વેલિસ્નેરિયા (જલસરપોલિયાં) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા હાઇડ્રૉકેરિટેસી કુળની એક પ્રજાતિ. તેનું ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. તેની એક જલજ નિમજ્જિત (submerged) શાકીય જાતિનું વૈજ્ઞાનિક નામ Vallisneria spiralis L. (ગુ. જલસરપોલિયાં, પ્રાનવગટ; અં. ઇલ-ગ્રાસ ટેપ-ગ્રાસ) છે. તે વિરોહયુક્ત (stoloniferous) હોય છે. પર્ણો ઘણાં લાંબાં, રેખીય, ચપટાં અને પટ્ટી આકારનાં હોય છે. તેઓ મૂળ પર્ણો (radical) છે. આ જાતિ દ્વિગૃહી (dioecious) હોય છે. નર પુષ્પો અસંખ્ય અને ઘણાં નાનાં હોય છે અને ત્રિખંડી, ટૂંકા દંડ ધરાવતાં પૃથુપર્ણ (spathe) વડે આવરિત હોય છે; જે બે નિપત્રો (bracts) દ્વારા બનેલું હોય છે. પૃથુપર્ણ ખૂલતાં નર પુષ્પો એક પછી એક વૃન્ત(stalk)થી અલગ થઈ પાણીમાં ઊંચે ચઢી સપાટી સુધી પહોંચે છે. પ્રત્યેક નર પુષ્પમાં ત્રણ પુંકેસરો આવેલાં હોય છે, તે પૈકી બે ફળાઉ અને એક વંધ્ય હોય છે. માદા પુષ્પો એકાકી (solitary) હોય છે. તેનો પુષ્પવિન્યાસદંડ (peduncle) લાંબો, પાતળો અને કુંતલાકાર હોય છે. તેના કુંતલો ખૂલતાં તે પાણીની સપાટી પર આવે છે અને જલપરાગનયન સધાય છે. માદા પુષ્પ ત્રણ વંધ્ય પુંકેસરો ધરાવે છે. બીજાશય અધ:સ્થ (inferior) હોય છે અને તેમાં ઘણાં અંડકો હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું અને ગોળાકાર હોય છે. પુષ્પવિન્યાસદંડ ફલન પછી ટૂંકો બને છે અને પાણીમાં પાછો નીચે ઊતરે છે.

આ વનસ્પતિ તળાવો અને નદીમાં સામાન્ય છે. તે જલઘર(aquarium)માં સુશોભન માટે અને પ્રાણવાયુકર (oxygenator) તરીકે ઉગાડવામાં આવે છે. જોકે તેની વિપુલતા વધી જાય તો પાણીના પ્રવાહને અવરોધે છે અને પાણી સ્થાયી બનાવે છે. પ્રાકૃતિક વસવાટોમાં તે ખૂબ ગીચતા ધરાવતી હોવાથી માછીમારીમાં અસુવિધાઓ ઉત્પન્ન કરે છે. આવા સંજોગોમાં ડાઇકોટૉક્સ (3.38 ગ્રા./ચોરસ મીટર) નાખતાં લગભગ 20 દિવસમાં માછલીઓને નુકસાન પહોંચાડ્યા સિવાય આ વનસ્પતિનો નાશ થાય છે.

પાણી, મંદ આલ્કલી કે મંદ ઍસિડમાં રંગહીન વનસ્પતિના નિષ્કર્ષ પૉલિસેકેરાઇડ અવશેષો (residues) મુખ્યત્વે D-ગેલેક્ટોઝ, D-ઝાયલોઝ અને L-એરેબિનોઝ અને અલ્પ જથ્થામાં યુરોનિક ઍસિડ અને L-રહેમ્નોઝ ધરાવે છે. આ ઉપરાંત ઍસિડિક ઝાયલેન અને અરેબિનો ગેલેક્ટેન એવા બે જલ દ્રાવ્ય પૉલિસેકેરાઇડ પણ ઓળખાયા છે.

વેલિસ્નેરિયા(જલસરપોલિયાં)નો છોડ

જલસરપોલિયાની ઉંદરમાં ખૂબ ઓછી પાચ્યતા (digestibility) જોવા મળી છે. તેનું જૈવિક મૂલ્ય પણ અત્યંત ઓછું હોય છે. વનસ્પતિમાં સ્ટાર્ચની હાજરી નોંધાઈ છે.

તેનો ઉપયોગ ક્ષુધાવર્ધક (stomachic) તરીકે અને પ્રદર(leucorrhoea)માં થાય છે. તે શીતક (refrigerant) અને શામક (demulcent) તરીકે વપરાય છે. તેનાં કુમળાં પર્ણોનો ‘કચુંબર’ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બતક અને ડુક્કર તેનાં પર્ણોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

gigantia Graebn. આસામનાં મેદાનોમાં, તળાવોમાં કે ઝરણાંઓમાં સામાન્ય છે. પર્ણો પટ્ટી આકારનાં અને થોડાક સેમી.થી 2 મી. જેટલાં લાંબાં હોય છે. તે દ્વિગૃહી હોય છે. તેનાં ફળો લીલાશ પડતાં પીળાં હોય છે અને અનેક બીજ ધરાવે છે. આ છોડ જલઘરમાં શોભન-વનસ્પતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. તેનાં લાંબાં પાતળાં પર્ણો દેખાવે આકર્ષક લાગે છે. તેનાં પર્ણો બાફીને શાકભાજી તરીકે ખવાય છે. તે ફૉસ્ફરસ, કૅલ્શિયમ અને લોહનો સારો સ્રોત છે. તાજી વનસ્પતિના એક રાસાયણિક સંશ્ર્લેષણ મુજબ, તે પાણી 92.19 %, ભસ્મ 1.12 %, કૅલ્શિયમ 0.09 %, ફૉસ્ફરસ 0.25 % અને લોહ 0.011 % ધરાવે છે.

દીનાઝ પરબીઆ

મીનુ પરબીઆ

બળદેવભાઈ પટેલ