વેલિંગ્ટન : ન્યૂઝીલૅન્ડનું પાટનગર, બીજા ક્રમનું મોટું શહેર, ઔદ્યોગિક મથક તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 41° 47´ દ. અ. અને 174° 47´ પૂ. રે.. તે ઉત્તર ટાપુના છેક દક્ષિણ છેડે ઊંડા જળના કુદરતી બારામાં કૂકની સામુદ્રધુની પર આવેલું છે. અહીંનું બારું આશરે 8500 હેક્ટર જેટલો વિસ્તાર આવરી લે છે. તેની બધી બાજુએ ઊંચી ટેકરીઓ આવેલી હોવાથી કૂકની સામુદ્રધુની મારફતે આવતાં વાવાઝોડાંથી તેને રક્ષણ મળી રહે છે. 1855માં અહીં આવેલા ભૂકંપથી અહીંના બંદરનો થર એક મીટર જેટલો ઊંચકાયેલો, શહેરનો ઘણોખરો ભાગ અને ઉદ્યોગ-ધંધા અહીં આવેલા હોવાથી તે ભૂમિને નવસાધ્ય કરવાની જરૂર પડેલી. અહીંની આબોહવા મધ્યમસરની છે, પરંતુ ક્યારેક અહીં પવનોનો મારો પુષ્કળ પ્રમાણમાં રહે છે.

વેલિંગ્ટન ન્યૂઝીલૅન્ડનું પાટનગર હોવાથી તે હવાઈ, દરિયાઈ અને સડકમાર્ગે વિદેશો સાથે તેમજ દેશનાં મુખ્ય શહેરો સાથે સંકળાયેલું છે. અહીં બે હવાઈ મથકો છે. મધ્યમાં રોંગોતાઈ પરામાં આવેલું હવાઈ મથક પાટનગરનું વ્યસ્ત રહેતું હવાઈ મથક છે. શહેર માટેનું બીજું હવાઈ મથક વેલિંગ્ટનથી ઉત્તર તરફ આશરે 56 કિમી.ના અંતરે પારાપારાઉમુ ખાતે આવેલું છે. વેલિંગ્ટન દેશનાં ઉત્તર તરફનાં ઘણાં સ્થળો સાથે વીજળી-ગાડીઓથી સંકળાયેલું છે. ન્યૂઝીલૅન્ડની કેબલકાર વ્યવસ્થા માત્ર વેલિંગ્ટન પૂરતી જ ઉપલબ્ધ છે. જાહેર પરિવહનક્ષેત્રે બસસેવાની સગવડ છે. આ શહેરમાંથી ‘ધ ડોમિનિયન’ અને ‘ધ ઇવનિંગ પોસ્ટ’ નામના બે દૈનિક પત્રો તથા ‘ધ ન્યૂઝીલૅન્ડ ટાઇમ્સ’ નામનું રવિવારી સાપ્તાહિક નીકળે છે. શહેરમાં બે ટેલિવિઝન-મથકો અને પાંચ રેડિયોમથકો(એક ખાનગી રેડિયોમથક સમેત)ની સુવિધા પણ છે. તે દક્ષિણ ટાપુના પિક્ટન બંદર સાથે ફેરીસેવાથી જાડોયેલું છે. ન્યૂઝીલૅન્ડની મોટાભાગની સાંસ્કૃતિક સંસ્થાઓનાં મુખ્ય કાર્યાલયો અહીં આવેલાં છે.

અહીંના અત્યંત વ્યસ્ત રહેતા બંદરેથી આશરે 60 લાખ મેટ્રિક ટન જેટલા માલસામાનની હેરફેર થતી રહે છે. માલ ભરેલાં 200 જેટલાં વહાણો દર વર્ષે આ બંદરે આવે છે. ન્યૂઝીલૅન્ડનાં અન્ય બંદરો કરતાં આ બંદરે માલ ઉતારવા/ચઢાવવાની સેવા અત્યંત ઝડપે થાય છે. એક વહાણ માટે ચાર મિનિટથી વધુ સમય લાગતો નથી. બીજાં નાનાં વહાણો પણ આ બંદરનો ઉપયોગ કરે છે.

