હતા.

નીતિન કોઠારી