વેલિંગ્ટન

દેશનાં ઔદ્યોગિક ઉત્પાદન-મથકો પૈકીનાં 2 મથકો એકલા વેલિંગ્ટનમાં છે. ઊની કાપડ, રસાયણો, સાબુ, પગરખાં, ઈંટો વગેરે જેવા ઉદ્યોગો અહીં વિકસ્યા છે. આ ઉપરાંત મોટાભાગનાં કારખાનાં લઘુઉદ્યોગોનાં છે. વેલિંગ્ટન દેશની નાણાવ્યવસ્થા અને વહીવટી વ્યવસ્થાનું મુખ્ય મથક છે. સરકારી ખાતાંઓની વડી કચેરીઓ તેમજ બૅંકો, વીમાકંપનીઓ વેલિંગ્ટનમાં આવેલી છે.

વસ્તી  જાણીતાં સ્થળો : 2000 મુજબ વેલિંગ્ટનની વસ્તી આશરે 3,55,000 જેટલી છે. શહેરની મોટી ઇમારતોમાં લેમ્બટન ક્વે પર આવેલી સરકારી ઇમારત જાણીતી છે. ચાર માળની આ ઇમારત ન્યૂઝીલૅન્ડની વસાહતી ડિઝાઇન ધરાવે છે. 1876માં જ્યારે તેનું બાંધકામ થયેલું ત્યારે આખાય દક્ષિણ ગોળાર્ધમાં આ ઇમારત મોટામાં મોટી લાકડાની ઇમારત હતી. એ જ રીતે અહીંના સ્થાનિક લાકડામાંથી બાંધેલું સેન્ટ પૉલ કૅથીડ્રલ અત્યંત સુંદર ધાર્મિક સ્થળ ગણાય છે. ટેરેસને દક્ષિણ છેડે તેમજ થૉર્નડૉનના પારામાં 1860ના દાયકાનાં લાકડાનાં ઘણાં વસાહતી ઘરો આવેલાં છે. બ્રિટિશ સ્થપતિ સર બેસિલ સ્પેન્સની વર્તુળાકાર ડિઝાઇન પ્રમાણે બાંધેલું સંસદ કાર્યાલય ‘બીહાઇવ’ (Beehive) અહીંની ખૂબ જ સુંદર ગણાતી આધુનિક ઇમારત છે. અહીંના અગાઉના એક મેયર દ્વારા જેનું ઉદ્ઘાટન થયેલું તે ટાઉનહૉલ – ‘મિશેલ ફાઉલર સેન્ટર’ પણ એટલું જ સુંદર છે. ઍલેક્ઝાન્ડર ટર્નબુલ લાઇબ્રેરી સહિત, વિરલ પુસ્તકો અને હસ્તપ્રતો ધરાવતી ન્યૂઝીલૅન્ડની નૅશનલ લાઇબ્રેરીમાં ગ્રંથસૂચિ પ્રસારમાળખું, સંદર્ભો તથા પુસ્તકોની વિનિમય વ્યવસ્થાની સગવડ છે. સંસદભવનની ઇમારતમાં જનરલ એસૅમ્બ્લી પુસ્તકાલય અને રાષ્ટ્રીય ગ્રંથસ્વામિત્વ પુસ્તકાલય છે. નૅશનલ આર્ટ ગૅલરી અને નૅશનલ

વેલિંગ્ટન મહાનગરનું વિહંગદર્શન

મ્યુઝિયમ સિટી સેન્ટરથી થોડેક અંતરે અહીંની ટેકરી પર આવેલાં છે. આ ઉપરાંત વેલિંગ્ટન રૉયલ ન્યૂઝીલૅન્ડ બૅલે અને ન્યૂઝીલૅન્ડ સિમ્ફની ઑરકૅસ્ટ્રાનું મુખ્ય મથક છે. ડાઉનસ્ટેજ થિયેટર કંપની વ્યાવસાયિક થિયેટર કંપની છે, જ્યારે નાની કંપનીઓ સિરકા થિયેટર અને ડેપો થિયેટરો ખાતે કામ કરે છે.

શહેર નજીક સુંદર કંઠાર-રેતપટ છે. શહેરમાં ચાર જાહેર તરણ-હોજ છે. ઉદ્યાનો, ઍથ્લેટિક પાર્ક, ક્રિકેટ અને ફૂટબૉલ માટે રમતગમતનાં મેદાનો વગેરે આવેલાં છે. આ ઉપરાંત બૉટનિકલ ગાર્ડન, કાર્ટર વેધશાળા, વેલિંગ્ટન પ્રાણીસંગ્રહાલય, પ્રાચીન વસાહતીઓનો સ્મૃતિ-ઉદ્યાન પણ છે. માઉન્ટ વિક્ટોરિયાની ટોચ પરના પ્લૅટફૉર્મ પરથી શહેર અને બંદરનું દૃશ્ય નિહાળી શકાય છે.

અહીંની વિક્ટોરિયા યુનિવર્સિટીમાં આશરે 8000 જેટલા પૂર્ણ/ખંડ સમયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ તાલીમી કૉલેજ, કિંડરગાર્ટન ટીચર્સ કૉલેજ તથા પત્રવ્યવહારથી ચાલતી એક સ્કૂલ પણ અહીં આવેલી છે. અહીંની પૉલિટેકનીકમાં ઘણા બધા વ્યાવસાયિક અભ્યાસક્રમોની સુવિધા ઉપલબ્ધ છે.

ઇતિહાસ : વેલિંગ્ટનની શોધનો યશ આશરે 10મી સદીમાં અહીંના બારામાં હંકારી ગયેલા એક પૉલિનેશિયન અભિયંતા કુપેનને ફાળે જાય છે. ત્યારે ત્યાં વસાહતો ન હતી. નિષ્ણાતો માને છે કે અહીં પૉલિનેશિયનોની વસ્તી ચૌદમા સૈકામાં થઈ. 1773માં આ બારામાં જનાર કૅપ્ટન જેમ્સ કૂક પ્રથમ યુરોપિયન હતો. 1826માં કૅપ્ટન જેમ્સ હર્ડ આ  બારાના બધા ભાગોમાં ફરેલો. વેલિંગ્ટનમાં વસાહત સ્થાપવાનો યશ એડ્વર્ડ ગિબન વેકફિલ્ડને ફાળે જાય છે. તેણે ન્યૂઝીલૅન્ડ કંપનીને મદદ કરેલી. 1840ના જાન્યુઆરીની 22મી તારીખે વસાહતીઓએ આવીને બારાના ઉત્તર કાંઠે પેટોન ખાતે એક ગામની સ્થાપના કરેલી. તે વખતે બારાની આજુબાજુ છૂટાછવાયા 50 જેટલા માઓરી લોકો વસતા હતા. પછીથી અહીંની કળણભૂમિ છોડીને નજીકની દૃઢ ભૂમિ પર વસવા લોકોએ જગા બદલેલી. 1840ના દાયકામાં તેમણે સરકારી વહીવટી સ્થાન માટે જગા ખાલી રાખેલી. 1865માં ઑકલૅન્ડનું સરકારી વહીવટી સ્થળ ખેસવીને વેલિંગ્ટન ખાતે લવાયું. સંસદભવનની બાજુમાં બીહાઇવ નામથી લોકપ્રિય થયેલો નવો એસૅમ્બ્લી હૉલ 1977માં ખુલ્લો મુકાયો છે.

ગિરીશભાઈ પંડ્યા